જહાજ ફરી પાણીની સપાટી પર ઊંચકાતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો
(જી.એન.એસ)ભાવનગર,તા.૨૪
ભાવનગર જિલ્લાના ઘોઘા ટર્મિનલ થી શરૂ કરાયેલ ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ દરિયામાં પૂરતા ડ્રાફ્ટ ના અભાવે ફસાઈ જતા 400 થી વધુ મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, જ્યારે 5 કલાક થી વધુ સમય બાદ દરિયામાં ફરી ભરતી ચડતા જહાજ ફરી પાણીની સપાટી પર ઊંચકાતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે જહાજ ને ફરી ઘોઘા જેટી પર પરત લાવવામાં આવ્યું હતું. અને જહાજની તમામ પ્રકારની સુરક્ષિત હોવાની ચકાસણી બાદ વોએજ એક્સપ્રેસ હજીરા જવા રવાના થયું હતું. જે દરમ્યાન કેટલાક મુસાફરોએ મુસાફરી માટે તૈયારી નહીં બતાવતા તેઓને રિફંડ ચુકવવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ ઘોઘા હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ સાંજે 5 વાગે હજીરા જવાની તૈયારી કરી રહ્યું હતું. જેમાં 400 થી વધુ મુસાફરો અને 70 જેટલા નાના મોટા વાહનો સાથે 5:30 વાગ્યા આસપાસ જહાજને રવાના કરવામાં આવ્યું હતું. એ સમયે દરિયામાં ઓટ ચાલુ હોવાથી ચેનલ માંથી પસાર થઈ રહેલું વોએજ એક્સપ્રેસ જહાજ માત્ર એક કિલોમીટર દૂર દરિયામાં પહોંચ્યું હતું.
જ્યાં દરિયામાં પાણી ઓસરી જવાના કારણે પૂરતો ડ્રાફ્ટ નહીં મળતાં જહાજ તળિયે અડી જતા ફસાઈ ગયુ હતું. સામાન્ય રીતે દરિયામાં ભરતી ઓટ ની પ્રક્રિયા અવિરત ચાલતી હોય છે, ત્યારે જહાજ માટે બનાવવામાં આવેલી દરિયાઈ ચેનલમાં પૂરતું ડ્રેજીંગ નહીં થવાના કારણે ચેનલ ભરાઈ ગઈ હતી, જે દરમ્યાન ઓટના કારણે દરિયામાં પાણી ઓસરી જતા જહાજ તળિયે અડી ને રોકાઈ ગયું હતું. જહાજ કાદવમાં ફસાઈ જતા જહાજમાં રહેલા 400 થી વધુ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા, જોકે ફરી ભરતી આવતા ત્રણ કલાક તેટલો સમય વીતી જતા મુસાફરોમાં એક પ્રકારનો ભય વ્યાપી ગયો હતો, પરંતુ ફરી દરિયામાં પાણીનું જોર વધતા જહાજ તરવા લાગતા લોકોના જીવમાં જીવ આવ્યો હતો, ત્યારે જહાજ ને ફરી તપાસ માટે ઘોઘા ખાતે લાવવામાં આવ્યું હતું. જ્યાં કેટલાક મુસાફરો એ મોડું થઈ જતા બીજા દિવસે જવાનું મન માનવી જહાજ માંથી ઊતરી ગયા હતા, જ્યારે મોટાભાગના 400 થી વધુ મુસાફરોએ ફરી રોપેક્ષ માં જ મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું. ત્યારે તમામ પ્રકારની તપાસ પૂર્ણ થતાં વોએજ એક્સપ્રેસ જહાજ રાત્રે 11:45 કલાકે ફરી હજીરા જવા રવાના થયું હતું. ભાવનગર જિલ્લાનો દરિયો ભારે કરંટ વાળો માનવામાં આવે છે.
અગાઉ ઘોઘા દહેજ ફેરી સર્વિસ પણ પૂરતો ડ્રાફ્ટ નહીં મળવાના કારણે બંધ કરી દેવાનો વારો આવ્યો હતો. અને બાદ ઘોઘા હજીરા ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી, ભાવનગરથી સુરત તરફ જાવા માટે મોટી સંખ્યામાં મુસાફરો મળી રહેતા ઘોઘા હજીરા ફેરી રાબેતા મુજબ ચાલી રહી હતી, દરિયામાં ભરતી ઓટ ની પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોય છે. તેવામાં જહાજને પૂરતો ડ્રાફ્ટ મળી રહે એ માટે બનાવવામાં આવેલી દરિયાઈ ચેનલ વારંવાર ભરાઈ જવાનો પ્રશ્ન ઉદભવતો હોવાથી સમયાંતરે દરિયાઈ ચેનલમાં સતત ડ્રેજીંગ ચાલુ રાખવું પડતું હોય છે. પરંતુ તંત્ર કે લાગત વિભાગની બેદરકારીના કારણે જહાજ ફસાઈ જવાના અનેકવાર બનાવો બની જાય છે. આજે પણ એ સ્થિતિ નું નિર્માણ થતા ઓટના કારણે પૂરતો ડ્રાફ્ટ નહીં મળતાં જહાજ ફસાયું હતું, જેને બે ટગ બોટના સહારે 5 કલાકની ભારે જહેમત બાદ ફરી ઘોઘા જેટી ખાતે લાવવામાં આવતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે જહાજ ફસાઈ ગયુ હોવાની જાણ થતાં દોડધામ મચી ગઇ હતી, અને કલેકટર, એસપી, સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા, જ્યારે જહાજ ફરી પરત આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. જહાજ દરિયામાં ફસાઈ ગયુ હોવાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્રએ ફેરી સંચાલક કંપની સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો, તેમજ મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરુપે ફેરી આસપાસ બે ટગ બોટ રાખવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.