ગુજરાત સરકારે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર ગુજરાતના વતની શહીદ જવાનના પરિવારજનોને અપાતી સહાયની રકમ ૧ લાખ રૂપિયાથી વધારીને ૧ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. રાજ્યના નિવૃત્ત આર્મી જવાનો દ્વારા પડતર માંગણીઓ મુદ્દે સચિવાલય પાસે ફરી પ્રદર્શન કરતા સરકારે શહીદના પરિવારજનોને સહાયની રકમમાં વધારો કરવાનો ર્નિણય કર્યો છે. સરકારે ગેલેન્ટરી એવોર્ડ મેળવનાર જવાનોને અપાતા પુરસ્કારની રકમ પણ ૨૦-૨૨ હજારથી વધારીને ૧ કરોડ કરવાનો ર્નિણય કરાયો છે. પૂર્વ સૈનિકોની માંગણીઓ મુદ્દે સચિવોની સમિતિ બનાવ્યા બાદ સમિતિની ભલામણના આધારે ર્નિણય કરાશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સહાય સિવાયની અન્ય માંગણીઓ અંગે સચિવોની કમિટી બનાવીને તેમની ભલામણો પર સરકાર વિચારણા કરશે. સરકારે જાહેર કરેલી સૂચિત નીતિ મુજબ હાલ શહીદ જવાનના પત્નીને માસિક એક હજારની સહાય ચૂકવાય છે જે વધારીને ૫ હજાર કરાશે, બાળકોને માસિક ૫૦૦ રૂપિયાના બદલે બે બાળકો સુધી ૫ હજાર રૂપિયા, માતા પિતાને માસિક ૫૦૦ના બદલે માતા અને પિતાને માસિક ૫ હજાર રૂપિયા ચૂકવાશે. જવાનની અપંગતાના કિસ્સામાં ૨.૫૦ લાખની સહાય તથા માસિક ૫ હજારની સહાય ચૂકવવાનું સૂચવવામાં આવ્યું છે. ગેલેન્ટરી કે સર્વિસ મેડલ મેળવનાર જવાનોને પરમવીર ચક્ર બદલ ૧ કરોડ, અશોક ચક્ર બદલ ૧ કરોડ, સર્વોત્તમ યુદ્ધ સેવા બદલ ૫ લાખ, મહાવીર ચક્ર અને કીર્તિ ચક્ર બદલ ૫૦ લાખ, વીર ચક્ર અને શૌર્ય ચક્ર મળે તો ૨૫ લાખ સહિત વિવિધ મેડલ પ્રમાણે ૧ લાખથી લઇને ૧ કરોડ સુધીનો પુરસ્કાર આપવાની સરકારની વિચારણા છે. નિવૃત સૈનિકો દ્વારા સચિવાલયના પ્રવેશ દ્વાર પાસે એકત્ર થઇને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના પ્રતિનિધિઓ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે માંગણીઓ સંદર્ભે બેઠક પણ યોજાઇ હતી. પૂર્વ સૈનિકોએ અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી યોજી હતી. તેમની માગણીઓમાં મુખ્યત્વે નિવૃત્ત જવાનો માટે ક્લાસ ૧થી ૪ સુધીમાં નોકરી, ગાંધીનગરમાં શહીદ સ્મારકનું નિર્માણ, ગન લાઇસન્સ ઇસ્યુ-રિન્યૂ કરવામાં પ્રાથમિકતા તથા નિવૃત્ત જવાનો માટેની નોકરી માટે કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરવાનો સમાવેશ થાય છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.