જિલ્લામાં ધો. 10 અને ધો. 12 ની પરીક્ષાનાં આયોજન સંદર્ભે કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટરશ્રી
પરીક્ષાને ઉત્સવ માની તળાવમુક્ત બનીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપે: જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે
વિદ્યાર્થીઓ મોબાઇલ, કેલક્યુલેટર કે સ્માર્ટ વોચ જેવા ગેજેટ્સ લઈ જવાનું ટાળે
(જી.એન.એસ),તા.૨૯
ગાંધીનગર,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. 11 મી માર્ચ 2024 થી ધો. 10 અને ધો. 12 ની પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. આ પરીક્ષાના સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી અને જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વહીવટી તંત્રના ટીમ વર્ક અને સામૂહિક પ્રયાસોથી પરીક્ષા કાર્યને પરિણામલક્ષી બનાવવા અનુરોધ કર્યો હતો અને શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પરીક્ષાને ઉત્સવ માની તણાવમુક્ત બની પરીક્ષા આપે.
આ સમીક્ષા બેઠકમાં કલેક્ટરશ્રીએ પરીક્ષા સંદર્ભે કાયદો વ્યવસ્થાની જાળવણી, તમામ કેન્દ્રો પર સીસીટીવીની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન સઘન ચેકિંગની વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા પરીક્ષાર્થીઓને સમયસર એસટી બસની સુવિધા ઉપલબ્ધ થાય, પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ અટકાવવાના આવશ્યક પગલાં, દરેક પરીક્ષા કેન્દ્ર પર પીવાના પાણીથી લઈને આરોગ્ય વિષયક સેવા ઉપલબ્ધ થાય તેની તકેદારી રાખવા તેમજ તૈયાર કરવામાં આવેલા જિલ્લા કક્ષાના એક્શન પ્લાનના અસરકારક અમલીકરણ સંદર્ભે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિએ જિલ્લામાં ધો. 10 અને ધો. 12 ની પરીક્ષાના સુચારું આયોજન સંદર્ભે કરવામાં આવેલી તૈયારી અંગે વિગતો આપી હતી. તદ્દઅનુસાર જિલ્લામાં 4 ઝોનમાં સીસીટીવીથી સજ્જ 53 પરીક્ષા કેન્દ્ર પરથી 25057 ધો. 10ના અને ધોરણ 12 ના 13,325 વિદ્યાર્થીઓ મળી કુલ 38,382 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારૂ સંચાલન માટે વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી ક્યાંય અટવાય તો 100 નંબર ડાયલ કરવાથી પોલીસની મદદ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા અગાઉ કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ મોબાઈલ, કેલક્યુલેટર કે સ્માર્ટ વોચ જેવી ડિવાઇસ પરીક્ષા કેન્દ્રમાં લઈને જાય નહીં તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.
આ બેઠક પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં તમામ જિલ્લામાં કરવામાં આવેલી પરીક્ષાલક્ષી કામગીરીની પૂર્વતૈયારીની સમીક્ષા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવી હતી. જેમાં મંત્રીશ્રીઓ ઉપરાંત અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ સચિવ શ્રી વિનોદ રાવ તેમજ બોર્ડના ચેરમેન બંછાનિધી પાણીએ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રીવાસમ સેટ્ટી રવિ તેજા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત શાળા સંચાલક મહામંડળ, આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષક સંઘના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.