પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવિ પેઢીના સુવર્ણ ભવિષ્ય માટે અને દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના નિર્ધાર સાથે શરૂ કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા: ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ
(જી.એન.એસ),તા.૦૭
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકાર લોકો સુધી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરીને લાભથી વંચિત લોકોને લાભ આપવાનો સેવાયજ્ઞ ચલાવી રહી છે ત્યારે આ યાત્રા માણસા તાલુકામાં પ્રતાપપુરા અને ઈટલા ખાતે આવી પહોંચી હતી. જેનું ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગામની દીકરીઓ અને ગ્રામજનો દ્વારા કંકુ તિલક કરીને ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત માણસાના ધારાસભ્યશ્રી જે. એસ. પટેલે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને વધાવ્યો હતો. તેમણે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવનારી પેઢીના સુવર્ણ ભવિષ્ય માટે અને દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત કરવાના નિર્ધાર સાથે શરૂ કરાવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ઘર આંગણે આવી છે ત્યારે દરેક ગ્રામજનને લાભ અપાવવાની જવાબદારી ગામના જાગૃત નાગરિકોની છે.
આ પ્રસંગે ‘મેરી જુબાની, મેરી કહાની’ અંતર્ગત ઈટલા ગામના ખેડૂત વાસુજી ગાભાજી ઠાકોરે પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. તેઓ છેલ્લા ૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને અન્ય ખેડૂતોને તાલીમ આપે છે. તેમણે જમીન સુધારણા માટે ઉપસ્થિત સૌ ખેડૂતો મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ફર્ટિલાઇઝરનો ઉપયોગ ટાળીને જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર વગેરેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટરના ચેતનાબેન નાયી તરફથી મહિલાઓને ઘરેલુ હિંસા, પજવણી વગેરે અડચણો વખતે સખી વન સ્ટોપ સેન્ટરની મદદ લેવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને આવનારી પેઢીને ફળદ્રુપ જમીન વારસામાં મળે તે માટેની જાગૃતિ માટે ‘ધરતી કહે પુકાર કે’ નાટકની સુંદર રજુઆત કરાઇ હતી. ઉપરાંત સ્વાગત ગીત અને દેશભક્તિ ગીત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. કાર્યક્રમમાં આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોને હસ્તે લાભાન્વિત કરાયા હતા. ઉપરાંત ઓન ધ સ્પોટ ક્વિઝના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે ઈટલા ગ્રામપંચાયતને ‘હર ઘર જલ’ માટે પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ૨૦૪૭ સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવા પોતાનું યોગદાન આપવા શપથ લીધા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદેશ્ય ભારતના ગામડાઓમાં કેન્દ્ર સરકારની વિવિધ ૧૭ કલ્યાણકારી યોજનાઓનો લાભ સો ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો છે ત્યારે નાગરિકો પણ આ યોજનાઓથી માહિતગાર થાય તે જરૂરી છે. તે માટે માણસા તાલુકા પંચાયતની આરોગ્ય, ખેતી, શિક્ષણ, પુરવઠા વગેરે શાખાઓ દ્વારા વિવિધ યોજનાઓના સ્ટોલ દ્વારા ઉભા કરાયા હતા જેનો ગ્રામજનોએ બહોળો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી જયદીપ પટેેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ, માણસા તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, સરપંચશ્રી, તલાટી મંત્રીશ્રી, શિક્ષકો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.