સામાજિક અને ધંધાકીય અર્થે લીધેલા પાંચ લાખની અવેજીમાં આપેલો ચેક રીટર્નનો કેસ ગાંધીનગરનાં પાંચમા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચાંદખેડાના ઈસમને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ સાડા પાંચ લાખનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. અમદાવાદના ચાંદખેડા જનતાનગરમાં રહેતાં જૈમિન અજીતકુમાર પટેલને સામાજિક અને ધંધાકીય કામ અર્થે પૈસાની જરૂરિયાત હતી. જેથી તેણે મોટેરા કૃપા રેસિડેન્શિમાં રહેતાં સન્ની પટેલ પાસે રૂ. 5 લાખની માંગણી કરી હતી.
જે અન્વયે સન્નીએ તા. 6/2/2021 ના રોજ જૈમિનને પાંચ લાખ રોકડા આપ્યા હતા. આ પૈસા ચાર મહિનામાં પરત કરી દેવાનો જૈમિન પટેલે વાયદો પણ કર્યો હતો. જો કે નિયત સમયમર્યાદા વીતી ગઈ હોવા છતાં રૂપિયા પરત નહીં મળતા સન્નીએ પોતાના પૈસા પરત માંગ્યા હતા. જેનાં બદલામાં જૈમિન પટેલે તા. 18/12/2021 ની તારીખનો એસબીઆઈ બેંકનો ચેક લખીને સન્નીને આપ્યો હતો. જે ચેક સન્નીએ બેંકમાં જમા કરાવ્યો હતો. પરંતુ પાંચ લાખનો ચેક તા. 20/12/2021 ના રોજ એકાઉન્ટ બ્લોકના શેરા સાથે રીટર્ન થયો હતો.
બાદમાં સન્નીએ તા. 3/1/2022 ના રોજ વકીલ મારફતે જૈમિનને નોટિસ મોકલી આપી હતી. જે નોટિસ બજી ગઈ હોવા છતાં તેણે રૂપિયા પરત કરવાની દરકાર કરી ન હતી. આખરે સન્નીએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેનટ એકટની કલમ- 138 મુજબની ગાંધીનગર કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી.
જે કેસ ગાંધીનગરનાં પાંચમા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં મેજિસ્ટ્રેટ આર એમ કલોત્રાએ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ-255(2) અન્વયે આરોપી જયમીન અજીતકુમાર પટેલને ઉક્ત ગુનામાં તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા તથા રૂા.5.50 લાખનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.