મહાશક્તિનો મહાપર્વ નવરાત્રિ પર્વ હાલ ચાલી રહ્યો છે. નવરાત્રિ પર્વમાં આઠમનું વિશેષ મહત્વ રહ્યું છે અને સુરતમાં નવરાત્રિ પર્વની આઠમની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આઠમના દિવસે ઉમિયાધામ મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી. મંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. કોરોનાની મહામારીને લઈને છેલ્લા બે વર્ષથી ધાર્મિક તહેવારોની ઉજવણી થઈ શકી નહોતી. પરંતુ આ વર્ષે ધૂમધામપૂર્વક નવરાત્રિ ઉજવાઈ રહી છે. ત્યારે સુરતના ઉમિયાધામ મંદિર ખાતે 40 હજાર જેટલા દીવડાઓની મહાઆરતીથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.
આઠમના નોરતે સવારથી જ તમામ માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મંદિરો ‘જય માતાજી’ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. તમામ મંદિરોમાં આઠમને લઈને મહાપૂજા, મહાઆરતી સહિતના આયોજનો કરાયા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરમાં પણ મહાઆરતી કરવામાં આવી હતી. દર વર્ષે અહીં અતિ ભવ્યથી ભવ્ય મહાઆરતી કરવામાં આવે છે. હજારો લોકો અહીં આવે છે અને મહાઆરતીનો લાભ લે છે. કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે ફરી એ જ ઉત્સાહ સાથે મહાઆરતી થઈ હતી.
જેમાં એકસાથે 40 હજાર લોકોએ દીવડા સાથે મા અંબાની મહાઆરતી કરી હતી. ગત વર્ષે કોરોનાની મહામારીને લઈને સાદાઈથી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે ભવ્યાતિભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. એકસાથે 40 હજાર દીવડાઓની મહાઆરતી શરૂ થતાં અહીં અદભુત નજારો જોવા મળ્યો હતો. દીવડાઓની રોશનીથી મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું હતું. એકસાથે લોકોએ માતાજીની આરતી ઉતારી હતી. હાલમાં અહીં નવરાત્રિ પર્વને લઈને અદભુત લાઈટિંગ પણ કરવામાં આવ્યું હતું.
જેને લઈને અહીં આહલાદક નજારો જોવા મળ્યો હતો. ઉમિયાધામ મંદિરની મહાઆરતી ખૂબ જ લોકપ્રિય અને એક આકર્ષણનું માધ્યમ બને છે. આ આરતીનો લાભ લેવા દૂરથી લોકો આવે છે. શહેરના મહાનુભાવો આવતા હોય છે. આ વર્ષની આરતી માટે સુરતના સાંસદ દર્શના જરદોશ, સ્થાનિક ધારાસભ્યો, સુરતના મેયર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત જુદા જુદા સમાજના આગેવાનો અને દૂર દૂરથી ઉમિયાધામ મંદિરની મહાઆરતીનો લાભ લેવા શહેરીજનો અગાઉથી જ રજિસ્ટ્રેશન કરાવી દે છે.
એક અંદાજ મુજબ અહીં 40 હજાર જેટલા લોકો આ મહાઆરતી કરે છે. મા અંબાની મહાઆરતી શરૂ થતાની સાથે જ મંદિર પરિસર અને ગ્રાઉન્ડની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. જેથી મંદિર પરિસર માત્ર દીવડાઓથી ઝગમગી ઊઠ્યું હતું. આકાશમાં તારાઓ ટમટમતા હોય તેમ મા અંબાની આરતી માટે 40 હજાર જેટલા દીવડાઓ સાથે મંદિર પરિસર જગમગી ઊઠ્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.