Home જનક પુરોહિત કોંગ્રેસનું સંખ્યાબળ વધવા છતાં વિધાનસભામાં નબળો દેખાવ

કોંગ્રેસનું સંખ્યાબળ વધવા છતાં વિધાનસભામાં નબળો દેખાવ

617
0

(જી.એન.એસ.)જનક પુરોહિત

અત્યારે વિધાનસભા સત્ર ચાલુ હોવાથી દોઢડાહ્યા ને રોજેરોજ ગુજરાતભરના ભાજપ – કોંગ્રેસ ના નેતાઓ સાથે સંવાદ કરવાની પુરતી તક મળે છે . આવો જ એક સંવાદ કોંગ્રેસના સૌરાષ્ટ્રના એક નેતા સાથે થયો . દોઢ ડાહ્યાને હાથ પકડી ખૂણામાં ખેચી જઈને નેતાએ હળવેક થી પૂછ્યું “ કેમ ચાલે છે આ વિધાનસભા , અમારા નેતા ધાનાણી સફળ કે નિષ્ફળ ? ” દોઢ ડાહ્યા એ વળતો સવાલ કર્યો “ તમારા ધારાસભ્યો અને પક્ષના નેતાઓ ધાનાણી ને નેતા તરીકે સ્વીકારે છે ખરા ? ” તો જવાબ મળ્યો “ સ્વીકારવા તો પડે જ ને અમારા રાહુલ જી નો નિર્ણય છે . ”

નેતાને કહેવું પડ્યું કે , નિર્ણય જેનો હોય તેનો , પરંતુ વિધાનસભામાં તોફાની વિદ્યાર્થીઓ શિક્ષક નાં આદેશને માનતા નથી . બે ધારાસભ્યો ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ થયા , તેમાં નેતાનો આદેશ ન માનવાનું પણ એક કારણ છે .

ફરી નેતાએ પ્રશ્ન કર્યો “ આ વખતે તો સંખ્યાબળ વધ્યું છે , તો તેની કોઈ અસર ન રહી ? ”

દોઢ ડાહ્યાએ કહ્યું “ સંખ્યાબળ વધ્યું , પરંતુ પ્રભાવશાળી સભ્યોની સંખ્યા ઘટી , એટલે સંખ્યા વધવા છતાં અવાજ દબાયેલો જ રહે છે . નવા નવા ધારાસભ્યો ની સંખ્યા વધી છે . જેમને ગ્રામ પંચાયત નો જ અનુભવ છે . તેઓ ગૃહમાં એ રીતે વર્તે છે . જોકે ભાજપની પણ એજ સ્થિતિ છે . પરંતુ તેમની આગલી હરોળ મજબુત છે . એટલે ફાવે છે . બાકી કોંગ્રેસની આગલી હરોળે ગુજરાતની જનતા ને નિરાશ કરી છે.

નેતા દુઃખી થવાના બદલે જાણે મનોમન ખુશ થતાં હોય એ રીતે બોલીને છુટા પડ્યા “ અમને તો ખબર જ હતી .”

આ વખતનો ઉનાળો ભાજપ માટે આકરો સાબિત થશે

પ્રગતિનગર ગાર્ડનમાં સવારે યોગ – કસરત બાદ બાકડા પરિષદ શરુ થઇ . ધીરુભાઈ માસ્તરે છાપાના બે પાનાં ઉથલાવીને કહ્યું “ આ વખતનો ઉનાળો ભાજપ માટે આકરો સાબિત થશે . ”

છોટુભાઈ એ કહ્યું “ અલ્યા માસ્તર , ઉનાળો આકરો હોય તો ભાજપને દજાડે અને કોંગ્રેસને ઠંડક આપે . ”

દોઢ ડાહ્યાએ કહ્યું “ ધીરુભાઈ ની વાતમાં દમ છે . ભાજપને દજાડશે અને કોંગ્રેસને ઠંડક આપશે .એટલા માટે કે ગુજરાતની જીવાદોરી નર્મદાનું રાજકારણ શરુ થશે . પાણીનો કાપ આવશે . પ્રજામાં અસંતોષ , ઉગ્રતા અને આંદોલનનો મિજાજ જોવા મળશે . જેનાથી ભાજપ દાજશે . અને આંદોલનની તક મળતા કોંગ્રેસને ઠંડક મળશે . ” પંડ્યા સાહેબે કહ્યું “ સાલું મને તો એ નથી સમજાતું કે સરદાર સરોવર બંધ ઉપર દરવાજા ન હતા . પાણી દરિયામાં જતું રહેતું હતું અને છતાંય બંધમાં પાણી ખૂટતું ન હતું . હવે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ તત્કાળ દરવાજાની મંજુરી આપી દીધી . દરવાજા ફીટ થઇ ગયા પછી આખું ચોમાસું પાણી – પુર આવ્યા . છતાં પાણી જતું રહ્યું ? દરવાજા બંધ નહોતા થયા ? કે ખાળે ડુચા અને દરવાજા મોકળા રહ્યા હતા ! ”

ભાજપના જ સક્રિય કાર્યકર ભટ્ટજી બોલ્યા “ સાહેબ એવી ચર્ચા ચાલે છે કે મધ્યપ્રદેશ માં ચુંટણી આવે છે ને એટલે ત્યાં ખેડૂતોને ખુશ રાખવા પાણીનો વધુ જથ્થો અપાયો . મધ્યપ્રદેશમાં નર્મદા નદી ઉપર ૧૦ જેટલા બંધ આવેલા છે . આ વખતે પાણી ઓછું આવ્યું તેનું આ પરિણામ છે . ”

પંડ્યા સાહેબે કપાળ કુટતાં કહ્યું “ શું જમાનો આવ્યો છે ! લોકોના પીવાના પાણીમાં પણ રાજકારણ ચાલે છે . આ ભાજપવાળાઓ ને કોઈનો ડર જ રહ્યો નથી .”

ભટ્ટજી એ ટહુકો કર્યો “ લોકો ખોબલે ખોબલે મત આપે છે , પછી કોનાથી ડરવાનું ! ”

ભટ્ટજી સામે સહુકોઈ એ તિરસ્કાર ભરી નજર કરી અને વાત પડતી મુકાઈ .

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના સંગઠન સ્થગિત

૨૦૧૭ ની વિધાનસભા ચુંટણી પછી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના સંગઠનમાં સ્થગિતતા આવી ગઈ છે . કાર્યકરો પાસે કોઈ કામ નથી . કોંગ્રેસનું દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધિવેશન યોજાયું . ત્યારબાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકીના રાજીનામાની અફવા અને અટકળો શરુ થયા . ભાજપમાં સંગઠનમાં વ્યાપક બદલાવની વાતો રોજેરોજ વિધાનસભાની લોબીમાં સાંભળવા મળે છે . દોઢડાહ્યો મનોમન વિચારે છે કે ગુજરાતના રાજકારણને થયું છે શું ? બંને પક્ષ પરિણામોથી ખુશ હતા . ભાજપને ફરી સત્તા મળી માટે ખુશ અને કોંગ્રેસની બેઠકો ૫૨ થી ૮૦ થઇ તેનાથી ખુશ હતા . આ ખુશી પછી આત્મસંતોશી નેતાઓ આરામ કરી રહ્યા છે કે શું ?

ભાજપના એક નેતા સાથે ફોન પર વાતચીત દરમિયાન દોઢ ડાહ્યાએ આ વિમાસણ રજુ કરી . નેતાએ કહ્યું “ ભાજપમાં પ્રદેશ પ્રમુખનો નિર્ણય જે તે સમયે ચાલતા પાટીદાર આંદોલનને ધ્યાને રાખીને કરાયો હતો . એમ હતું કે સૌરાષ્ટ્રના પાટીદાર યુવાનને પ્રદેશ પ્રમુખ બનાવીએ તો પાટીદારો ખુશ થશે . પરંતુ આ ગણિત કામ આવ્યું નહિ . સૌરાષ્ટમાં બેઠકો ઘટી . નિષ્ફળતા પક્ષને અને પ્રમુખને બંને ને ઢીલા પડી દે છે . હવે ચર્ચા ચાલેછે કે વિધાનસભા સત્ર બાદ સંગઠનમાં આમૂલ પરિવર્તન થશે . પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો બદલાશે . લોકસભાની ચુંટણી ને ધ્યાનમાં રાખી ફેરફારો થશે . જોઈએ આપણા નરેન્દ્રભાઈ સમય ફાળવી શકે તો જ આ ફેરફારો થઇ શકે . અને કોંગ્રેસની તો પરંપરા જ છે કે દરેક ચુંટણી પછી પ્રદેશ પ્રમુખે રાજીનામું આપવું પડે છે . ભલે તે રાજીનામાં અંગે નિર્ણય લેવામાં હાઈકમાન્ડ એક દોઢ વર્ષ લગાવે . ”

આ નેતાની વાતમાં તથ્ય તો છે જ . દરેક ચુંટણી પછી પ્રદેશ પ્રમુખ રાજીનામું આપે જ છે . પરંતુ ભાજપની વાત અલગ છે . તેમાં સફળતા આપણા નરેન્દ્રભાઈ અને ચાણક્ય અમિત શાહ નાં કારણે જ મળે છે . અને નુકસાન સ્થાનિક નેતાઓના નામે ઉધારાય છે . આ સ્થિતિમાં સ્થાનિક નેતાઓ માટે જોખમ તો છે જ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફેસબુક ડેટાલિક મામલો : કેમ્બ્રિજ એનાલિટિકા મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને
Next articleઆવો છે ભાજપની સરકારનો વહિવટ…!! રૂપાણી સરકાર આપનું “વાગત” કરે છે….