Home ગુજરાત ગુજરાતના ભવ્ય ચૌહાણે એક પણ રન આપ્યા વિના પાંચ વિકેટ ખેરવી

ગુજરાતના ભવ્ય ચૌહાણે એક પણ રન આપ્યા વિના પાંચ વિકેટ ખેરવી

44
0

ગુજરાતની અંડર-19 ક્રિકેટ ટીમના બોલર ભવ્ય ચૌહાણે શનિવારે ઇતિહાસ રચીને એક પણ રન આપ્યા વિના મિઝોરમની ટીમની પાંચ વિકેટ ખેરવી દીધી હતી. નડિયાદ ખાતે રમાઈ રહેલી કૂચ બિહાર ટ્રોફીની ચાર દિવસીય ક્રિકેટ મેચમાં મિઝોરમની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ તે માત્ર 26 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં પ્રથમ દિવસની રમતને અંતે ગુજરાતે ત્રણ વિકેટ ગુમાવીને 307 રન ફટકારી દીધા હતા. ભવ્ય ચૌહાણે અત્યંત વેધક બોલિંગ કરી હતી. મિઝોરમનો ધબડકો થઈ રહ્યો હતો ત્યારે વલસાડના બોલર ભવ્યએ 6.4 ઓવર બોલિંગ કરીને છ મેઇડન ફેંકી હતી તથા એક પણ રન આપ્યો ન હતો અને પાંચ વિકેટ ખેરવી દીધી હતી.

ભારતીય ક્રિકેટમાં કૂચ બિહાર ટ્રોફી (અંડર-19)ના ઇતિહાસમાં આ માત્ર બીજો પ્રસંગ છે જ્યારે કોઈ બોલરે એક પણ રન આપ્યા વિના પાંચ વિકેટ ઝડપી હોય. અગાઉ 2007ના ડિસેમ્બરમાં હિમાચલ પ્રદેશના રિશી ધવને ઓરિસ્સા સામેની જયપુર ખાતેની અંડર-19 મેચમાં આવી જ રીતે એક પણ રન આપ્યા વિના પાંચ વિકેટ ઝડપી હતી. એ વખતે હિમાચલ સામે ઓરિસ્સાની ટીમ માત્ર 30 રનમાં આઉટ થઈ ગઈ હતી. ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કોઈ બોલરે શૂન્ય રનમાં ચાર વિકેટ ખેરવવાના ચાર કિસ્સા બન્યા છે પરંતુ જુનિયર ક્રિકેટમાં આવી રીતે એક પણ રન આપ્યા વિના પાંચ વિકેટનો બીજો પ્રસંગ છે. જ્યારે વિશ્વભરના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ચાર બોલરે એક પણ રન આપ્યા વિના પાંચ વિકેટની સિદ્ધિ હાંસલ કરેલી છે.

GNS NEWS

Previous article‘આદિપુરુષ’ના મેકર્સે આપ્યુ સત્તાવાર નિવેદન,આ કારણે ફિલ્મ રિલીઝને 6 મહિના પાછળ કરી
Next articleકોહલી પ્લેયર ઓફ ધ મન્થ બનીને વિવેચકોને જડબાતોડ જવાબ આપ્યો