(જી.એન.એસ)બનાસકાંઠા,તા.૨૪
એક એવો જિલ્લો જ્યાં કણથી મણ ઉત્પન્ન કરનારો વર્ગ વસે છે, જ્યાં બનાસ નામની નદીની સાથે દૂધની નદી વહેતી કહીએ તો પણ જરા ખોટું નહી કહેવાય. કારણ કે, બનાસવાસીઓ રોજના 90 લાખ લિટરથી વધુ દૂધ ઉત્પાદન કરે છે. આ જિલ્લો જેટલો ખેતી અને પશુપાલન ક્ષેત્રે આગળ છે, તેટલુ જ આગવું સ્થાન રાજકારણમાં પણ ધરાવે છે. આ જિલ્લાના મતદારોનું મગજ સમજવામાં રાજકીય નિષ્ણાંતો પણ ગોથું ખાઈ જાય છે. અહીંના નાગરિકો ભલભલાના રાજકીય ઈતિહાસ રચી પણ શકે અને ડગમગાવી પણ શકે છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને જીતાડીને બનાસવાસીઓએ તેમને દિલ્હી પહોંચાડ્યા છે. તો બીજી તરફ આ જિલ્લાના ભાજપના કદાવર નેતા શંકર ચૌધરીને એક કરતા વધુવાર હરાવીને, ભૂલ સ્વીકાર્યા પછી માયાળુ મતદારોએ તેમને ચાન્સ પણ આપ્યું છે. ત્યારે આજે વાત કરીશું ખાલી પડેલી વિધાનસભા વાવ બેઠકમાં કોંગ્રેસ કોને મુરતિયો બનાવી શકે અને તે શું ગેનીબેનની જીતની ‘જગ્યા’ ને બરકરાર રાખશે કે, કોંગ્રેસની આશાવાદનો પાણીઢોળ કરશે? વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ત્રણ ઉમેદવારોના નામની ચર્ચા જોરમાં છે. જે ત્રણ નામોમાં પ્રથમ નામ કે.પી.ગઢવી, બીજું નામ ગુલાબસિંહ રાજપૂત અને ત્રીજું નામ છે ઠાકરશીભાઈ રબારી. આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમજાના છે, પરંતુ ગેનીબેનની જીત પછી કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને તેમની જીતની વેવને ફરી એનકેશ કરવા પર વધુ ભાર આપી શકે છે. જિલ્લામાં ચાલેલી ગેનીબેનની લહેર અને વાવ બેઠક પર કોંગ્રેસે રચેલો જીતનો ઈતિહાસ કોંગ્રેસના મૌવડી મંડળ મોખરે જોશે. આમ તો રાજકીય નિષ્ણાતોના મતે આ વખતે ઉમેદવાર નક્કી કરવામાં કોંગ્રેસ જાતિગત સમીકરણોને નજરઅંદાજ કરી શકે છે, પરંતુ તેમ છતાંય જો તેના પર ધ્યાન આપવામાં આવે તો કે. પી. ગઢવી જાતિગત સમીકરણ મામલે પાછળ રહી શકે છે, કારણ કે બેઠક પર ગઢવી સમાજના ખાસ મત નથી.પરંતુ કે.પી.ગઢવી અને તેમના પુત્ર મહિપાલસિંહ ગઢવી બંન્નેની વાવ પટ્ટામાં લોકચાહના સારી છે. મહિપાલસિંહ ગઢવી NSUI ના પૂર્વ પ્રમુખ રહી ચુક્યાં છે અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અત્યાર સુધી વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ તેઓ લડાયક રહે છે. સાથો-સાથ યુવા કાર્યકરોમાં સારી પકડ ધરાવે છે માટે કોલેજિયન યુવા મતદારો પર તેમનું કેટલાંક અંશે પ્રભુત્વ ગણી શકાય. તો બીજી તરફ વાત કરીએ તો 30 વર્ષ ઉપરની ઉંમરના કાર્યકરોની તો તેઓ ભાગ્યે જ કે.પી.ગઢવીની રાજકીય સફર અને તેમના માર્ગદર્શનથી વંચિત હોય. કે.પી.ગઢવીના ભાઈ તેમના ગામ મમાણાના સંરપંચ છે અને આઝાદી બાદ સમરસ ગ્રામ પંચાયત રાખવામાં અને આદર્શ ગામ કેવું હોય તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આ ગઢવી પરિવારનું મહત્વનો ફાળો રહ્યો છે. ગુલાબસિંહ રાજપૂત થરાદના પૂર્વ ધારાસભ્ય છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી બીજીવાર ચૂંટણી લડ્યાં હતા જો કે જીતી શક્યા ન હતા, પરંતુ શંકર ચૌધરીને બરાબરની ટક્કર પણ આપી હતી. તેમના દાદા હેમાબા વાવ-થરાદ વિધાનસભાના ધારાસભ્ય રહી ચુક્યા છે. ગુલાબસિંહ થરાદ કોંગ્રેસ અને થરાદ વિધાનસભાના ગામે ગામથી વાકેફ છે, સાથો સાથ વાવ બેઠક પર પણ સારી પકડ ધરાવે છે. તેમનો મિલનસાર સ્વભાવ છે. વળી ગુલાબસિંહ ગેનીબેનના મહત્વનાં સાથીદાર છે. પરિણામે જો કોંગ્રેસ ગેનીબેનની સલાહ લે, તો ગુલાબસિંહનું પલડું ભારે થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ જાહેર કરે અને જેમાં પણ પક્ષના કેટલાક ફેક્ટર સેટ થાય તો જ તેમની ટિકિટ દાવેદારી અને જીતનો આશાવાદ શક્ય બને. વાવ વિધાનસભા બેઠક પર રબારી સમાજના અંદાજે 35 હજાર જેટલા મતદારો છે. ઠાકરસીભાઈ વાવમાં રબારી સમાજનો અગ્રણી ચહેરો છે. એટલે જો તેમને ટિકિટ મળે તો સમાજના મત કોંગ્રેસને મળવાની શક્યતા વધઈ જાય છે. વાવમાં ગેનીબેનને જીતાડવા અને લોકસભામાં જીતાડવા ઠાકરસીભાઈએ પણ સારી મહેનત કરી છે. વાવ વિધાનસભાની ટિકિટને લઈ ઠાકરસી રબારીએ જણાવ્યું હતું કે, દરેક કાર્યકરને ટિકિટની આશા હોય છે, તે સ્વભાવિક છે. પરંતુ ટિકિટ કોને આપવી તે પક્ષ નક્કી કરે છે. સાથો સાથ તેમણે જણાવ્યું કે, વાવ બેઠક પર કોઈપણ દાવેદારને પક્ષ ટિકિટ આપે તેને જીતાડવા તમામ મહેનત કરીશું. અમે પ્રશ્ન કર્યો હતો કે, જો તમને ટિકિટ ન આપે તો તમે ક્યું એક નામ આગળ ધરો ? જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, મારા માટે બે આંખ સરખી છે, ગુલાબસિંહ અને કે.પી.ગઢવી, પરંતુ એક નામની વાત હોય તો કે.પી.ગઢવીનું ચોક્કસપણે નામ લઈશું કારણ કે, તેઓ સિનિયર પણ છે અને અમારા રાજકીય ગુરૂ પણ છે. જો કે, વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચર્ચિત નામોના હજુ પણ આંકડા વધી શકે છે, પરંતુ અત્યારે રાજકીય ગલીઓમાં આ ત્રણ નામની ચર્ચાઓ છે. ટિકિટનું નક્કી પક્ષ કરશે અને જીતનો ફેંસલો મતદારો કરશે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, ગેનીબેનની લહેરમાં કોંગ્રેસ ગેનીબેનના ઈશારે જ ટિકિટ આપશે. સાથો સાથ કે.પી.ગઢવીને ટિકિટના ચાન્સ અને જીતના ચાન્સ અન્ય બે ઉમેદવારો કરતાં વધુ રહે જેના કારણ છે કે, ગેનીબેનને કેટલાક રાજકીય પાઠ કે.પી.ગઢવીએ જ ભણાવેલા છે. તો અન્ય ટિકિટના ઉમેદવાર જેમ કે, ઠાકરશીભાઈ રબારી પણ કે.પી.ગઢવીને પોતાના રાજકીય ગુરૂ માને છે. વાત રહી ગુલાબસિંહની તો જેઓએ થરાદમાં જીત મળેવી હતી અને ત્યાં તેમની વોટબેંક, ચાહના અને કાર્યકરો સાથે સારો મનમેળ છે. પરંતુ વાવમાં કેટલાક અંશે થરાદની સમક્ષ તેમની પાસે વોટબેંક ઓછી છે, હવે વાવમાં જંપ લાવે તો કોંગ્રેસના પાયાના કાર્યકરોને અંગત મનોમન દુઃખ થાય. રાજકીય સૂત્રો માંથી પાપ્ત મળતી માહતી મુજબ દિવાળી પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. જેની સાથે સાથે ગુજરાતની ખાલી પડેલી બે વિધાનસભા બેઠકોની પણ ચૂંટણી થઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.