Home ગુજરાત ગુજરાત શિક્ષણ વિભાગની ‘પ્રોજેક્ટ પથ’ અંતર્ગત શિક્ષણ સુધારણા અંગેની નવતર પહેલ માટે...

ગુજરાત શિક્ષણ વિભાગની ‘પ્રોજેક્ટ પથ’ અંતર્ગત શિક્ષણ સુધારણા અંગેની નવતર પહેલ માટે ‘પ્રાઈમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન’ માટે પસંદગી કરાઈ

34
0

શિક્ષણ અને આરોગ્ય જેવા નાગરિક સેવાના મુખ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની વધુ એક સિદ્ધિ

રાજ્યમાં અંગદાન ક્ષેત્રે કરેલી વિવિધ નવતર પહેલ માટે STATE ORGAN AND TISSUE TRANSPLANT ORGANIZATION (SOTTO)ને “ઇનોવેશન સ્ટેટ” કેટેગરીમાં પ્રધાનમંત્રી એવોર્ડ

૨૧મી એપ્રિલ ‘સિવિલ સર્વિસીસ ડે’ નિમિત્તે નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના હસ્તે એવોર્ડ એનાયત કરાશે

• પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (Foundational Literacy And Numeracy-FLN) સુધારા માટે ‘પ્રોજેક્ટ પથ’ અંતર્ગત મહેસાણાની ૯૯૪ સરકારી પ્રાથમિક શાળાઓમાં સફળ અમલકરણ બદલ એવૉર્ડ

• મહેસાણાના ૧.૩૮ લાખ વિદ્યાર્થીઓના શીખવાના પરિણામોમાં સુધારો નોંધાયો, જેના પરિણામે રાજ્યભરમાં ‘પ્રોજેક્ટ પથ’નો અમલ શરૂ કરાયો

• પ્રોજેક્ટની સફળતાના પરિણામે જાન્યુઆરી, ૨૦૨૨થી આ પ્રોજેક્ટનો રાજ્યવ્યાપી અમલ

• રાજ્યવ્યાપી અમલીકરણ માટે વિવિધ જિલ્લાઓમાંથી ૫૦૦થી વધુ માસ્ટર ટ્રેનર્સને તાલીમ અપાઈ

• SOTTO હેઠળ ગત ચાર વર્ષમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળી કુલ ૩૪૦૦થી વધુ અંગોના ટ્રાન્સપ્લાન્ટ કરાયા

(જી.એન.એસ),૧૯

રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવાઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત થાય તે આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીએ શિક્ષણક્ષેત્રે દીર્ઘદૃષ્ટિવંત આયોજન કરીને ગુજરાતનો વિદ્યાર્થી વિશ્વ સ્તરેની સ્પર્ધામાં ઊભો રહી શકે તેવા પ્રયાસો હાથ ધર્યા હતાં. જેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નક્કર આયોજન કરીને અનેક નવતર પહેલો શરૂ કરી છે, જેના પરિણામે આજે ગુજરાત નાગરિક સેવાના મુખ્ય ક્ષેત્ર એવા શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરીને રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે. રાજ્યના શિક્ષણ વિભાગની ‘પ્રોજેક્ટ પથ’ અંતર્ગત શિક્ષણ સુધારણા અંગેની નવતર પહેલ માટે તેમજ રાજ્યમાં અંગદાન ક્ષેત્રે કરેલી વિવિધ નવતર પહેલ માટે STATE ORGAN AND TISSUE TRANSPLANT ORGANIZATION-SOTTOને “ઇનોવેશન સ્ટેટ” કેટેગરીમાં પ્રધાનમંત્રી એવોર્ડ ‘પ્રાઈમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન’ માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતને આ સિદ્ધિ બદલ તા. ૨૧મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે ૧૯૪૭માં ર૧ એપ્રિલે સ્વતંત્ર ભારતના સિવિલ સર્વન્ટ્સની પ્રથમ બેચને સંબોધન કર્યુ હતું. તેમણે સિવીલ સર્વન્ટસને ‘સ્ટિલ ફ્રેમ ઑફ ઇન્ડીયા’ના નામથી નવાજીને દેશહિત-સમાજ અને લોકહિતના પ્રકલ્પો-સેવાકાર્યો માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપી હતી.

આ સ્મૃતિને દેશભરના સિવિલ સર્વન્ટસ જાહેર સેવકોમાં ચિરંજીવ રાખવા દર વર્ષે ર૧ એપ્રિલે સિવિલ સર્વન્ટસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી અંતર્ગત વ્યાપક લોકહિત અને જન કલ્યાણના નવીનતા સભર પ્રોજેક્ટ્સના સફળ અમલીકરણ માટે રાજ્ય સરકારોના વિભાગોને એવોર્ડઝથી સન્માનિત કરવાની પરંપરા છે. તદ્દઅનુસાર, ર૦ર૩ના વર્ષમાં ર૧ એપ્રિલ સિવિલ સર્વીસ ડેની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સરકારને બે અભિનવ સિદ્ધિઓ માટે એવોર્ડ અર્પણ કરશે.

પ્રોજેક્ટ પથ પહેલે ખાસ કરીને ગ્રામીણ ભારતમાં સરકારી શાળાઓની ક્ષમતા અને મહત્વને સાબિત કર્યું છે. પ્રોજેક્ટ પથ એ મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા દર્શાવવામાં આવેલા સમર્પણ, નવીનતા અને આત્મસન્માનની વાર્તા છે. તે જાહેર વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં જિલ્લા કક્ષાની પહેલ માત્ર ૯૯૪ શાળાઓમાં આટલા મોટા પાયે અમલમાં મુકવામાં આવી છે અને ૧.૩૮ લાખ વિદ્યાર્થીઓના ભણતરના પરિણામોમાં સુધારો થયો છે, આથી રાજ્યમાં તેને મંજૂરી આપી અમલમાં મૂકવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કોવિડ-19 રોગચાળા દરમિયાન વાંચન, લેખન અને સંખ્યા જેવા મૂળભૂત કૌશલ્યો સહિત વિદ્યાર્થીઓના શિક્ષણના પરિણામોમાં નોંધપાત્ર ઘટાડો અનુભવ્યો. કેન્દ્ર  સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ૫ જુલાઈ, ૨૦૨૧ના રોજ ‘નિપુણ ભારત મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી. NIPUN (નેશનલ ઇનિશિએટિવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડીંગ વીથ કોમ્પ્રીહેન્સન) ધોરણ ૩ સુધીના વિદ્યાર્થીઓ માટે પાયાની સાક્ષરતા અને અંકશાસ્ત્ર પર વિશેષ ભાર મૂકે છે.

મહેસાણા જિલ્લાના FLN ટાસ્ક ફોર્સ દ્વારા તૈયાર કરાયેલ તાલીમ સામગ્રી તેના મૂળ સ્વરૂપમાં સ્વીકારવામાં આવી છે અને ઑનલાઇન તાલીમ માટે DIKSHA પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધીમાં ગુજરાતીના સાક્ષરતા કૌશલ્યના ૯,૦૦૦થી વધુ શિક્ષકો અને ગણિતના સંખ્યાત્મક કૌશલ્યના ૧૧,૦૦૦ શિક્ષકોએ FLNના ઑનલાઇન અભ્યાસક્રમ માટે નોંધણી કરી હતી. આ ઉપરાંત FLN ટાસ્ક ફોર્સે સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ૫૦૦થી વધુ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપી છે.

SOTTO ગુજરાતની વિશેષ પહેલોના પરિણામે “ઇનોવેશન સ્ટેટ” કેટેગરીમાં મળ્યું સ્થાન

રાજ્ય સરકારની SOTTO સંસ્થા વર્ષ ૨૦૧૯થી કાર્યરત થઇ ત્યારથી જ અંગદાન અને અંગોના ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરી રહી છે. SOTTO સંસ્થાએ ગત ચાર વર્ષ દરમિયાન ૩૫૪ અંગદાતાઓ દ્વારા મળેલા ૧૦૭૮ અંગોનું જરૂરિયાતમંદો લોકોમાં પ્રત્યારોપણ કરી તેઓને નવજીવન પ્રદાન કર્યું છે. આજે રાજ્યની ખાનગી અને સરકારી મળીને ૧૦૨ જેટલી હોસ્પિટલ અંગોના રીટ્રાઇવલ એટલે કે અંગદાનની પ્રક્રિયા માટે રજિસ્ટર થયેલ છે.

SOTTO દ્વારા G-DOT (Gujarat Deceased Doner Organ and Tissue Tranplantation) અંતર્ગત એક માર્ગદર્શિકા બનાવીને અંગદાન અને તેના પ્રત્યારોપણની સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવીને નિયંત્રિત કરવામાં આવી છે. જેમાં મહિલાઓ અને બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને તેમને ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રાથમિકતા આપવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ અગાઉ માત્ર ખાનગી હોસ્પિટલ સુધી જ સીમિત હતું તેને સરકારી હોસ્પિટલોમાં પણ વેગવંતુ બનાવવામાં આવ્યું. રાજ્ય સરકારે અત્યંત ખર્ચાળ અને મોંઘી ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય- આયુષ્માન યોજના હેઠળ આવરી લઇ તેને સંપૂર્ણપણે નિ:શુલ્ક બનાવવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત નિધિ હેઠળ આવરી લઇને દર્દી માટે ટ્રાન્સપ્લાન્ટ ખર્ચ નહિવત્ અથવા દર્દીને પરવડે તે મર્યાદામાં લાવવાના સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. SOTTO ગુજરાતની આવી વિશેષ પહેલોના પરિણામે જ તેને વડાપ્રધાન મોદીના હસ્તે “ઇનોવેશન સ્ટેટ” કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.

Previous articleછેલ્લા ૧૦૦ દિવસમાં ગુજરાતની પીવાના પાણી ક્ષેત્રે લક્ષ્યાંકિત ૨૪માંથી ૨૩ યોજનાઓ પૂર્ણ કરી ૯૬ ટકા સિદ્ધિ હાંસલ : કુલ ૬૬ લાખથી વધુ વસ્તીને લાભ:- પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
Next articleટીબી નિયંત્રણમાં ગુજરાતની સર્વશ્રેષ્ઠ સ્થિતિ : પ્રતિ એક લાખ વ્યક્તિએ ૧૩૭ દર્દી