ઉનાના નવાબંદર ગામે રહેતી યુવતી સાથે માથાભારે શખસ છેલ્લા એક વર્ષથી સતત છેડતી અને પજવણી કરતો હોવાની ઘટના સામે આવી છે. આ માથાભારે શખસે યુવતીની એક સગાઇ તોડાવી નાંખી. યુવતીની બીજી સગાઈ થઈ તો તેના ફિયાન્સને પણ હેરાન કરે છે. માથાભારે તત્વોની રંજાડથી નવાબંદરનો આ પરિવાર પરેશાન છે. આ શખસો યુવતીના મંગેતરને વારંવાર ધમકી આપે છે કે જાે તે સગાઈ નહીં તોડે તો યુવતીના ફોટા વાયરલ કરશે અને સાથે ખોટા મેસેજ પણ લખશે. આ શખસો યુવતી સાથે બિભત્સ વર્તન કર્યા કરતા હતા.
કંટાળી ગયેલા પરિવારે પોલીસનું શરણું લીધું પણ મરીન પોલીસે કોઈ પગલાં લીધા નહીં. પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ સાથે ગામના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગામના સરપંચ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગામના લોકો નવાબંદર મરીન પોલીસ સ્ટેશને ધસી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરીને યુવતીને ન્યાય આપવાની માંગણી કરી હતી. પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતાં પોલીસે આખરે પજવણી કરનાર શખસો વિરૂધ્ધ છેડતી અને ધાકધમકીની ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, નવાબંદર ગામના માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારની યુવતીને ગામમાં રહેતા નયન દાના બાંભણીયા તેમજ નાંદણ ગામે રહેતો નરેશ વિરા ચૌહાણ નામના શખસો યુવતીને પરેશાન કર્યા કરતા હતા. તે જ્યારે કામ માટે ઘરની બહાર જતી હોય ત્યારે અવાર નવાર તેનો પીછો કરી સીટી મારી બિભત્સ શબ્દો બોલીને છેડતી કરતા હતા. યુવતીની જ્યારે સગાઈ થઈ તો તેના મંગેતરને પણ મોબાઇલ પર ફોટા તેમજ ખોટા મેસેજ કરીને સગાઇ તોડી નાખવાનું કહેતા અને મારી નાંખવાની ધમકી આપતા.
આ ભયના કારણે યુવકે સગાઈ તોડી નાંખી હતી. આ અંગે યુવતીના પિતાએ એકાદ વર્ષ પહેલાં જુનાગઢ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જેમાં આરોપી નયન દાના બાંભણીયાની ધરપકડ પણ થઈ હતી. ત્યારપછી પણ સતત આરોપીઓએ યુવતી અને તેના પરિવારને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. એક સગાઈ તૂટ્યા બાદ યુવતીની બીજી સગાઇ બે માસ પહેલાં તડ ગામના યુવક સાથે થઈ હતી.
આ વાત નયન અને નરેશ નામના શખસોને થતાં બંનેએ મળીને રાત્રીના યુવકના ઘરે જઈ ‘તું સગાઇ તોડી નાખ નહીંતર જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી. આ વાત યુવકના પરિવારજનોને થતાં યુવતીના ઘરે આવી સમગ્ર વાત જણાવી અને સંબંધ તોડી નાખવાની વાત કરી હતી. જેથી કંટાળેલા યુવતીના પરિવારે સમાજના આગેવાનો, ગામના સરપંચ અને ગામના આગેવાનોને વાત કરતાં મોટી સંખ્યામાં ગ્રામજનો મરીન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો હતો.
પોલીસે આખરે આ આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખી યુવતી અને તેના પરિવારની વ્યથા સાંભળી તાત્કાલીક યુવતીની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે યુવતીને ન્યાય આપવા ગામના આગેવાનો અને યુવતીના પરિવારને આશ્વાસન આપતાં મામલો શાંત પડ્યો હતો. આ બાબતે નાયબ કલેક્ટરને પણ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી આવેદનપત્ર આપ્યુ હતું. પોલીસે બંને માથાભારે શખસોની શોધખોળ શરૂ કરી છે.
મારી દીકરી પર અને અમારા બધા પર આ માથાભારે શખસો વારંવાર ત્રાસ ગુજારે છે. પોતાની દીકરીની વારંવાર સગાઇ તોડાવી નાખવા ખોટા મેસેજ અને દીકરીના મંગેતરોને ધાકધમકી આપી પરેશાન કરે છે. પોલીસમાં વારંવાર ધક્કા ખાવા છતાં ન્યાય મળ્યો નથી અને હજુ જાે ન્યાય નહીં મળે તો મારે આખા પરિવાર સાથે જિંદગીનો અંત લાવવા મજબૂર બનવું પડશે. આ બે માથાભારે શખસો વારંવાર પજવણી કરી સગાઇ તોડાવી નાખે છે.
આ શખસોના કારણે મારે મારો અભ્યાસ છોડવા મજબૂર બનવુ પડ્યું હતું. આ શખસો ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ પ્રમુખના ભાણેજ થાય છે અને તેઓની રાજકીયવગ હોવાથી અમને ન્યાય મળતો નથી. આ ઘટના સાથે મારે કોઇ લેવા દેવા નથી અને આરોપી મારા કોઇ સગાં-સંબંધી થતા નથી. મને રાજકીય રીતે આ ઘટના સાથે સાંકળીને બદનામ કરવા વિરોધીઓ કાવતરૂં રચી રહ્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.