(જી.એન.એસ),તા. 25
જમ્મુ-કાશ્મીર,
જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં છેલ્લા 2 દિવસથી ચાલી રહેલું સર્ચ ઓપરેશન હવે પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર કર્યો હતો. આ એન્કાઉન્ટર દ્વારા એક નવી વાત સામે આવી છે કે, પાકિસ્તાની સેના માટે બનાવેલા ચાઈનીઝ ટેલિકોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટનો ઉપયોગ હવે ભારતમાં આતંકી ગતિવિધિઓ કરવા માટે થઈ રહ્યો છે. સેનાને ઉરી એન્કાઉન્ટરમાં સર્ચ ઓપરેશન દરમિયાન ચીની ટેલિકોમ્યુનિકેશન સાધનો પણ મળ્યા છે. પાકિસ્તાની સેના માટે બનાવેલા ચાઈનીઝ ટેલિકોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં રહેલા પાક પ્રેરિત આતંકવાદીઓના હાથમાં પહોંચી ગયા છે. કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં, ઉચ્ચ એનક્રિપ્ટેડ ચીની ટેલિકોમ ગિયર “અલ્ટ્રા સેટ” મળ્યો છે, જે પાકિસ્તાની સેના દ્વારા ઉપયોગમાં લેવાતું સાધન છે, તેને જપ્ત કરવામાં આવ્યું છે. ઓપરેશન બજરંગના નામે સૈન્ય-સુરક્ષા એજન્સીએ હાથ ધરેલા એક ઓપરેશનમાં, એક આતંકવાદી માર્યો ગયો હતો. જેની ઓળખ બાગના રહેવાસી રફીક પાસવાલ તરીકે થઈ છે. મૃતક આતંકીની ઝડતી દરમિયાન તેની પાસેથી એક AK-47 રાઈફલ મળી આવી હતી. તેની સાથે એક ચાઈનીઝ પિસ્તોલ પણ મળી આવી છે. આ સિવાય ઘણી ગોળીઓ પણ મળી આવી છે. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી પાકિસ્તાની અને ભારતીય રૂપિયા પણ મળી આવ્યા છે. તેની પાસેથી એક રેડિયો સેટ પણ મળી આવ્યો હતો. તેમજ આતંકવાદી પાસેથી ડ્રાય ફૂડના કેટલાક પેકેટ પણ મળી આવ્યા હતા. જેમા બદામ, કાજુ, ખજૂર અને સુકુ નારિયેળ હતું. ડ્રાયફુટના જે પેકેટ હતા તે દરેક પેકેટનું વજન 500 ગ્રામ હતું. પાકિસ્તાનનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે. આ પહેલા, ગઈકાલે રવિવારે ઉરી સેક્ટરમાં એલઓસી નજીક સુરક્ષા દળો દ્વારા ઘૂસણખોરી વિરોધી ઓપરેશન દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઉરી સેક્ટરમાં શનિવારે (22 જૂન) ના રોજ શરૂ કરાયેલી ઘૂસણખોરી વિરોધી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો છે. હાલમાં પણ આ અભિયાન ચાલુ છે.” સુરક્ષા દળોએ બે દિવસ પહેલા શનિવારે, નિયંત્રણ રેખા નજીક બે લોકોની શંકાસ્પદ ગતિવિધિઓ જોયા બાદ ઉરીના ગોહલ્લાન વિસ્તારમાં ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કેટલાક કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.