ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ માટે ફરજિયાત નોંધણીના નવા નિયમનો અમલ શરૂ
ટ્રમ્પે સીબીપી-વન હેઠળ અમેરિકા આવેલા 6,000 જીવિત વસાહતીઓને ‘મૃત’ જાહેર કરી સોશિયલ સિક્યોરિટી નંબર રદ કર્યો
(જી.એન.એસ)તા 13
વોશિંગ્ટન,
બીજીવાર અમેરિકા ની સત્તા સંભાળ્યા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં ઈમિગ્રન્ટ્સ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમજ તેઓ સતત દેશનિકાલ સહિતના પગલાંની લટકતી તલવારના ભય હેઠળ જીવી રહ્યા છે. ટ્રમ્પે સત્તા પર આવતા જ ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી કાઢવાનું સૌથી મોટું અભિયાન ચલાવ્યું હતું. હવે ટ્રમ્પ સરકારે એચ૧-બી વિઝા અને ગ્રીનકાર્ડ સહિત કાયદેસર રીતે અમેરિકામાં રહેતા વસાહતીઓને ૨૪ કલાક આઈડી પ્રૂફ સાથે રાખવાનું ફરમાન કર્યું છે. આ સાથે સરકારે ૬,૦૦૦ જીવિત ઈમિગ્રન્ટ્સને મૃત જાહેર કરી દીધા છે, જેને પગલે તેમના પર સેલ્ફ ડીપોર્ટેશનનું દબાણ વધી ગયું છે.
અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટીના તિવ્ર વિરોધ વચ્ચે ટ્રમ્પ સરકારને ફેડરલ કોર્ટે રાહત આપી છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા દરેક વ્યક્તિએ સરકારમાં નોંધણી કરાવવી પડશે અને ૨૪ કલાક દસ્તાવેજો સાથે રાખવા પડશે તેવા ટ્રમ્પ સરકારના નિયમને ફેડરલ કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટના આદેશના પગલે હવે ટ્રમ્પ સરકારે જાહેરાત કરી છે કે માત્ર ગેરકાયદે વસાહતીઓ જ નહીં એચ૧-બી વિઝા, સ્ટુડન્ટ વિઝા કે ગ્રીન કાર્ડ સહિત કોઈપણ કાયદાકીય દરજ્જાથી અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ્સે તેમના કાયદાકીય દરજ્જાનો પુરાવો ૨૪ કલાક સાથે રાખવો પડશે.
ટ્રમ્પ સરકારે ૨૫ ફેબુ્રઆરીએ જાહેરાત કરી હતી કે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ માટે ફેડરલ સરકારમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. જે લોકો જાતે નોંધણી નહીં કરાવે તેમણે દંડ અથવા સજાનો સામનો કરવો પડશે. નોંધણી નહીં કરાવવાના દંડ માનવામાં આવશે. આ નિયમનો શુક્રવારથી અમલ શરૂ થઈ ગયો છે.
‘પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ અગેઈન્સ્ટ ઈન્વેશન’ના ટ્રમ્પના એક્ઝિક્યુટિવ આદેશના ભાગરૂપે ટ્રમ્પ સરકારનો નવો નિયમ ૧૧ એપ્રિલથી લાગુ થઈ ગયો છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા લાખો ઈમિગ્રન્ટ્સ પર તવાઈનું અમેરિકન પ્રમુખનું આ વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ધ એલિયન રજિસ્ટ્રેશન રિક્વાયરમેન્ટ (એઆરઆર)ના મૂળ ૧૯૪૦ના એલિયન રજિસ્ટ્રેશન એક્ટમાં છે. ૧૯૪૦ના આ કાયદામાં પણ અમેરિકામાં રહેતા દરેક ઈમિગ્રન્ટ્સ એટલે કે અમેરિકન નાગરિક ના હોય તેવા લોકો માટે નોંધણી કરાવવી ફરજિયાત હતી, પરંતુ તેનો કડકાઈથી અમલ કરાયો નહોતો. જોકે, હવે ટ્રમ્પ સરકારમાં નવા નિયમનો ખૂબ જ કડકાઈથી અમલ કરાશે.
એચ૧-બી અથવા સ્ટુડન્ટ સહિત કાયદેસરના વિઝા તેમજ ગ્રીન કાર્ડ ધરાવતા લોકોને નોંધણી કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, તેમણે તેમના દસ્તાવેજો ૨૪ કલાક સાથે રાખવા પડશે. ટ્રમ્પ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકાના નાગરિક ના હોય તેવા ૧૮ વર્ષથી વધુ વયના બધા જ લોકોએ તેમના દસ્તાવેજો હરહંમેશ સાથે રાખવા પડશે. તેમની પાસે યોગ્ય દસ્તાવેજો નહીં હોય તો તેમની સામે દેશનિકાલ સહિતની આકરી કાર્યવાહી થઈ શકે છે.
દરમિયાન ટ્રમ્પ સરકારે ૬,૦૦૦ જીવિત ઈમિગ્રન્ટ્સને ‘મૃત’ જાહેર કરી દીધા છે અને તેમના સામાજિક સુરક્ષા નંબર રદ કરી દીધા છે. પરિણામે હવે આવા લોકો માટે અમેરિકામાં કામ કરવું, સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મેળવવો અશક્ય થઈ જશે. તેમના માટે બેન્ક ખાતું ખોલાવવું પણ મુશ્કેલ બની જશે. સરકાર ઈચ્છે છે કે આ વસાહતીઓ એટલા હેરાન થઈ જાય કે તેઓ જાતે જ અમેરિકા છોડીને પોતાના દેશ પાછા ફરી જાય.
હકીકતમાં પૂર્વ પ્રમુખ જો બાઈડેનના સીબીપી-વન કાર્યક્રમ હેઠળ આ વસાહતીઓને અસ્થાયીરૂપે અમેરિકામાં પ્રવેશ કરવા અને કામ કરવાની મંજૂરી અપાઈ હતી. તેમને સામાજિક સુરક્ષા નંબર અપાયા હતા. પરંતુ હવે ટ્રમ્પ સરકારે આ નંબર રદ કરી દેતાં તેઓ બેન્કમાં ખાતુ ખોલાવવા, સ્વાસ્થ્ય સેવાઓનો લાભ લેવા સહિત અન્ય મૂળભૂત સેવાઓનો ઉપયોગ નહીં કરી શકે. ટ્રમ્પ સરકારના આ પગલાંને ઈમિગ્રન્ટ્સ પર લગામ નાંખવાની યોજનાના ભાગરૂપે જોવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.