૩૦૦૦ સૈનિકોની પાકિસ્તાની બ્રિગેડ સામે CRPF ના ૧૫૦ જેટલા જવાનોએ મોરચો સંભાળ્યો હતો, પાકિસ્તાનના ૩૪ સૈનિકો માર્યા ગયા હતા અને ૪ જીવતા પકડાયા હતા
૯ એપ્રિલ: CRPF શૌર્ય દિવસ- સરદાર પોસ્ટની રક્ષા કાજે લડનારા CRPFના વીર શહીદોને શ્રદ્ધાંજલિ
(જી.એન.એસ) તા. 8
ભારતીય સુરક્ષા દળોના અદમ્ય સાહસ, શૌર્ય અને બલિદાનને સમર્પિત “શૌર્ય દિવસ” દર વર્ષે ૯ એપ્રિલના રોજ સમગ્ર દેશમાં ગર્વભેર મનાવવામાં આવે છે. આ દિવસ એ ઐતિહાસિક ઘટનાની યાદ અપાવે છે જ્યારે ૯ એપ્રિલ, ૧૯૬૫ના રોજ ગુજરાતના કચ્છના રણમાં આવેલી સરદાર પોસ્ટ પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સી.આર.પી.એફ.)ની એક નાની ટુકડીએ પાકિસ્તાની સેનાની આખી બ્રિગેડ સામે અપ્રતિમ બહાદુરીનો પરચો આપ્યો હતો.
૧૯૬૫ની શરૂઆતમાં કચ્છના રણમાં સરહદી વિવાદ વકર્યો હતો. પાકિસ્તાને ભારતીય વિસ્તાર પર કબ્જો જમાવવા “ઓપરેશન ડેઝર્ટ હોક” શરૂ કર્યું હતું. આ અંતર્ગત, ૯ એપ્રિલ ૧૯૬૫ના રોજ વહેલી સવારે ૩:૩૦ વાગ્યે, પાકિસ્તાની સેનાની લગભગ ૩૦૦૦ સૈનિકો ધરાવતી એક ઇન્ફન્ટ્રી બ્રિગેડે સરદાર પોસ્ટ પર હુમલો કર્યો. સરદાર પોસ્ટની સુરક્ષાની જવાબદારી સી.આર.પી.એફ.ની બીજી બટાલિયનની ‘ડી’ કંપનીના આશરે ૧૫૦ જવાનો સંભાળી રહ્યા હતા.
સૈન્ય ઇતિહાસમાં આ એક વિરલ યુદ્ધ હતું, જ્યાં એક દેશની ફુલ ફ્લેજ આર્મી સામે બીજા દેશના સશસ્ત્ર પોલીસ દળે મોરચો માંડ્યો હતો. સંખ્યાબળ અને શસ્ત્રસરંજામમાં ખૂબ જ ઓછા હોવા છતાં, સી.આર.પી.એફ.ના ૧૫૦ જેટલા જવાનોએ માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરવાની તૈયારી સાથે દુશ્મનોનો મક્કમતાથી સામનો કર્યો. આ ભીષણ લડાઈ ૧૨ કલાક સુધી ચાલી. ભારતીય જવાનોની અદમ્ય હિંમત અને રણનીતિ સામે પાકિસ્તાની સેના ટકી શકી નહીં અને તેમને પીછેહઠ કરવાની ફરજ પડી.
આ યુદ્ધમાં સી.આર.પી.એફ.ના જવાનોએ પાકિસ્તાનના ૩૪ સૈનિકોને ઠાર માર્યા હતા અને ૪ સૈનિકોને જીવતા પકડ્યા હતા. જોકે, માતૃભૂમિની રક્ષા કરતાં સી.આર.પી.એફ.ના ૭ વીર જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી અને શહીદ થયા, જ્યારે અન્ય કેટલાક જવાનો ઘાયલ થયા હતા.
સરદાર પોસ્ટ ખાતે સૈન્ય સંઘર્ષ પછી થોડા જ મહિનામાં પંજાબ– કશ્મીર સરહદે ભારત પાકિસ્તાન વચ્ચે સપ્ટેમ્બર ૧૯૬૫માં ભીષણ યુદ્ધ લડાયું હતું.
સરદાર પોસ્ટની લડાઈ ભારતીય સુરક્ષા દળોની વીરતા, પ્રતિબદ્ધતા અને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. તે દર્શાવે છે કે વિષમ પરિસ્થિતિઓમાં પણ ભારતીય જવાનોનું મનોબળ કેટલું ઉંચુ હોય છે. આ શહીદોના બલિદાનને યાદ કરવા અને તેમના શૌર્યને બિરદાવવા માટે દર વર્ષે ૯ એપ્રિલને શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ સુરક્ષા દળોના જવાનોને તેમની ફરજ પ્રત્યે વધુ પ્રતિબદ્ધ બનાવે છે અને દેશના નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાડે છે.
આ ગૌરવશાળી પરંપરાને જાળવી રાખતા, આવતીકાલે, તારીખ ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ, ગાંધીનગર ખાતે શૌર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સી.આર.પી.એફ.ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી દીપક કુમાર, આઈ.પી.એસ., ડી.જી. (પ્રશિક્ષણ) સી.આર.પી.એફ.; શ્રી રવિદીપ સિંહ સાહી, ડી.ડી.જી. દક્ષિણી અંચલ; શ્રી વીરેન્દ્ર અગ્રવાલ, મહાનિરીક્ષક, પશ્ચિમી સેક્ટર, સી.આર.પી.એફ. નવી મુંબઈના નેતૃત્વમાં શ્રી ધમેન્દ્ર સિંહ વિસેન, ડી.આઈ.જી. ગ્રુપ સેન્ટર, સી.આર.પી.એફ. ગાંધીનગર અને અન્ય અધિકારી સહિતની ટુકડી સરદાર પોસ્ટની મુલાકાત લેશે અને વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના બલિદાનને યાદ કરશે.
આ શૌર્ય દિવસ આપણા વીર જવાનોના અપ્રતિમ સાહસ અને બલિદાનને ક્યારેય ન ભૂલવાની અને રાષ્ટ્ર માટે હંમેશા સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.