Home ગુજરાત ગુજરાતના ખેડૂતો ખેતર ફરતે કાંટાળા તારનું ફેન્સીંગ કરવામાં સહાયની યોજનાનો લાભ મેળવવા...

ગુજરાતના ખેડૂતો ખેતર ફરતે કાંટાળા તારનું ફેન્સીંગ કરવામાં સહાયની યોજનાનો લાભ મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

31
0

અમદાવાદ અને જૂનાગઢ ઝોનમાં આવતા જિલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૮ ડિસેમ્બરથી ખુલ્લું મૂકાશે

મહેસાણા અને રાજકોટ ઝોનના ખેડૂત માટે તા. ૧૦ ડિસેમ્બર તેમજ સુરત અને વડોદરા ઝોનના ખેડૂતો માટે તા. ૧૨ ડિસેમ્બરથી પોર્ટલ ખુલ્લું મૂકાશે

ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ શરુ થયા બાદ ૩૦ દિવસ સુધી અરજી કરી શકશે

(જી.એન.એસ),તા.૦૨

ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેતરની ફરતે કાંટાળા તારનું ફેન્સીંગ કરવામાં સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓછામાં ઓછા ૨ હેકટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા રનીંગ મીટર દીઠ રૂ. ૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦ ટકા, બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજી સ્વીકારવામાં આવે છે, તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

વધુમાં જણાવ્યાનુસાર, ખેડૂતો ચાલુ વર્ષે પણ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે તે હેતુથી અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લા માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૮ ડિસેમ્બરથી પછીના ૩૦ દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમી દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છ  જિલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૧૦ ડિસેમ્બરથી પછીના ૩૦ દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે.

આ ઉપરાંત સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૧૨ ડિસેમ્બરથી પછીના ૩૦ દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. ખેડૂત અને ખેડૂત જૂથ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કર્યા બાદ દિન-૧૦માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે જરૂરી તમામ સાધનિક પુરાવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે. ત્યારબાદ સ્થળ ચકાસણી કરવામાં આવશે અને તેના પછી જ સહાય માટે પૂર્વ મંજુરી આપવામાં આવશે.

પૂર્વ મંજુરી મેળવી હોય તેવા ખેડૂતો અને ખેડૂત જૂથ લીડરે નિયત ડીઝાઇન અને સ્પેસીફીકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સીંગ બનાવવાની કામગીરી દિન-૧૨૦માં પૂર્ણ કરીને સમાન ખરીદીના GST વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહિત ક્લેમ જમા કરવાનો રહેશે. ત્યારબાદ કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી બાદ સહાયની રકમ બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field