Home ગુજરાત ગાંધીનગર ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧માં કરેલા સુધારા ગુજરાતની સહકારી પ્રવૃત્તિને વધુ સુદ્રઢ બનાવશે:-...

ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧માં કરેલા સુધારા ગુજરાતની સહકારી પ્રવૃત્તિને વધુ સુદ્રઢ બનાવશે:- સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

30
0

કાયદામાં કલમ-૧૫૯(ક)ની નવીન જોગવાઈનો ઉમેરો કરવાથી સોસાયટીના પ્રમુખ/સેક્રેટરી કે કમીટી પોતાની મનમાનીથી ટ્રાન્સફર ફી નક્કી કરી શકશે નહીં

અધિનિયમની કલમ-૬ અને ૮ મુજબ ૧૦ વ્યક્તિની જગ્યાએ હવે ૮ વ્યક્તિની સહીથી હાઉસીંગ સોસાયટીની નોંધણી થઈ શકશે

કલમ-૬૭(ક)માં સુધારો કરવાથી સહકારી મંડળીઓના વસૂલ ન આવી શકે તેવા લેણાં માંડવાડ કરવામાં ઝડપ આવશે

કલમ-૧૧૦(ચ)ની જોગવાઈમાં સુધારો કરવાથી રાજ્ય સરકારને અગ્રતાક્રમ નક્કી કરવાની સત્તા મળશે

ગુજરાત સહકારી મંડળી (સુધારા) વિધેયક-૨૦૨૪ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર

(જી.એન.એસ),તા.૨૯

ગાંધીનગર,

સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગુજરાત સહકારી મંડળી (સુધારા) વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ના આજે રજૂ કરેલા સુધારાઓ ગુજરાતની સહકારી પ્રવૃત્તિને વધુ સુદ્રઢ બનાવશે.

તેમણે કહ્યું કે, ગુજરાતની સ્થાપના થઇ ત્યારબાદ સહકારી મંડળીઓને લગતો ગુજરાત સહકારી મંડળી અધિનિયમ,૧૯૬૧ અધિનિયમિત કર્યો છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ ઘણી વાર તેમાં સુધારા કરવામાં આવ્યા છે. તેમ છતાં, સહકારી મંડળીઓનો વહીવટ અને સંચાલન વધુ સારી રીતે થાય તેમજ મંડળીના સભ્યોના હિતનું રક્ષણ થાય તે હેતુથી અધિનિયમમાં સુધારા કરવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં હાલ ૮૭ હજારથી વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે અને તેમાં ૧.૭૧ કરોડ જેટલાં વ્યક્તિઓ સભ્ય બન્યા છે. ગુજરાતમાં ૮૭,૦૦૦ મંડળીઓ પૈકી ત્રીજા ભાગની એટલે કે, ૩૦,૦૦૦ જેટલી મંડળીઓ માત્ર હાઉસીંગ અને હાઉસીંગ સર્વિસ પ્રકારની છે.

તેમણે કહ્યું કે, સહકારી કાયદામાં હાઉસીંગ સોસાયટીઓ માટે અસરકારક જોગવાઈ લાવવી જરૂરી છે. દૂધ ક્ષેત્રે ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનનું ટર્નઓવર આજે ૮૦,૦૦૦ કરોડ જેટલું થયુ છે. રાજ્યમાં ૨૧૪ જેટલી નાગરીક શહેરી સહકારી બેંકો આવેલી છે. ૧૦,૦૦૦થી વધુ PACS, ૬,૦૦૦થી વધુ ક્રેડીટ સોસાયટીઓ અને ૧૬,૦૦૦થી વધુ દૂધમંડળીઓ છે. જેથી તેના વિકાસ અને નિયંત્રણ માટે અસરકારક સહકારી કાયદો જરૂરી છે.

મંત્રી શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે, ગુજરાતી સહકારી મંડળી અધિનિયમની કલમ-૬ અને ૮ મુજબ સહકારી મંડળીઓની નોંધણી માટે ૧૦ વ્યક્તિઓની નોંધણી ફોર્મમાં સહી કરવી જરૂરી છે. સહકારી કાયદાની જોગવાઈને કારણે ૧૦થી ઓછા યુનિટમાં સહકારી મંડળીની નોંધણી થઈ શકતી નથી. જેથી નાગરિકોની સરળતા માટે હાઉસીંગ સોસાયટીની નોંધણી સમયે નોંધણી ફોર્મમાં ૧૦ની બદલે ૮ વ્યક્તિઓની સહીથી પણ હાઉસીંગ સોસાયટીની નોંધણી થઈ શકે તે માટે સહકારી કાયદામાં સુધારો કરાયો છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, સહકારી મંડળીઓ જ્યારે ધિરાણ કરે ત્યારે આપેલી લોન ઘણીવાર પરત આવતી નથી. આ મંડળીઓ માટે ડૂબત લેણા ફંડ રાખવું તેવી કલમ ૬૭(ક)માં જોગવાઈ કરાઈ છે. વસૂલ ન થઈ શકે તેવી લોન સામે આવા ફંડમાંથી માંડવાળ કરવાની રહે છે. પરંતુ કાયદામાં રાજ્ય સરકારની મંજૂરીથી જ આવી માંડવાળ કરવી તેવી જોગવાઈ હોવાથી ૧ રૂપિયાથી લઈને ગમે તેટલી રકમ સુધીના માંડવાળના કેસોમાં રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે.

તેમણે કહ્યું કે, આ જોગવાઈમાં ફેરફાર કરીને રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેર કરીને જે સત્તાધિકારી નક્કી કરે એવા સત્તાધિકારી ડૂબત લેણા ફંડના વપરાશ માટે મંજૂરી આપી શકે તે માટે જોગવાઇમાં સુધારો કરવામાં આવ્યો છે. જેથી સહકારી મંડળીઓના વસૂલ ન આવી શકે તેવા લેણાં માંડવાડ કરવામાં ઝડપ આવશે. ખરાબ લેણાંઓ માંડવાળ કરવાથી મંડળીને બેલેન્સશીટ ચોખ્ખી અને વિશ્વાસપાત્ર બનશે અને મંડળીની વાસ્તવિક નાણાંકીય સ્થિતિ રજૂ કરશે.

મંત્રીશ્રીએ કહ્યું કે, અધિનિયમની કલમ-૧૧૦(ચ)ની હાલની જોગવાઈ મુજબ રાજ્યમાં કોઈ પણ સહકારી મંડળી ફડચામાં જાય ત્યારે કેન્દ્ર/રાજ્ય સરકારનું લેણું, RBI દ્વારા આપવામાં આવેલ થાપણ વીમાની રકમ, મંડળીના કર્મચારીઓના બાકી લેણાં, સ્થાનિક સત્તામંડળને ચુકવવાના વેરા, કોર્ટ કેસ અન્વયે બાકીદારોને ચુકવવાના લેણા જેવા મંડળીના ચૂકવવાના દેવા બાબતે કોને અગ્રતા આપવી તેવી જોગવાઈ હાલ કાયદામાં નથી, પરંતુ ફડચા અધિકારીઓ દ્વારા આ દેવા ચૂકવવા માટે અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે છે. જેથી આ જોગવાઇમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

સૂચિત સુધારાથી ગુજરાત સહકારી મંડળીના નિયમોમાં રાજ્ય સરકારને અગ્રતાક્રમ નક્કી કરવાની સત્તા મળશે. આ પ્રકારના નિયમોથી રાજ્યની તમામ સહકારી ફડચા બેંકો તથા ફડચા મંડળીઓમાં દેવા ચુકવણી સબંધે ફડચા અધિકારી દ્વારા કરવામાં આવતા અગ્રતાક્રમના હુકમોમાં સુસંગતતા આવશે અને બિનજરૂરી વિવાદો નિવારી શકાશે અને લેણદારોને ઝડપથી ચુકવણા કરી શકાશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલ ફડચા હેઠળની સહકારી બેંકો તથા ફડચા મંડળીઓમાં વિવિધ પ્રકારના કોર્ટ કેસો થયેલા છે. ફડચા હેઠળની મંડળીઓમાં કેટલાંક કાયદાકીય પ્રશ્નો અને સમયસર વસુલાત ન થવાને કારણે સંસ્થાઓની ફડચાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાતી નથી. સહકારી કાયદાની કલમ-૧૧૪ની જોગવાઈ મુજબ પાંચ વર્ષ સુધી ફ્ડચાની કામગીરી ચાલુ રાખી શકાય છે, ત્યારબાદ રજિસ્ટ્રાર ૧-૧ વર્ષ એમ કુલ ૫ વર્ષ મુદત વધારો આપી શકે છે, આમ કુલ ૧૦ વર્ષની મુદત મળે છે, ૧૦ વર્ષ પછી ફડચા મંડળીની કામગીરી ચાલુ રાખી શકાતી નથી.

૧૦ વર્ષ પછી પણ ફડચા મંડળીની કામગીરી ચાલુ રાખી શકાતી નથી. રાજ્ય સરકારને આવી મુદત વધારવાની સત્તા ન હોઈ, ૧૦ વર્ષ પછી પણ મંડળીની ફડચાની કામગીરી પૂર્ણ કેમ ના થઈ શકી તેનું મુલ્યાંકન સરકાર કક્ષાએ થઈ શકતુ ન હતું. જેથી થાપણદારો અને નાગરિકોના હિતમાં આવી ફડચા મંડળીઓની ૧૦ વર્ષ પછી રાજ્ય સરકાર મુદત વધારો આપે, તેવો જોગવાઈમાં સુધારો કરાયો છે, તેમ તેમણે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં દર વર્ષે સરેરાશ ૧૫૦૦ જેટલી હાઉસીંગ સોસાયટીઓની નોંધણી થાય છે. જેમાં લાખો સભાસદો રહે છે. આ સભાસદો પૈકી ઘણા સભાસદોને પોતાનું મકાન વેચવાનું થતુ હોય છે. ત્યારે વેચાણ આપેલ વ્યક્તિ આ સોસાયટીમાં સભ્ય બનતો હોય છે અને તે માટે તેને સોસાયટીમાં ટ્રાન્સફર ફી ભરવી પડતી હોય છે.

કાયદામાં ટ્રાન્સફર ફીની જોગવાઈ ન હોવાને કારણે ઘણી સોસાયટીઓ દ્વારા હજારો રૂપિયાથી લઈ લાખો રૂપિયામાં ટ્રાન્સફર ફી ભરવા માટે લોકોને મજબૂર કરવામાં આવે છે. કાયદામાં કલમ-૧૫૯(ક)ની નવીન જોગવાઈનો ઉમેરો કરવાથી રાજ્ય સરકાર ટ્રાન્સફર ફી બાબતે નિયમોમાં જોગવાઈ કરી શકશે અને જેના કારણે સોસાયટીના પ્રમુખ/સેક્રેટરી કે કમીટી પોતાની મનમાનીથી ટ્રાન્સફર ફી નક્કી કરી શકશે નહીં કે વસુલ કરી શકશે નહીં, તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત સહકારી મંડળી (સુધારા) વિધેયક-૨૦૨૪ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરાયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field