PM મોદી દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે
(જી.એન.એસ),તા.૧૦
દ્વારકા,
ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે ફેરીબોટની મદદથી જવું પડે છે, પરંતુ હવે ₹ 978 કરોડના ખર્ચે આ ‘સિગ્નેચર બ્રીજ’ બનીને તૈયાર થઈ ગયો છે. ઓખાથી બેટદ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઈના આ સિગ્નેચર બ્રિજનું નિર્માણ કાર્ય પૂરુ થઈ ગયું છે. ત્યારે PM મોદી દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. દ્વારકામાં તારીખ 24-25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી જગતમંદિરે દર્શન કરી રાત્રિરોકાણ કરશે. આ માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અરબી સમુદ્ર પર બનેલો આ પુલ ખુલ્લો મુકવાથી લોકો દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકાશે. જેના માટે દરિયાઇ બાર્જ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઊભાં કરવામાં આવ્યાં છે.
માર્ચ 2018 થી આ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. હવે આ બ્રિજ ઓપનિંગ માટે તૈયાર છે. 25 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી બેટ દ્વારકાના સીગ્નેચર બ્રિજને ખુલ્લો મુકશે. તેઓ 24 ફેબ્રુઆરીએ રાત્રિએ જ દ્વારકામાં આગમન કરશે. PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિગ્નેચર બ્રિજના ઉદઘાટન સાથે દ્વારકા શહેરને એક નવો સીમાચિહ્ન મળશે. બ્રીજની લંબાઇ 2320 મીટર રહેશે, જેમા 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ છે. ઓખા અને બેટ દ્વારકા બન્ને બાજુ થઇ 2452 મીટર એપ્રોચ રોડ બનાવાયા છે.
બ્રિજના મુખ્ય ગાળાની લંબાઇ 500 મીટર છે જે ભારત દેશમા સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવાયા છે. બ્રીજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે. આ બ્રિજ સંપૂર્ણ રીતે કૃષ્ણભક્તિ પર સમર્પિત કરવામાં આવ્યો છે. બ્રિજ પર ગીતાના શ્લોકો લખેલા પથ્થરના શિલાલેખો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેના દ્વારા દ્વારકાની મુલાકાતે આવતા લોકો અને પ્રવાસીઓ ગીતા સાથે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો વિશે જાણી શકશે. જેને હિન્દીની સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. સિગ્નેચર બ્રિજના થાંભલાઓ પર મોરના પીંછા કોતરવામાં આવ્યા છે.
એટલું જ નહીં દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ કૃષ્ણ ભક્તિમાં તરબોળ જોવા મળશે. આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે. ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલથી 1 મેગાવોટ વિજળી નું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રીજ પરની લાઇટીંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે. બ્રીજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુ ગેલેરીનું આયોજન કરવામાં આવેલ છે. બ્રીજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરવામાં આવશે તેવી વ્યવસ્થા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.