(જી.એન.એસ) તા. 10
બલૂચિસ્તાન,
પાકિસ્તાનમાં વધુ એકવાર જાહેરમાં ગોળીબાર ની ઘટના બની હતી જેમાં ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના ઈરાનમાંથી અપહરણમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈને મદદ કરનારા મુફ્તી શાહ મીરની બલૂચિસ્તાનના તુરબતમાં શુક્રવારે રાતે અજ્ઞાાત લોકો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મુફ્તી શાહ મીર બલુચિસ્તાનના તુરબતમાં તરાવીહની નમાઝ પછી મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે બાઈક સવાર હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ગોળીઓ ચલાવીને તેને ઠાર કરી દીધો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેનું મોત થઈ ગયું હતું.
મુફ્તી શાહ મીર ઈસ્લામિક કટ્ટરપંથી પાર્ટી જમીયત ઉલેમા-એ-ઈસ્લામનો સભ્ય હતો. તે આઈએસઆઈના નેતૃત્વવાળી ડેથ સ્ક્વોડ સાથે પણ સંકળાયેલો હતો. અનેક બલૂચ યુવાનોના અપહરણ અને હત્યામાં તેની ભૂમિકા હતી. માનવ અને હથિયારોની તસ્કરીમાં સંડોવાયેલ મુફ્તી મીર બલૂચિસ્તાનમાં ધાર્મિક કટ્ટરવાદ ફેલાવતો હતો.
માર્ચ ૨૦૧૬માં જૈશ અલ-અદલના મુલ્લા ઉમર ઈરાનીના નેતૃત્વવાળા એક જૂથે ભારતીય ઉદ્યોગપતિ અને ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવનું ઈરાન-પાકિસ્તાન સરહદેથી અપહરણ કરી લીધું હતું. મીર સહિત અનેક વચેટીયાઓના માધ્યમથી જાધવને પાકિસ્તાનના સૈન્યને સોંપી દેવાયા હતા. જાધવ હજુ પણ પાકિસ્તાની જેલમાં છે. વર્ષ ૨૦૧૭માં પાકિસ્તાનની કોર્ટે જાધવને ફાંસીની સજા સંભળાવી હતી. જોકે, ભારતની અપીલ પછી આંતરરાષ્ટ્રીય કોર્ટે નવેમ્બર ૨૦૧૯માં તેમની ફાંસી પર સ્ટે લગાવી દીધો હતો. પાકિસ્તાન હજુ પણ જાધવની સજાની સમીક્ષા કરી રહ્યું છે અને તેમને કોન્સ્યુલર એક્સેસ આપવા આદેશ કરાયો છે.
ઈરાની અને તેના બે પુત્રોની નવેમ્બર ૨૦૨૦માં આ જ વિસ્તારમાં હત્યા કરાઈ હતી. આ હત્યામાં આઈએસઆઈનો હાથ હોવાનો આરોપ છે. આ સિવાય ગયા સપ્તાહે બલુચિસ્તાનના ખુજદાર શહેરમાં મીરની પાર્ટીના બે સભ્યોની ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ હત્યાઓ પાછળ કોનો હાથ છે તે સ્પષ્ટ થયું નથી.
કેટલાક સૂત્રો મુજબ મીરને પણ આઈએસઆઈના ગુંડાઓએ મારી નાંખ્યો હતો. આઈએસઆઈમાં કેટલાક સમયથી આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી જમીયત ઉલેમા-એ-ઈસ્લામના અન્ય બે સભ્યો વડેરા ગુલામ સરવર, મૌલવી અમાનુલ્લાહની પણ બાઈક સવાર હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી હતી. સ્થાનિક પોલીસે તેને ટાર્ગેટ હત્યા ગણાવી હતી. મીર પર ગયા વર્ષે પણ બે વખત જીવલેણ હુમલા થયા હતા. કેટલાક સૂત્રો મુજબ તે બલૂચ ફાઈટર્સ અંગે પાકિસ્તાની સૈન્યને ગુપ્ત માહિતી આપતો હતો. ૨૦૨૩માં અબ્દુલ રઉફ નામના એક શિક્ષકની તુરબતમાં કથિત રીતે ઈશનિંદાના આરોપમાં હત્યા કરી દેવાઈ હતી. આ હત્યા મીરના નિર્દેશ પર કરાઈ હોવાનું જણાવાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.