(જી.એન.એસ) તા. 23
ગાંધીનગર/અમદાવાદ,
ગુજરાત વિધાનસભા ખાતે કેન્દ્ર સરકારના બજેટ-૨૦૨૪ પર પ્રતિક્રિયા આપતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫ માટે બજેટ રજુ કરવામાં આવ્યું છે. સમગ્ર બજેટ સાંભળ્યા, જોયા પછી એવું ચોક્કસ લાગે છે કે, આ બજેટ દેશના લોકો માટે નહિ, લોકોને રાહત આપવા માટે નહિ પણ સરકાર બચાવો બજેટ હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ કેન્દ્ર સરકારનું બજેટ દેશ માટે નહિ પણ બિહાર અને આંધપ્રદેશ માટે હોય એવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે.
આ બજેટમાં બિહારના નીતીશકુમાર અને આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુનો ખૌફ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. આ બજેટ દેશની ચિંતા કરવા કરતા પોતાની ખુરશી બચાવવાની ચિંતા કરતા હોય તેવું દેખાઈ આવે છે. ગુજરાતી વડાપ્રધાન હોય અને દેશનું બજેટ રજુ થતું હોય ત્યારે ગુજરાતીઓને ચોક્કસ આશા હોય કે કંઈક નવું મળશે પણ આખું બજેટ જોતા ગુજરાતમાં માટે કોઈ સ્પેશીયલ પેકેજ કે જાહેરાત જોવા મળી નથી. એના કારણે સમગ્ર ગુજરાતના લોકો નિરાશ થયા છે.
નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવા માટે ગુજરાતમાંથી વારંવાર પત્રો લખતા આજે વડાપ્રધાન બને ૧૦ વર્ષ થયા અને કેન્દ્ર સરકારનું બજેટ પણ રજુ થયું પરંતુ નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવાનો ઉલ્લેખ સુદ્ધા નથી. પશ્ચિમ રેલેવેનું વડુંમથક અમદાવાદમાં થાય, એનાથી સુવીધાઓ વધે, રોજગાર વધે એ માંગણીઓ પણ વર્ષોથી ભુલાઈ રહી છે. અનેક વખત અતિવૃષ્ટિ થઇ, કમોસમી વરસાદ થયો, પુર આવ્યા, કુદરતી આફતો થઇ તેમાં જે પારાવાર નુકસાન ગુજરાતના ખેડૂતોને અને સામાન્ય લોકોને થયું છે એમાં જે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેન્દ્ર સરકારની મદદ મળવી જોઈએ એ પુરતી મદદ મળી નથી જેનો ઉલ્લેખ પણ આ બજેટમાં નથી.
કોંગ્રેસનો લોકસભાનો ચૂંટણી ઢંઢેરો (મેનીફેસ્ટો) હતો જેમાં પાંચ ન્યાય, ન્યાયપત્રની વાત કરવામાં આવી હતી એની કોપી આ બજેટમાં કરવામાં આવી છે. ઇન્ટરશીપ યોજનાની જાહેરાત કરવામાં આવી, યુવાનોને રોજગાર આપીશું એ કોંગ્રેસના ન્યાય પત્રમાં એપ્રેન્ટીસ યોજના જાહેર કરવામાં આવી હતી જેમાં યુવાનોને પહેલી નોકરી પાકી, એક લાખ રૂપિયા સુધીની મદદ આપવાની વાત કરવામાં આવી હતી એ જ વાત ઇન્ટરશીપ યોજનાથી આજે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. ૨૦૧૪ માં નરેન્દ્રભાઈ જાહેરાત કરતા હતા કે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપીશું પણ આજે દસ વર્ષ પછી ૨૦૨૪ માં સરકાર જાહેરાત કરે છે કે, આગલા પાંચ વર્ષમાં ૪ કરોડ યુવાનોને રોજગાર આપીશું એનો સ્પષ્ટ મતલબ છે કે ૨૦૧૪ માં દર વર્ષે બે કરોડ લોકોને રોજગાર આપવાની વાત કરતા હતા અને આજે આવતા પાંચ વર્ષની અંદર ચાર કરોડ રોજગાર આપવાની વાત કરીને દેશના બેરોજગાર યુવાનોની આશાઓ પર અને સપનાઓ પર પાણી ફેરવાનારું આ બજેટ છે.
ખેત ઉત્પાદન વધારવાની વાત કરવામાં આવી પણ બજેટમાં એમોનિયમ નાઈટ્રેટની આયાત ડ્યુટી પર ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એનાથી સ્પષ્ટ થાય છે કે રસાયણિક ખાતરો અને રસાયણિક જંતુનાશકોની કિંમત ઉપર વધારો થવાનો, એક બાજુ ઉત્પાદન વધારે કરવાની વાતો કરવાની અને બીજી તરફ ખેતી મોંઘી કરવાની તેમ બે મોંઢાવાળી વાત આ સરકારના બજેટમાં જોવા મળી.
GST થી નાના વેપારીઓ પરેશાન છે, રોજબરોજ હેરાન થાય છે, છતાં વર્ષોથી માંગણીઓ કરે છે કે GST કાયદાની જોગવાઈઓમાં સરળીકરણ થાય અને નાના વેપારીઓને આર્થિક મદદ મળે પણ આ બજેટમાં એવું ક્યાય જોવા મળ્યું નથી કે GST થી સરળીકરણ કે નાના વેપારીઓને ફાયદો થયો હોય.
MSME માટે પણ આ સરકારે સતત ઘોર ઉપેક્ષા દાખવી છે, એની સાથે ભેદભાવપૂર્ણ વલણ રાખ્યું છે. મોટા ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો કરાવે છે. પરંતુ MSME ને ફાયદો થાય એવી એકપણ વાત આ બજેટમાં જોવા મળી નથી. MSME ની અનેક માંગણીઓમાંથી એક માંગણી હતી કે જયારે ધિરાણ લે છે ત્યારે NPA માટે જે ૯૦ દિવસની અવધી છે એને વધારીને ૧૮૦ દિવસ કરવાની હતી એ સંદર્ભે પણ બજેટમાં ક્યાય કશું જોવા મળ્યું નથી.
દેશના લાખો કર્મચારીઓ OPS માટે સતત લડી રહ્યા છે, સતત રજુઆતો કરી રહ્યા છે પણ આ બજેટમાં કર્મચારીઓના OPS માટે એક શબ્દનો પણ ઉલ્લેખ થયો નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે આ બજેટમાં ખેડૂતો, નાના વેપારીઓ, બેરોજગાર યુવાનો કે દેશના સામાન્ય જન માટે કોઈ વાત રજુ કરવામાં આવી નથી. સામાન્ય લોકોના માટે નિરાશાજનક બજેટ છે. ગુજરાતી વડાપ્રધાન હોવા છતાં ગુજરાતને આ બજેટમાં ખુબ અન્યાય અને અનદેખી કરવામાં આવી છે એટલે કે ગુજરાતીઓ માટે આ બજેટ નિરાશાજનક બજેટ છે એવું ચોક્કસ કહી શકાય. આ બજેટ “સરકાર બચાવો અને મોંઘવારી વધારો” એ બાબતનું બજેટ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.