(જી.એન.એસ) તા. 16
ભુજ,
ગુજરાતના સિદ્ધિમૂકટમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકેની ગુજરાતની ઓળખ અને પ્રતિષ્ઠા વધુ એક વાર વૈશ્વિક સ્તરે ઉજાગર થયા છે. UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ (Prix Versailles) એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે.
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ગ્લોબલ છબી સતત મજબૂત બની છે. ભારતના કોઈ મ્યુઝિયમને આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ હોય એવું પ્રથમવાર સ્મૃતિવનના કિસ્સામાં બન્યું છે. આ સન્માન ગુજરાતને પ્રાપ્ત થયું છે. આ ઘટના દરેક ગુજરાતીને અપાર ગૌરવ અપાવનારી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિવનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલી સમગ્ર ટીમને આ ગૌરવસિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું લોકાર્પણ
ગુજરાતમાં 26 જાન્યુઆરી, 2001ના રોજ ત્રાટકેલા ગોઝારા ભૂકંપે જ્યારે કચ્છને ધમરોળી નાખ્યું હતું, તે સમયે તેમાં જીવ ગુમાવનારા નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. 28 ઓગસ્ટ, 2022ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.
કેવું છે સ્મૃતિવન?
સ્મૃતિવન એ પડકારો સામે લડવાની કચ્છની ખુમારીની યશોગાથા છે, આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે, રાખમાંથી ફરી બેઠા થવાની કિર્તીકથા છે, શૂન્યમાંથી સર્જનનું ચિત્ર રજૂ કરતો જીવંત દસ્તાવેજ છે. વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ નિર્માણ થયેલું સ્મૃતિવન ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં, વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ છે, જેમાં 5 લાખ વૃક્ષો છે. તે સિવાય 50 ચેકડેમ છે, જેમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે. આ ઉપરાંત સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 5 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે.
અહીં 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે.
સ્મૃતિવન ભૂકંપ સ્મારકને મળેલા અન્ય એવોર્ડ્સ
• એ” ડિઝાઇન એવોર્ડ – બેસ્ટ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન ડિઝાઇન પ્રોજેક્ટ
• એસબીઆઈડી ઇન્ટરનેશનલ ડિઝાઇન એવોર્ડ – પબ્લિક સ્પેસિસ
• રેડ ડોટ ડિઝાઇન એવોર્ડ 2023 – બ્રાન્ડ અને કોમ્યુનિકેશન ડિઝાઇન
• ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઇન એવોર્ડ – પ્લેટિનમ એવોર્ડ – કલ્ચરલ આર્કિટેક્ચર
• CII ડિઝાઇન એક્સલન્સ એવોર્ડ – સ્પાશિયલ ડિઝાઇન
• લંડન ડિઝાઇન એવોર્ડ – પ્લેટિનમ એવોર્ડ – ઇન્ટિરિયર ડિઝાઇન
• ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઇન એવોર્ડ – ગોલ્ડ એવોર્ડ – ગ્રીન આર્કિટેક્ચર
• ઇનવેટ એપીએસી એવોર્ડ 2023 – પ્રવાસી આકર્ષણ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેઓ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતો તેમ જ ઐતિહાસિક સ્મારકોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. “વિકાસ ભી, વિરાસત ભી”ના ધ્યેય સાથેના તેમના આવા અનેક પ્રયાસોના પરિણામે જ આ પહેલાં ગુજરાતના ગરબા અને કચ્છના જ ધોરડો ગામને વૈશ્વિક ઓળખ મળી ચૂકી છે. વડાપ્રધાનશ્રીની દૂરંદર્શિતા તેમ જ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વના પરિણામે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળી છે. ગુજરાતને આ પ્રકારની વૈશ્વિક ખ્યાતિ અપાવનારા ડેસ્ટિનેશન્સમાં હવે સ્મૃતિવનનો પણ સમાવેશ થયો છે.
ગુજરાતના ગરબા અને કચ્છના ધોરડો ગામને પણ મળી ચૂક્યા છે આંતરરાષ્ટ્રીય સન્માન
આ પહેલા ગત વર્ષે ગુજરાતના ગરબાને પણ આંતરરાષ્ટ્રીય ગૌરવ પ્રાપ્ત થયું હતું. યુનેસ્કોએ ‘ગુજરાતના ગરબા’ ને પોતાની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (ICH – અમૂર્ત સાંસ્કૃતિક વારસો) ઓફ હ્યુમેનિટીની યાદીમાં 15મા એલિમેન્ટ તરીકે સામેલ કર્યા હતા. આ સાથે જ, ગત વર્ષે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) એ ગુજરાતના ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ નું સન્માન આપ્યું હતું.
કોને મળે છે પ્રિક્સ વર્સેઈલ્સ એવોર્ડ?
વર્ષ 2015થી યુનેસ્કોના હેડક્વાર્ટર ખાતે દર વર્ષે પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ્સ જાહેર કરવામાં આવે છે. પ્રિક્સ વર્સેઇલ્સ અંતર્ગત દુનિયાભરમાંથી આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના શ્રેષ્ઠ સ્થાપત્યોની પસંદગી કરવામાં આવે છે. જેના ભાગરૂપે પ્રિક્સ વર્સેઇલ્સની વર્લ્ડ જ્યુરીના સભ્યો દ્વારા એરપોર્ટ્સ, કેમ્પસ, પેસેન્જર સ્ટેશન્સ, સ્પોર્ટ્સ, મ્યુઝિયમો, એમ્પોરિયમ, હોટલ અને રેસ્ટોરન્ટ્સ જેવી વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ સ્થાપત્યોની પસંદગી કરવામાં આવે છે. વર્ષ 2024માં પ્રથમ વખત જ મ્યુઝિયમ કેટેગરીની જાહેરાત કરવામાં આવી છે, અને ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક આ વખતે દુનિયાના શ્રેષ્ઠ મ્યુઝિયમની યાદીમાં સમાવેશ પામ્યું છે.
વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમોની યાદી-2024
1. એ4 આર્ટ મ્યુઝિયમ, ચેંગડુ, ચીન
2. ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ, ગિઝા, ઇજિપ્ત
3. સ્મૃતિવન ભૂકંપ સ્મારક, ભુજ, ભારત
4. સિમોસ આર્ટ મ્યુઝિયમ, હિરોશિમા, જાપાન
5. પલેઇસ હેટ લૂ, એપલડૂર્ન, નેધરલેન્ડ્સ
6. ઓમાન એક્રોસ એજીસ મ્યુઝિયમ, માનાહ, ઓમાન
7. પોલિશ હિસ્ટ્રી મ્યુઝિયમ, વોરસૉ, પોલેન્ડ
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.