(જી.એન.એસ) તા. 17
અમદાવાદ/ગાંધીનગર,
હવામાન વિભાગ અનુસાર ગુજરાત રાજ્યમાં હાલ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. એર સાઈક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગઈકાલે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ઉમરપાડામાં આભ ફાટ્યું હતું. 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ડાંગનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. રાજ્યમાં 48 કલાકની સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક તાલુકાઓમાં મેઘરાજા મનમુકીને વહાલ વરસાવી રહ્યા છે. આજના દિવસે રાજ્યના 47 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 6 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી વધુ ગીરસોમનાથમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. જુનાગઢના માંગરોળમાં 3 અને માળિયાહીટીનામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠા ખંભાતના અખાત અને તેની આસપાસના ભાગોમાં શિયર ઝોન સક્રિય થવાને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં તથા મહારાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી પાંચ દિવસ માટે એટલે કે 16 થી 20 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. 18 જુલાઈના દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેવાની સંભાવના છે.
ગીર સોમનાથ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ ગીરસોમનાથમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. વેરાવળ, સુત્રાપાડામાં પણ વરસાદના અહેવાલ છે. વેરાવળમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સટ્ટાબજાર, સુભાષ રોડ, લોહાણા હોસ્પિટલ રોડ પણ પાણીમાં ગરકાવ થયો. મેઘરાજા જાણે કે મહાદેવ પર જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને તપેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ઘુસ્યા. લાંબા વિરામબાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
પોરબંદર જિલ્લામાં પણ છેલ્લા 48 કલાકમાં મેઘરાજાની શાનદાર બેટિંગ જોવા મળી છે. માધવપુરમાં વહેલી સવારે ત્રણ કલાક ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ બરડા પંથકના વિસાવાડા, મોઢવાડા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે.
સુરતના ઉમરપાડામાં રસ્તો ધોવાતાં માટી ધસી પડતા પુલ પરની એંગલ તૂટીને નીચે પડી જતા જાનહાનિ ન સર્જાય તે માટે સ્થાનિકોએ એક તરફનો રસ્તો બંધ કર્યો છે. ગઈકાલે ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ વરસ્યો હતો, પરિણામે પુલ અને રસ્તાના નિર્માણને હજુ 1 વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યાં જ ધોવાણ થયું હતું. વહીવટીતંત્રની કામગીરી શંકાના દાયરામાં છે.
ભરૂચના નેત્રંગમાં ભારે વરસાદ ખાબક્યો છે. ધાણીખૂટ ગામમાં રોમપોલ ઓવરફલો સોળેકળાએ ખીલી ઉઠ્યો છે. ઓવરફ્લો જોવા સહેલાણીઓ દૂર દૂરથી પહોંચ્યા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે હવામાન વિભાગે આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યુ છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુર જિલ્લામાં આજે રેડ એલર્ટ છે. જ્યારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.