2012થી 2017ની વચ્ચે, કોઈ વંશીય હિંસા ન હોવા છતાં, મણિપુર દર વર્ષે સરેરાશ 212 દિવસ માટે બંધ રહ્યું હતું
(જી.એન.એસ) તા.3
નવી દિલ્હી,
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની મંજૂરી માટે લોકસભામાં એક વૈધાનિક ઠરાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ નીચલા ગૃહ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ગૃહે મણિપુરમાં થયેલી હિંસામાં પોતાનો જીવ ગુમાવનારાઓ પ્રત્યે આદર, સહાનુભૂતિ અને ઊંડું દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આ પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું હતું કે, અનામત સંબંધિત વિવાદ અંગે મણિપુર હાઇકોર્ટના નિર્ણયને કારણે મણિપુરમાં બે સમુદાયો વચ્ચે વંશીય હિંસાની શરૂઆત થઇ હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ ન તો રમખાણો છે કે ન તો આતંકવાદ, પરંતુ હાઈકોર્ટના નિર્ણયના અર્થઘટનના પરિણામે બે સમુદાયો વચ્ચે વંશીય હિંસા છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, મણિપુરમાં ડિસેમ્બરથી માર્ચ સુધી લગભગ ચાર મહિના સુધી હિંસા થઈ નથી તથા શિબિરોમાં ભોજન, ઔષધિઓ અને તબીબી સુવિધાઓની જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ટેકનિકલ અને તબીબી શિક્ષણ માટે ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રાથમિક શિક્ષણ માટે શિબિરોની અંદર વર્ગો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં તેમના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, હિંસા ન થવી જોઈએ અને વંશીય હિંસાને કોઈ પણ રાજકીય પક્ષ સાથે ન જોડવી જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વિપક્ષે એક ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો કે આપણા શાસન દરમિયાન વંશીય હિંસા થઈ હતી. તેમણે ગૃહને માહિતી આપી હતી કે 1993 થી 1998ની વચ્ચે, મણિપુરમાં પાંચ વર્ષ સુધી નાગા-કુકી સંઘર્ષ થયો હતો, જેના પરિણામે 750 લોકો મૃત્યુ પામ્યા હતા અને છૂટાછવાયા બનાવો એક દાયકા સુધી ચાલુ રહ્યા હતા. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે અમે માનીએ છીએ કે આ પ્રકારની ઘટનાઓ આપણા શાસનમાં ક્યારેય ન થવી જોઈએ, ત્યારે એક કમનસીબ નિર્ણય હિંસા તરફ દોરી ગયો હતો, જેને તાત્કાલિક નિયંત્રણમાં લાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે હિંસામાં 260 મૃત્યુમાંથી 80 ટકા પહેલા મહિનામાં થયા હતા, જ્યારે બાકીના મૃત્યુ પછીના મહિનાઓમાં થયા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે 1997-98માં કુકી-પાઇટે સંઘર્ષમાં 50થી વધુ ગામોનો નાશ થયો હતો, 40,000 લોકો વિસ્થાપિત થયા હતા, 352 લોકો માર્યા ગયા હતા, સેંકડો લોકો ઘાયલ થયા હતા અને 5,000 ઘરો બળી ગયા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છ મહિના સુધી ચાલેલા મીતેઇ-પંગલ સંઘર્ષ દરમિયાન 1993માં થયો હતો, જેમાં 100થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે વિપક્ષ એવું ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે જાણે મણિપુરમાં આ પહેલી હિંસા હોય અને અમારું શાસન નિષ્ફળ ગયું હોય. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અગાઉની સરકારના શાસન દરમિયાન 10 વર્ષ, 3 વર્ષ અને 6 મહિના સુધી ફેલાયેલી હિંસાના ત્રણ મુખ્ય કિસ્સાઓ બન્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, હિંસાની આ ઘટનાઓ બાદ તત્કાલીન સરકારમાંથી ગૃહમંત્રી સહિત કોઇએ આ વિસ્તારની મુલાકાત લીધી નહોતી.
શ્રી અમિત શાહે નોંધ્યું હતું કે, વર્ષ 2017માં ભાજપ સત્તામાં આવી હતી અને અગાઉનાં પાંચ વર્ષમાં મણિપુરને દર વર્ષે સરેરાશ 212 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે આ સમય દરમિયાન કોઈ વંશીય હિંસા થઈ ન હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે 1,000થી વધુ એન્કાઉન્ટર થયા હતા, જેની સુપ્રીમ કોર્ટે નોંધ લેવી પડી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે, હાઇકોર્ટનાં આદેશ અગાઉ મણિપુરમાં વર્ષ 2017થી અત્યાર સુધીનાં છ વર્ષનાં ભાજપનાં શાસનમાં એક પણ દિવસનાં શટડાઉન અને નાકાબંધી નહોતી અને તેમાં કોઈ હિંસા થઈ નહોતી. તેમણે કહ્યું કે, એક વિશિષ્ટ પરિસ્થિતિમાં જ્યારે બંને સમુદાયોએ હાઈકોર્ટના નિર્ણયનું અર્થઘટન કર્યું કે તેઓ તેમની વિરુદ્ધ છે, ત્યારે માત્ર બે જ દિવસમાં હિંસા ફાટી નીકળી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે વિપક્ષે પણ સરકાર પર મણિપુરમાં થયેલી હિંસાની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ગૃહને માહિતી આપી હતી કે જે દિવસે હાઈકોર્ટનો આદેશ જારી કરવામાં આવ્યો હતો, તે જ દિવસે સુરક્ષા દળોની કંપનીઓને વાયુસેનાના વિમાનો દ્વારા આ ક્ષેત્રમાં મોકલવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ આ બાબતમાં સમાન ચિંતા વ્યક્ત કરે છે. ગૃહમંત્રીએ તમામ સભ્યોને અપીલ કરી હતી કે, તેઓ આ મુદ્દાનું રાજકીયકરણ ન કરે, કારણ કે સરકાર મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ હિંસામાં ખોવાયેલા દરેક જીવન માટે ગૃહે પોતાનાં હૃદયમાં આદર, સહાનુભૂતિ અને દુઃખ જાળવવું જોઈએ.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી બંને સમુદાયો સાથે ચર્ચા-વિચારણા થઈ હતી અને બંને સમુદાયોનાં તમામ સંગઠનો સાથે અલગ-અલગ બેઠકો યોજાઈ હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં સંયુક્ત બેઠક બોલાવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે સરકાર હિંસાનો અંત લાવવાનો માર્ગ શોધવા કામ કરી રહી છે, ત્યારે ટોચની પ્રાથમિકતા શાંતિ સ્થાપિત કરવાની છે. શ્રી શાહે એમ પણ નોંધ્યું હતું કે, મણિપુરમાં છેલ્લાં ચાર મહિનાથી કોઈ મૃત્યુ થયું નથી, જેમાં ફક્ત બે લોકો ઘાયલ થયા છે અને સ્થિતિ મોટા ભાગે નિયંત્રણમાં છે. જો કે તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી વિસ્થાપિતો શિબિરોમાં રહે છે, ત્યાં સુધી પરિસ્થિતિને સંતોષકારક ગણવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિસ્થાપિત લોકો માટે પુનર્વસન પેકેજ અંગે ચર્ચા ચાલી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે અમારા મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ રાજ્યપાલે ભાજપના 37, એનપીપીના 6, એનપીએફના 5, જેડી (યુ)ના 1 અને કોંગ્રેસના 5 સભ્યો સાથે ચર્ચા કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારે મોટાભાગના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ સરકાર રચવાની સ્થિતિમાં નથી. ત્યારે કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી હતી, જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો હતો. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર ઇચ્છે છે કે મણિપુરમાં શક્ય તેટલી વહેલી તકે શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવે તેમજ પુનર્વસનનાં પ્રયાસો હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત લોકોનાં ઘાને રૂઝવવામાં આવે. ગૃહમંત્રીએ તમામ સભ્યોને મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે મંજૂરી આપવા વિનંતી કરી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.