કેનેડામાંથી ધ્રુજાવી દેવી ઘટના સામે આવી છે. કેનેડાના સસ્કેચવન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ચપ્પુથી હુમલો કરીને 10 લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. આ બનાવનમાં 15 લોકો ઘાયલ છે. હુમલાખોર ફરાર થઈ ગયો છે. રૉયલ કેનેડિયન માઉન્ટેન પોલીસ (RCMP) તરફથી હુમલાખોર માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે જેમ્સ સ્મિથ ક્રી નેશન અને સસ્કેચવનના ઉત્તર-પૂર્વમાં વેલ્ડન ગામમાં અનેક જગ્યાએ છરો ભોંકવાની ઘટના સામે આવી છે.
આરસીએમપીના જણાવ્યા અનુસાર શંકાસ્પદની ઓળખ ડેમિયન સેન્ડરસન અને માઇલ્સ સેન્ડસર તરીકે કરવામાં આવી છે. તેમની શોધખોળને લઈને સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, હજુ સુધી હત્યા કરવાનું કારણ સામે આવ્યું નથી. આરસીએમપી સસ્કેચવનના સહાયક આયુક્ત રોંડા બ્લેકમોરે કહ્યુ હતુ કે, કેટલાક પીડિતોને આરોપીઓએ ટાર્ગેટ કર્યા હતા, પરંતુ અમુક લોકો પર અચાનક જ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો શા માટે કરવામાં આવ્યો હતો તે અંગે જાણી શકાયું નથી. જે પણ થયું, તે બહુ ખતરનાક છે.
બ્લેકમોરે જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. અમે હુમલાખોરોને પકડવા માટે પૂરેપૂરી રીતે તૈયાર છીએ. અમે સૂત્રો સાથે આ મામલે અભિયાન ચલાવી રહ્યા છીએ. આરસીએમપીનું કહેવું છે કે, તેમને સમાચાર મળ્યા છે કે બંને શંકાસ્પદ આરોપી રેજિનાના આર્કોલા એવન્યૂ તરફ જઈ રહ્યા હશે. રેજિના પોલીસનું કહેવું છે કે, અંદાજે 11.20 વાગતા બંને આરોપીઓ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બંને ફરાર છે એટલે અમે મેનિટોબા અને અલ્બર્ટા પ્રાંતમાં પણ એલર્ટ જાહેર કરી દીધો છે.
પોલીસનું કહેવું છે કે, બંને શંકાસ્પદ આરોપીઓ સસ્કેચવનની નંબર પ્લેટવાળી કારમાં સવાર હતા તેવી શક્યતા છે. આ ઉપરાંત હજુ શંકાસ્પદની પાસે હજુ પણ તે કાર હોઈ શકે છે. તેથી અન્ય રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સીબીસી ન્યૂઝના અહેવાલ મુજબ મોટી સંખ્યામાં ઘાયલોને જોતા રાજ્યમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
સૌપ્રથમ રવિવારે સવારે 7:12 વાગ્યે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ ઘટનામાં એકપછી એક ખુલાસા થઈ રહ્યા છે. રેજિનાના વિસ્તારના રહેવાસીઓને પણ શંકાસ્પદ વ્યક્તિઓ સાથે સંપર્ક ન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત અજાણ્યા લોકોને લિફ્ટ ન આપવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ 911 પર શંકાસ્પદ વ્યક્તિઓ વિશે જાણકારી આપવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.