ખંભાળિયા તાલુકાની કેશોદ ગ્રામ પંચાયત દ્વારા લોક સુવિધા માટે શરૂ થનારી વિવિધ સેવાકિય સેવાઓનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદર્શ ગામ એવા કેશોદમાં દાતાઓના સહયોગથી નવનિર્મિત સ્માર્ટ શાળા ડો. નવનીધરાય છગનલાલ માંકડ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજના અંતર્ગત 42 આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણા માટે ખુશીની વાત છે કે, બાળકોને અભ્યાસની સારી સુવિધા મળી રહે તે માટે આપણે ડો. નવનીધરાય છગનલાલ માંકડ પ્રાથ. શાળાનું લોકાર્પણ કરીએ છીએ.
પ્રોજેક્ટ લાઇફ દ્વારા દાતાઓના સહયોગથી 91 જેટલી શાળાઓ બનાવવામાં આવી છે. તેના માટે પ્રોજેક્ટ લાઈફને અભિનંદન પાઠવું છું. વધુમાં તેમણે જણાવ્યું કે, કેશોદ ગામએ આદર્શ ગામ છે. અન્ય ગામોના સરપંચએ પણ તેમના ગામને આદર્શ બનાવવા પ્રયત્ન કરવા જોઈએ. કેશોદ ગ્રામ પંચાયતના અન્ય સેવાકિય પ્રકલ્પોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સ્કુલ ઓફ એકસીલેન્સ પોજેકટ પ્રાથમિક શાળા કેશોદ, ગામમાં માઇક સીસ્ટમ, ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન માટે ઇ-રીક્ષાની સુવિધા, પ્રોટેકશન દિવાલનું કામ, વોશીંગ ઘાટ, સ્મશાનમાં સ્નાનઘાટ, નવા દલીતવાસમાં પાણીના ટાંકાની કામગીરી, કોજવે, ગટર વ્યવસ્થા તેમજ ગૌશાળામાં શેડની કામગીરી ઉપરાંત આવળમાતાજીના મંદિરે બગીચામાં પેવર બ્લોકની કામગીરી સહિત બાર જેટલી ગ્રામ સુવિધાના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહંત આત્માનંદ સરસ્વતી મહારાજ, ગોપનાથ મંદિર તળાજાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી પરમાર્થી થાય તેવું શિક્ષણ મળવું જોઇએ. સંસ્કારથી જ સંસ્કૃતિ શોભે છે. આ પ્રસંગે સરપંચ રંજનબેન કશ્યપભાઇ આહિરે સૌનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં ડો. વિપુલભાઈ, ડો. અર્પણાબેન, પ્રોજેકટ લાઇફ રાજકોટના મેનેજીંગ ટ્રસ્ટી શશીકાંતભાઈ કોટેચા, મીતલબેન કોટેચા, કીરીટભાઇ વસા, ડો. નલીનીબેન વસા પરિવાર, માંકડ પરિવાર, કલેકટર એમ.એ. પંડયા, જિલ્લા વિકાસ અધિકારી ધાનાણી, તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઈ કરમુર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.