Home ગુજરાત એક્ઝીટ પોલમાં ભાજપને ઝટકો.., રાજ્યમાં કોંગ્રેસની સત્તાના એંધાણ…!

એક્ઝીટ પોલમાં ભાજપને ઝટકો.., રાજ્યમાં કોંગ્રેસની સત્તાના એંધાણ…!

74589
0

ગુજરાતના લઘુ અને મધ્યમ અખબારો(S&MNP) અને ગુજરાતી ન્યુઝ સર્વિસ (GNS)નો સર્વે
(જી.એન.એસ.)ગાંધીનગર, તા.14

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મતદાન પ્રક્રીયા હવે પુર્ણ થઇ છે ત્યારે ગુજરાતના લઘુ અને મધ્યમ અખબારો(S&MNP) અને ગુજરાતી ન્યુઝ સર્વિસ (GNS) દ્વારા એક સર્વે કરી એક એક્ઝીટ પોલ તૈયાર કરવામાં આવ્યો છે. જે રાજ્યના જીલ્લા સ્તરના અખબારોના તંત્રીશ્રીઓ તેમજ મતદાન સમયે ફીલ્ડમાં રીપોર્ટીંગ કરતા પત્રકારો દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણના આધારે તૈયાર કરાયો છે.
S&MNP અને GNSના આ એક્ઝીટ પોલના આ સર્વેક્ષણમાં ૨૨ વર્ષથી શાસનની ધૂરા સંભાળી રહેલી ભારતીય જનતા પાર્ટીને ભારે ઝાટકો લાગવાની શક્યતા છે. જ્યારે જીએનએસ અને ગુજરાતના નાના તેમજ મધ્યમ કક્ષાના સમાચારપત્રો દ્વારા કરવામાં આવેલા એક્ઝીટ પોલમાં કોંગ્રેસ સત્તાથી વધુ નિકટ જતું જણાઇ રહ્યું છે. જે ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચિંતાજનક સમાચાર છે. S&MNP અને GNSના સંયુક્ત એક્ઝીટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપા ૨૨ વર્ષ પછી સત્તા ગુમાવી શકે છે, કોંગ્રેસને ૪૭ જ્યારે ભાજપાને ૪૧ ટકા અને અન્યોના ખાતામાં ૧૨ ટકા મત જવાનું અનુમાન છે.
આ સરવે અનુસાર ૧૮૨ સભ્યો ધરાવતી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને કુલ 94 થી 98 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે ભાજપાના ખાતે 78 થી 84 બેઠકો જતી જણાઇ રહી છે. અન્યોના ખાતે ૪ થી ૬ બેઠકો જવાની શક્યતા છે. સરેરાશ જોતાં કોંગ્રેસને લગભગ ૯૫, ભાજપાને ૮૨ અને અન્યોને ૫ બેઠકો મળતી જણાય છે. આમ કોંગ્રેસ નજીવી સરસાઇથી ગુજરાતમાં સરકાર બનાવતી જણાઇ રહી છે.
આ સરવે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સુધારથી ગુજરાતના વેપારી ખુશ નથી. સરવેમાં જણાવવામાં આવ્યું છે કે જીએસટી અને નોટબંધીને કારણે ગુજરાતના વેપારીઓ નારાજ છે અને મોટા ભાગના વેપારીઓ કોંગ્રેસની તરફેણમાં ચાલ્યા ગયા છે. જીએસટીના દરોમાં કરવામાં આવેલા બદલાવથી પણ વેપારીઓ ખુશ નથી. આ ચૂંટણીમાં ભાજપા તરફી મતદાન કરનારા વેપારીઓની સંખ્યામાં ત્રણ થી પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે આ મામલે કોંગ્રેસને ચાર ટકાનો લાભ મળતો દેખાઇ રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 182 સીટો પર યોજાઇ હતી અને આ ચૂંટણીમાં જેડીયુથી છુટા પડી અલગ પાર્ટીના નામે ચુંટણી લડનાર છોટુભાઇ વસાવાને બે સીટ મળવાની આશા હોવાનું આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે બે એનસીપી અને બે અપક્ષને મળવાનું પણ દર્શાવવામાં આવ્યું છે.
S&MNP અને GNSના એક્ઝીટ પોલમાં મળેલા તારણ અનુસાર પ્રથમ ચરણના પાટીદાર સમાજના પ્રભુત્વ વાળા સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ સુરત સહિતના દ.ગુજરાતમાં પાટીદાર આંદોલના કન્વીનર હાર્દિક પટેલે પોતાની સભાઓ દ્વારા કરેલા ભાજપ વિરોધી પ્રચારની અસર જોવા મળી હતી જેને કારણે ભાજપને 89માંથી 42 સીટ જ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે બીજા ચરણની 93 સીટમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર જેવા શહેરી વિસ્તારોમાં પણ ભાજપને નોંધપાત્ર નુકશાન પહોંચવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જેને કારણે અહીં પણ 93 માંથી 43 સીટોથી જ ભાજપે સંતોષ માનવો પડે તેવી સ્થિતી છે. આ સર્વેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 57 ટકાથી વધુ મતદારોમાં સરકાર વિરોધી અસર જોવા મળી હતી. એક્ઝીટ પોલમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે, આ વખતની ચૂંટણમાં ભાજપના વિકાસ નારાની અસર પણ ખાસ જોવા મળી નહીં. માત્ર 15 ટકા મતદારોમાં તેમની પોઝેટીવ અસર જોવા મળી હતી છે.
બીજી તરફ સેક્સ સીડી જાહેર થયા બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલની તેના સમાજમાં લોકપ્રિયતામાં ઘટાડો થવાના બદલે વઘારો નોંધાયો હતો. જે ભાજપ માટે બાઉન્સબેલ સાબિત થયું હતું.
સવર્ણો સમાજ પણ મહદઅંશે ભાજપથી નારાજ હોઇ મોટાભાગના સવર્ણો મતદાનથી અળગા રહ્યા હોવોનું અનુંમાન છે જેને કારણે પણ ભાજપના મતોમાં ગાબડું પડ્યું છે. આ વખતે ભાજપનો હિન્દુત્વનો મુદ્દો પણ ચાલ્યો ન હતો જેને કારણે આદિવાસી મતદારોનો ઝુકાવ કોંગ્રેસની તરફેણમાં જણાઇ રહ્યો છે. ભાજપા કરતાં ૧૮ ટકા વધુ આદિવાસી મતબેંક પણ કોંગ્રેસ તરફી જણાઇ રહી છે. દલિત મતબેંક પણ કોંગ્રેસની તરફેણમાં હોવાનું જણાઇ રહ્યું છે. ભાજપા કરતાં ૧૮ ટકા વધુ દલિત મતબેંક કોંગ્રેસની તરફેણમાં જતી જણાઇ રહી છે. જોકે કોંગ્રેસનો પરંપરાગત કોળી સમાજ આ વખતે ભાજપા તરફી હોવાનું જણાઇ રહ્યું છે.
હાર્દિક પટેલના આંદોલનના કારણે 5 ટકાથી પાટીદાર સમાજ કોંગ્રેસ તરફી સરકી જતો જણાઇ રહ્યો છે. આ ઉપરાંત વેપારી વર્ગમાં પણ 44 ટકાથી વધુ કોંગ્રેસની તરફેણમાં જ્યારે 36 ટકાએ જ ભાજપ તરફી મતદાન કર્યાનું અનુંમાન છે.
અમે આપને જણાવીએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન તા. ૯ ડિસેમ્બરના રોજ થયું હતું. જ્યારે બીજા અને આખરી તબક્કામાં તા. ૧૪ ડિસેમ્બરના રોજ મતદાન કરવામાં આવ્યું. તા. ૧૮ ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની સાથે-સાથે ગુજરાત ચૂંટણીના પરિણામો જાહેર થશે. એવામાં તમામ રાજનૈતિક પક્ષોએ ચૂંટણીમાં વિજય મેળવવા માટે પોતપોતાની ક્ષમતા મુજબ શક્તિ અજમાવી હતી. આ ચૂંટણી ભાજપા માટે જાણે આબરૂની લડત બની છે કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાંથી જ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અલબત્ત, આ બંનેય નેતાઓની ઝંઝાવાતી મુલાકાતો અને ચૂંટણી સભાઓ ગુજરાતમાં યોજાઇ હતી. બીજી તરફ, કોંગ્રેસના નવ-નિર્વાચિત અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ નવા જોશ અને અંદાજમાં ગુજરાતીઓને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી છે.
૧૮૨ સભ્યો ધરાવતી ગુજરાત વિધાનસભાની આ ચૌદમી ચૂંટણી છે. વર્તમાનમાં ૧૧૫ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પક્ષ ગુજરાત વિધાનસભામાં સૌથી મોટો પક્ષ છે. બીજા નંબરે કોંગ્રેસ આવે છે, પરંતુ થોડા દિવસોથી તેના અનેક વિધાયકો કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાઇ ગયા હતા. તેમ છતાં છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં કોંગ્રેસની બેઠકોમાં વૃદ્ધિ નોંધાઇ છે, જ્યારે ભાજપાની બેઠકોમાં ઘટાડો આવતો ગયો છે. આ વખતની ચૂંટણીની એક ખાસિયત એ પણ રહી છે કે ચૂંટણી પંચ દ્વારા પહેલી વાર તમામ બૂથો પર વીવીપીએટી સાથે જોડાયેલા ઇવીએમ મશીનોના ઉપયોગથી ચૂંટણી કરાવવામાં આવી છે. ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપાની સરકાર છે. એક્ઝીટ પોલના સર્વેક્ષણમાં આ વખતે ભાજપા સત્તાથી દૂર જતી જણાઇ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચૂંટણી આગાહી કરનારા સટ્રા બજાર સહિત ધુરંધરો ચુપ કેમ થઇ ગયા?
Next articleમાત્ર ૪૮ કલાકમાં જ S&MNP-GNS એક્ઝીટ પોલ એક લાખથી વધુ હીટ સાથે અગ્રેસર