(જી.એન.એસ),તા.૨૮
નવીદિલ્હી,
કાળઝાળ ગરમી સહન કર્યા બાદ ચોમાસાની આતુરતાથી રાહ જોઇ રહેલા દેશવાસીઓને હૈયે હવે ઠંડક વળી છે. રાજધાની દિલ્લી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. દેશની રાજધાની દિલ્લી અને નોઈડા, ગાઝિયાબાદ સહિત સમગ્ર NCRમાં અનરાધાર વરસાદ વરસ્યો. આ તરફ મહારાષ્ટ્રમાં પણ ફરી એક વખત ચોમાસું જામ્યું છે. મહારાષ્ટ્રમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુંબઇગરાઓ ખુશખુશાલ થઇ ઉઠ્યા છે. આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો. બિહારમાં વરસાદમાં ત્રાટકેલી વીજળી અનેક લોકો માટે જીવલેણ સાબિત થઇ. આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાને પગલે NDRFની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સૌ પહેલા વાત કરીએ રાજધાની દિલ્લીની તો દિલ્લીમાં વહેલી સવારથી જ મેઘરાજાએ સટાસટી બોલાવી. દિલ્લી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ સહિત સમગ્ર NCRમાં ભારે વરસાદ વરસ્યો. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા. દિલ્લીના તમામ મુખ્ય વિસ્તારો અવિરત વરસાદને કારણે પાણીથી તરબતર જોવા મળ્યા. જેના કારણે દિલ્લીવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ ભારે વરસાદને કારણે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં પણ મોટા પાયે પાણી ભરાયા. જેના કારણે ખેલાડીઓને મુશ્કેલી પડી. IMDની આગાહી અનુસાર, આખા સપ્તાહ દરમિયાન દિલ્હીમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં 28 અને 29 જૂને મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે 30 જૂને ભારે વરસાદની સંભાવના છે. 1 અને 2 જૂને વાવાઝોડા સાથે વરસાદ પડશે. IMD અનુસાર, 28 અને 30 જૂન વચ્ચે દિલ્લીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. આ અઠવાડિયા દરમિયાન દિલ્લીનું મહત્તમ તાપમાન 34 થી 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 થી 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
બીજી તરફ બિહારમાં અનેક લોકો માટે જીવલેણ બની વીજળી… બિહારના 6 જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 8 લોકોના મોત નિપજ્યા છે. બિહારના ભાગલપુર, મુંગેર, જમુઇ, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ અને અરરિયા જિલ્લાઓમાં આ મોત થયા છે. બિહારના સીએમ નીતિશકુમારે વીજળી પડવાથી આઠ લોકોનાં થયેલા મોત અંગે દુ:ખ વ્યક્ત કર્યુ. મુખ્યપ્રધાનના કાર્યાલયે કરેલી જાહેરાત મુજબ મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સીએમ નીતિશકુમારે ખરાબ હવામાન દરમિયાન લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. રીલ્સ બનાવવાની ઘેલછા યુવા પેઢી માટે મોતનું કારણ બની રહી છે. તેમ છતાં યુવા પેઢીમાં રીલ્સ બનાવવાનું ગાંડપણ ઘટવાને બદલે વધી રહ્યું છે. બિહારના સીતામઢીમાંથી આવો જ એક હેરાન કરનાર વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવતી ધોધમાર વરસાદમાં ભીંજાઇને ટેરેસ પર રીલ બનાવી રહી હતી. આ દરમિયાન આકાશમાંથી ગર્જના કરતી વીજળી પડી હતી. કડાકા સાથે વીજળી ત્રાટકતા જ યુવતી રીલ્સ બનાવવાનું પડતું મુકીને ડરીને ઘરની અંદર ભાગી ગઇ. આ ઘટના જિલ્લાના બેલા પોલીસ સ્ટેશન વિસ્તારના સિરસિયા ગામમાં બની. યુવતી ટેરેસ પર રીલ રેકોર્ડ કરી રહી હતી, બરાબર ત્યારે જ વીજળી ત્રાટકી. વીજળી ત્રાટકવાની આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ. આ તરફ મહારાષ્ટ્રમાં પણ વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી. ઇસ્ટર્ન એક્સપ્રેસ-વે સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. જેના કારણે મુંબઇગરાઓમાં ફરી આનંદની લાગણી છવાઇ ગઇ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં મુંબઇ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.