Home ગુજરાત ગાંધીનગર ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ અને પરગણા મહાસંઘ ટ્રસ્ટના ઉપક્રમે ગાંધીનગરમાં “વણકર...

ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ અને પરગણા મહાસંઘ ટ્રસ્ટના ઉપક્રમે ગાંધીનગરમાં “વણકર ભવન”નો ભૂમિપૂજન સમારોહ સંપન્ન

29
0

સમાજના અનુદાન થકી ૧૨ કરોડના ખર્ચે સાકાર થશે “વણકર ભવન”

પૂર્વ મંત્રી ડૉ. શ્રી કરસનદાસ સોનેરી,સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી, પૂર્વ મંત્રીઓ સર્વશ્રી રમણલાલ વોરા, કાન્તિભાઈ સોલંકી, પ્રદીપભાઈ પરમાર, ગિરીશભાઈ પરમાર, ઈશ્વરભાઈ મકવાણા,  પૂર્વ સાંસદો સર્વશ્રી શંભુપ્રસાદ ટૂંડિયા અને રતિલાલ વર્મા, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્યો સર્વશ્રી  હિતુભાઈ કનોડિયા, મણિલાલ વાઘેલા, વણકર મહાસંઘના પેટ્રન કુસુમબેન ચૌહાણ, ગાંધીનગર મેયર શ્રી હિતેશ મકવાણા, અમદાવાદ પૂર્વ મેયર કિરીટ પરમાર, વણકર મહાસંઘ પ્રમુખ શ્રી અમૃતભાઈ પરમાર, મહામંત્રી શ્રી હરગોવિન્દભાઈ સોલંકી સહિત સરકારી નિવૃત્ત અને પ્રવૃત્ત અધિકારીઓ, સમાજ આગેવાનો અને વિશાળ સંખ્યાના વણકર સમાજની ઉપસ્થિતિ

(જી.એન.એસ),તા.૨૫

ગાંધીનગર,

ગુજરાત રાજ્યની અનુસૂચિત જાતિઓમાં બહુલતા ધરાવતા વણકર સમાજ દ્વારા આજે ગાંધીનગર સેક્ટર ૧૧ના વિશાળ રામકથા મેદાન ખાતે, કેવળ વણકર સમાજના યોગદાનથી રૂપિયા બાર કરોડના ખર્ચે સાકાર થનાર “વણકર ભવન”નો ભૂમિપૂજન સમારોહ ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેથી વિરાટ સંખ્યામાં ઉમટી પડેલા વણકર સમાજની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો.

પૂર્વ સમાજ કલ્યાણ મંત્રી શ્રી ડૉ. કરસનદાસ સોનેરી અને પૂર્વ ક્લેક્ટર સ્વ. કે. કે. ચૌહાણ જેના સ્વપ્નદ્રષ્ટાઓ રહ્યા છે તે ગાંધીનગરના કુડાસણ મુકામે સાકાર થઈ રહેલા “વણકર ભવન”ની  ભૂમિપૂજનવિધિ શ્રી ડૉ. કરસનદાસ સોનેરી અને સ્વ. ચૌહાણના ધર્મપત્ની કુસુમબેન ચૌહાણના વરદહસ્તે મહાનુભાવોની અને સમાજના આગેવાનો – ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સવારે સંપન્ન થયા પછી તેનો ભૂમિપૂજન સમારોહ રામકથા મેદાન ખાતે યોજાયો હતો.

મહંતશ્રી લાલદાસ બાપુ (જોધલપીર ધામ-કેસરડી), મહંતશ્રી તુલસીદાસજી (સંત કબીર આશ્રમ-સુરત), મહંતશ્રી વીરેશ્વરબાપુ (જગ્યા તલોદ)ની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી.

એક સમયે મોટેભાગે કાપડ વણવાના-વણાટકામ સાથે જોડાયેલા સ્વાશ્રયી વણકર  સમાજ દ્વારા નિર્મિત થનારા “વણકર ભવન”નો ઉદ્દેશ વણકર સમાજની એકતા, અખંડિતતા, પ્રતિષ્ઠા અને અસ્મિતા જાળવવાની સાથે સમાજના સામાજિક, આર્થિક અને રચનાત્મક ઉત્થાનનો છે. ગુજરાત રાજ્યના વણકર પરગણાના ૪૦૦ જેટલા ગામોમાં ૩૨૦૦ કિ.મી.ની “વણકર ગૌરવ યાત્રા”ને મળેલા વ્યાપક આવકાર અને યાત્રા દરમિયાન મળેલા સહકાર-અનુદાન બાદ”વણકર ભવન”ના વિચારને મૂર્તિમંત કરવામાં આવ્યો છે.

પ્રારંભે સંઘના મહામંત્રી શ્રી હરગોવિન્દભાઈ સોલંકીએ ઉપસ્થિત મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કરી સંમેલનની ભૂમિકા રજુ કરી હતી જ્યારે વણકર મહાસંઘના પ્રમુખ ડો. અમૃત પરમારે “વણકર ભવન”ને સાકાર કરવા પાછલા વર્ષોમાં સૌ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, દાતાઓ અને સમગ્ર વણકર સમાજે કરેલ તનતોડ પ્રયાસોની માહિતી આપી, ભવન માટે ઉદાર હાથે દાન કરવા અપીલ કરી હતી.”વણકર ભવન” માટે રૂપિયા ૫૧ લાખ, ૧૫ લાખ, ૧૧ લાખ, ૫ લાખ અને ૧ લાખની માતબર રકમના દાન કરનારા ૧૦૦ જેટલા દાતાઓનું મહાનુભાવો દ્વારા તાળીઓના ગડગડાટ વચ્ચે સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રારંભે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ સમગ્ર વણકર સમાજના આદ્ય સંત વીર મેઘમાયા અને યુગપુરૂષ-ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીરોને પુષ્પાર્પણ કરી, દીપ પ્રાકટ્યથી સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો.

સમારોહના અધ્યક્ષ, “વણકર ભવન” ના સ્વપ્નદષ્ટા, વણકર મહાસંઘના ચીફ પેટ્રન અને પૂર્વ મંત્રીશ્રી કરસનદાસ સોનેરીએ તેમના લાગણીસભર પ્રવચનમાં જણાવ્યું હતું કે, બાર કરોડના ખર્ચે સાત માળના બનનાર આ ભવન, તેની સમાજલક્ષી – શિક્ષણલક્ષી – વિકાસલક્ષી  પ્રવૃતિ સાથે સમાજની ઉન્નતિ માટે એક સીમાચિન્હ બની રહેશે.

પ્રાસંગિક વક્તવ્યમાં ગુજરાત વિધાનસભા પૂર્વ અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ આજના સમારોહમાં સમાજની ઘોડાપુર સમી ઉપસ્થિતિનો આનંદ વ્યક્ત કરી, પ્રત્યેક સમાજને સંગઠિત થઈ ઉત્કર્ષ સાધવાનો અધિકાર છે, એમ જણાવી, વણકર સમાજને સુસંસ્કૃત અને સર્વગુણસંપન્ન સમાજ તરીકે ઓળખાવ્યો હતો, જ્યારે સંસદ સભ્યશ્રી ડો.કિરીટભાઈ સોલંકીએ માનવ સમાજને વસ્ત્રની ભેટ ધરનાર વણકર સમાજની ગરિમા અને ગૌરવના ઓવારણા લઈ, એકતા સાધી સમાજના ઉત્થાન માટે કટિબદ્ધ થવા વણકર સમાજને અપીલ કરી હતી.

પૂર્વ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે પોતાના પ્રવચનમાં વિદેશોમાં વસી રહેલા વણકર સમાજ દ્વારા પણ ભવનને અનુદાન અપાઈ રહ્યું છે તેની સહર્ષ નોંધ લઈ, ‘એક વણકર-શ્રેષ્ઠ વણકર’ની ભાવનાને બળવત્તર બનાવવા અનુરોધ કર્યો હતો, જ્યારે પૂર્વ ધારાસભ્ય અને ફિલ્મ અદાકાર હિતુ કનોડિયાએ ભવનને સહયોગ આપવા પોતાનો જાહેર કાર્યક્રમ વિનામૂલ્યે કરવાની તૈયારી દર્શાવી હતી. આ તકે પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણાએ આજની વણકર ન્યાતગંગામાં પોતે ઉપસ્થિત રહી શક્યા એને પોતાનું સદભાગ્ય ગણ્યું હતું.

ગાંધીનગરમાં યોજાયેલા આ સમગ્ર ભૂમિપૂજન સમારોહની સ્થાનિક તમામ જવાબદારી પૂર્વ પ્રાદેશિક  નગરપાલિકા નિયામક શ્રી ડૉ .ડી .ડી. કાપડિયાએ જુસ્સાભેર નિભાવી હતી જ્યારે સમારોહના વિશાળ મંડપની સેવાઓ શ્રી પ્રદીપભાઈ લેઉઆએ આપેલ હતી.

સમગ્ર સમારોહનું સુંદર સંચાલન પૂર્વ સમાજકલ્યાણ અધિકારી પ્રવીણ શ્રીમાળી અને આકાશવાણીના સમાચારવાચક મિતાલી પટેલે, પૂર્વ સમાજકલ્યાણ અધિકારી શ્રી વસંત જાદવના સંકલનમાં કર્યું હતું.

સમારોહમાં પ્રાચી સાલ્વીએ ગણેશવંદના અને મૈત્રી સક્સેનાએ પ્રાર્થના રજૂ કરી હતી.

પ્રસિદ્ધ લોકગાયક બાબુલ બારોટે સમારોહ દરમિયાન લોકગીતો અને લોકસંગીતની રસલ્હાણ વહાવી હતી.

કાર્યક્મમાં સુચારૂ મિડિયા વ્યવસ્થા સર્વશ્રી સર્વશ્રી નટુભાઈ પરમાર, ધીરૂ કોટવાલ, ભરત ચૌહાણ, શૈલેષ ચૌહાણ અને ભરત દેવમણીએ સંભાળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંત શિરોમણી, વર્તમાનના વર્ધમાન, પરમ પૂજ્ય આચાર્ય શ્રી ૧૦૮ વિદ્યાસાગરજી મહા મુનિરાજને વિનયાંજલી કાર્યક્રમ યોજાયો
Next articleપૌરાણિક કૃષ્ણ નગરી દ્વારકામાં સંસ્કૃતિ અને સમૃદ્ધિનો સુભગ સમન્વય