અધિકૃત બેંકોના નામ આગળ ધરી અવારનવાર ગઠીયાઓ છેતરપિંડી કરી રહ્યા હોવાના અનેક બનાવ સામે આવતા હોય છે ત્યારે કપડવંજમાં ગઠીયાએ એસબીઆઈ બેંકનું નામ વટાવી રીટાયર્ડ વેટનરી ડોક્ટર પાસે ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને રૂપિયા 1.5 લાખ ઓનલાઇન ખંખેરી લીધા હતા જે બાદ રૂપિયા ઓનલાઈન શોપિંગ એપમા વાપરી દીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર મામલે રીટાયર્ડ વેટનરી તબીબે કપડવંજ ટાઉનમાં અજાણ્યા મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી છે. કપડવન શહેરમા રત્નાકર માતાના રોડ પર રત્નાસાગર સોસાયટીમાં રહેતા 58 વર્ષિય નિવૃત્ત વેટનરી તબીબ અરવિંદકુમાર કાંતિલાલ પંચાલ ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બન્યા છે.
તેઓનુ એસબીઆઈ બેન્કમાં સેવિંગ ખાતું છે અને આ બેંકનું ક્રેડિટ કાર્ડ પણ છે. ગત પહેલી ડીસેમ્બરના રોજ બેંકનું ક્રેડિટ કાર્ડ પર્સનલ લોન પૂરી થતાં જે બાબતે અરવિંદકુમારે બેંકમાં જાણ કરી હતી. આ બાદ 11મી ડીસેમ્બરના રોજ બપોરના સુમારે તેઓ પોતાના ઘરે હાજર હતા. ત્યારે અજાણ્યા નંબર પરથી તેમના નંબર પર ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ હિન્દી ભાષામાં પોતાની ઓળખ રોહિત શર્મા એસબીઆઇ બેન્કમાંથી બોલું છું તેમ કહી હતી. વધુમાં આ અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું કે, તમારુ એસબીઆઈ બેન્કનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાનું છે.
જેથી અરવિંદકુમારે આ ફોન સાચે જ બેન્કમાંથી આવ્યો હોવાનું માની પોતાના એકાઉન્ટની ડીટેલ્સ તથા ક્રેડિટ કાર્ડનો 16 આંકડાનો નંબર અને સી વી એસ નંબર ઉપરાંત જન્મ તારીખ આપી દીધેલ હતી. જે બાદ વારાફરતી એમ 4 વખત ઓટીપી આવતા તેઓએ આ ઓટીપી આપતાં ગણતરીની સમયમાં જ ચાર જુદા જુદા ટ્રાન્જેક્શનનો તેમના ખાતામાંથી થયા હતા. કુલ રૂપિયા 1 લાખ 5 હજાર 368 રૂપિયા ઉપડી ગયા હતા અને આ તમામ નાણાંનો વ્યવહાર પણ ઓનલાઈન શોપિંગ એપમાં વાપરી દીધા હતા.
આથી અરવિંદકુમાર પંચાલને પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડીનો અહેસાસ થતાં આજે સમગ્ર મામલે તેઓએ કપડવન ટાઉનમાં અજાણ્યા ફોન ધારક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેમની ફરિયાદના આધારે આઇપીસી 417 અને 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. મહત્વનું છે કે, ગઠીયાએ આ નિવૃત્ત વેટનરી તબીબ એસબીઆઈ બેંકનું એકાઉન્ટ ધરાવે છે તે જાણકારી તથા તેમનો મોબાઈલ નંબર કઈ રીતે મેળવ્યો અને આ ડેટા કોણ લીક કરે છે. વગેરે જેવી બાબતો પર પોલીસ તપાસ હાથ ધરે તેવી માંગ પ્રબળ બની છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.