Home ગુજરાત ઉત્તર ગુજરાત ખજૂરીના શિક્ષક અને વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક રીતે ઉત્પાદિત શાકભાજી અને ગાયનું શુદ્ધ દૂધ...

ખજૂરીના શિક્ષક અને વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક રીતે ઉત્પાદિત શાકભાજી અને ગાયનું શુદ્ધ દૂધ સરળ અને સુલભ રીતે મળી રહે તે માટે આગવો પ્રોજેક્ટ તૈયાર કર્યો

5
0

(જી.એન.એસ) તા.૧૭

ગૌહાટી/અમરેલી,

નવા પ્રયાસોના નૂતન મોડેલથી દેશના ટોચના વૈજ્ઞાનિકો થયા પ્રભાવિતઆઈઆઈટી ગૌહાટી ખાતે આયોજિત ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ – ૨૦૨૪માં ખજૂરી  પ્રાથમિક શાળાના પ્રોજેકટને સસ્ટેનેબિલિટી એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ થીમમાં દેશભરમાં પ્રથમ સ્થાન અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના ખજૂરી પ્રાથમિક શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓએ એક એવું મોડલ આપ્યું છે, જે ખાસ કરીને શહેરી વિસ્તારના નાગરિકોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કરેલા શાકભાજી અને ગાયનું શુદ્ધ દૂધ મળી રહે તે માટે એક પ્રોજેક્ટના માધ્યમથી નૂતન વિચાર રજૂ કર્યો છે, જેની સરાહના ભારતના ટોચના વૈજ્ઞાનિકોએ પણ કરી છે. ખજૂરી પ્રાથમિક શાળાના એક શિક્ષકના માર્ગદર્શનમાં બે (૨) બાળ વૈજ્ઞાનિકોએ શહેરીજનોના ઘરની અગાશી-છત પર પ્રાકૃતિક ખેતી અને તેમાં ટેકનોલોજીના સમન્વય સાથેનું આ મોડેલ આઇઆઇટી ગૌહાટી ખાતે આયોજિત ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ – ૨૦૨૪માં રજૂ કર્યું હતું. એટલું જ નહીં સસ્ટેનેબિલિટી એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ થીમમાં દેશભરમાંથી આ મોડેલને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. ગ્રામ્ય સ્તરે કાર્યરત શાળાકીય પ્રવૃત્તિઓએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આ પ્રોજેક્ટ જેમના માર્ગદર્શનમાં તૈયાર થયો છે તેવા ખજૂરી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી યોગેશભાઇ કાવઠીયા કહે છે કે, ગુજરાતની એકમાત્ર ખજૂરી પ્રાથમિક શાળાએ આ રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ફેસ્ટિવલમાં ન માત્ર સહભાગી બનતા પરંતુ ટોચનું સ્થાન પણ પ્રાપ્ત કર્યું છે, તે વિદ્યાર્થીઓનો ઉત્સાહમાં ઉમેરો કરે છે અને કંઇક નવું કરવાની પ્રેરણા પૂરી પાડનારું પરિબળ છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત રાજય સરકાર અને ગુજરાત રાજયના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતીની મુહિમને આગળ ધપાવવા અથાગ પ્રયત્નો શરુ છે. આ રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ફેસ્ટિવલમાં મળેલી થીમ મુજબ પ્રાકૃતિક ખેતીને કેન્દ્રમાં રાખવામાં આવી.ખેતીમાં રાસાયણિક પદાર્થોના અતિરેકભર્યા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને સાથે જ નાગરિકોના આરોગ્યનું પણ જોખમ રહે છે. ઓછી જગ્યામાં વધુ સારું કઇ રીતે થઇ શકે? શહેરીજનોને પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજી અને ગાયનું શુદ્ધ દૂધ સુલભ રીતે મળી રહે તેવા આશય સાથે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટની વિગતવાર વાત કરતા શ્રી યોગેશ કાવઠીયા જણાવે છે કે, જ્યારે શહેરી વિસ્તારોમાં કોઈ નવી સોસાયટી ડેવલપ થઈ રહી હોય ત્યારે જ તેની સાથે એક કોમન પ્લોટમાં એનિમલ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવે. આ મોડલ મુજબ ટેરેસ પર સોલારની જગ્યાએ બ્રાઇટ ગ્રીનહાઉસ સોલાર ફિટ કરવામાં આવશે. તેની અંદર ૧૫*૨૦ ફૂટની જગ્યામાં વર્ટિકલ ફાર્મિંગ અને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી એક કિચન ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે. તેમાંથી દરેક ઘરને જરુરિયાત પ્રમાણે શાકભાજી – ફળફળાદિ મળી શકશે.  આ હાઇડ્રોપોનિક્સ અને વર્ટિકલ ફાર્મિંગની અંદર ઉપરથી સોલાર હોવાના કારણે પાવર જનરેટ થશે, તેનો ઉપયોગ ઘરે વીજળી મેળવવામાં થઇ શકે છે. સાથે સાથે ગ્રીનહાઉસની મદદથી ઝડપથી શાકભાજી તૈયાર થશે તેમજ તેનું ઓપરેટિંગ સંપૂર્ણ રોબોટિક્સ પદ્ધતિથી મોબાઇલમાં બનાવેલી iOS બેઇઝ્ડ એપ્લિકેશનથી થશે. તેમાં જીવામૃત, પંચામૃત, ભેજ, તાપમાન તમામ વસ્તુઓ મોબાઇલની મદદથી ઓપરેટિંગ કરી શકાશે. દરેક ઘર દીઠ જરુરિયાત મુજબ એનિમલ હોસ્ટેલમાં ગાય રાખવામાં આવશે. આ ગાયોનું દૂધ તે સોસાયટીને આપવામાં આવશે. ઉપરાંત ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર થયેલું ખાતર દરેક સોસાયટીના ટેરેસમાં નિર્માણ પામેલા બ્રાઇટ સોલાર ગ્રીન હાઉસમાં ઉપયોગ કરવામાં આવશે. આ મોડલ બનાવવા માટે દરેક ઘરે અગાસી પર સોલાર પંપની સાથે સાથે ગ્રીન હાઉસ નિર્માણ કરી તેની ઉપર જ સોલાર ફિટ કરવામાં આવશે. તેની અંદર પીવીસીના પાઇપની મદદથી માટી અને ગાયના છાણ તેમજ જીવામૃતનો ઉપયોગ કરી શાકભાજી ઉગાડવામાં આવશે.ઉપરાંત હાલના સમયમાં દેશમાં વધતી જતી વસ્તીને અને શહેરીકરણને કારણે નાગરિકોને ખેતીમાંથી શુદ્ધ અને સાત્વિક ખોરાક મળવાનું મુશ્કેલ છે. આવા સમયે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અનુસરવી, અને રસાયણમુક્ત રીતના ઉપયોગ થકી પકવવામાં આવેલા ફૂડ, ઓર્ગેનિક શાકભાજી, ખાદ્ય ખોરાક મળી રહે તે માટે આ મોડલ બનાવ્યું છે. આ શાકભાજીનો ઉપયોગથી નાગરિકોના સ્વાસ્થ્યમાં સુધારો નોંધી શકાશે.તેમણે ઉમેર્યું કે, આ મોડલ નિહાળી દેશના ટોચના વૈજ્ઞાનિકો પ્રભાવિત થયા હતા અને જમીન પર કાર્યાન્વિત કરવા માટે બજેટ સહિતની જરુરી ચર્ચા પણ કરી હતી. આ સાયન્સ ફેસ્ટિવલમાં આઈડિયાઝ ફોર વિકસિત ભારત S & T હેકાથોનમાં ભાગ લેનાર શ્રી યોગશ કાવઠીયા અને ખજૂરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને બાળ વૈજ્ઞાનિક શ્રી ખીમાણી ખંજન અને શ્રી કાવઠીયા મંત્રને આ મોડલ તૈયાર કરવા માટે રોડક પુરસ્કાર, પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,  ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા આયોજિત આ ૧૦માં સાયન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સ્વીકૃતિ મળવી ખૂબ મુશ્કેલ હોય છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ ટોચનુ સ્થાન મેળવી ખજૂરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા આયોજિત આ ૧૦માં સાયન્સ ફેસ્ટિવલમાં વિકસિત ભારત માટે વિચાર બીજ શોધયાત્રા અંતર્ગત ૫ થીમ-વિષયમાં દેશભરમાંથી ૯૪ કૃતિ-મોડલ પસંદગી પામી હતી. જેમાં ગુજરાતની એકમાત્ર ખજૂરી પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field