Home ગુજરાત ઉંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે કાપડની બેગ વેન્ડીંગ મશીનમાં મુખ્યમંત્રીશ્રીએ પાંચ રૂપિયાનો...

ઉંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે કાપડની બેગ વેન્ડીંગ મશીનમાં મુખ્યમંત્રીશ્રીએ પાંચ રૂપિયાનો સિક્કો નાંખી કાપડની થેલી મેળવી મશીનનું ઉદ્ઘાટન કર્યું

19
0

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર તથા ઇસ્કોન મંદિરમાં આવા ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો કાર્યરત છે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વધુ એક પર્યાવરણ હિતલક્ષી પહેલ

(જી.એન.એસ)તા.11

ઊંઝા,

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વધુ એક પર્યાવરણ હિતલક્ષી પહેલ શરૂ કરાવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મા ઉમિયા સંસ્થાન દ્વારા આયોજિત ધજા મહોત્સવ પ્રારંભ અને દાતાઓના સન્માન અવસર માટે ઉંઝાની મુલાકાતે હતા. તે દરમિયાન તેમણે ઉમિયા માતાજી મંદિર ખાતે કાપડની બેગ વેન્ડીંગ મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાંખી કાપડની થેલી મેળવીને આ મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે અનોખી પહેલ શરૂ થઈ છે. આ પહેલના ભાગરૂપે, રાજ્યના મહત્વના ધાર્મિક સ્થળો પર પ્લાસ્ટિકની થેલીના ઉપયોગ વિકલ્પરૂપે પર્યાવરણ અનુકૂળ કાપડની થેલીના પ્રસાદ માટે અનોખા વેન્ડીંગ મશીન મૂકવામાં આવ્યા છે. અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર, તથા ઇસ્કોન મંદિર જેવા મહત્વના ધાર્મિક સ્થળો પર આવા મશીનો મૂકવામાં આવ્યા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. આ મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો QR કોડ સ્કેન કરીને થેલી મેળવી શકાય છે. મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો તરફથી આ મશીનોના માધ્યમથી કાપડની થેલીના ઉપયોગને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 5 હજારથી વધુ થેલીઓનું વિતરણ થયું છે. આ મશીનમાં 5 રૂપિયાનો સીક્કો નાખી ઓટોમેટિક મશીન દ્વારા દર્શનાર્થીઓને ખૂબ જ ઓછા ભાવે કાપડની થેલી પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આગામી સમયમાં બોર્ડ દ્વારા આ પ્રકારના વધુ મશીન સમગ્ર રાજ્યમાં મૂકવાનું પણ આયોજન છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ માટે ઓટોમેટિક રિવર્સ વેન્ડીંગ મશીન પણ મૂકાયા – નાગરિકોને ગુડ જેસ્ચરના ભાગરૂપે મળે છે ઇન્સેન્ટિવ કૂપન

પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે એ વાત સૌ કોઈ જાણે છે. લોકો દ્વારા પાણી પીધા બાદ આ પાણીની પ્લાસ્ટિકની બોટલોને જ્યાં ત્યાં ફેંકીને નિકાલ કરવામાં આવે છે, એના કારણે પ્લાસ્ટિકના કચરાની સમસ્યાઓ ઉદભવે છે. આ સમસ્યાનો હલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉદ્યોગોના સહકારથી રાજ્યના સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, ભરૂચ તથા સુરત ખાતે ઉધના રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિકની બોટલના રિવર્સ વેન્ડીંગ મશીન એટલે કે સ્થળ પર જ બોટલનું ક્રશિંગ થઈ શકે છે તથા તેનો સીધો ફાયદો નાગરિકને મળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરીને કર્યો છે.

નાગરિકો પ્લાસ્ટિકની બોટલ આ વેન્ડિંગ મશીનની અંદર નાંખે કે તુર્ત જ તે બોટલને મશીન દ્વારા ક્રશ કરવામાં આવે છે તથા જે-તે નાગરિકને એક રૂપિયાની કૂપન મશીન દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે કે નાગરિકોને તેમની આ સારી વર્તણૂક બદલ પ્રોત્સાહક કૂપન મળે છે. આ કૂપનનો નજીકની દુકાન ખાતે કોઈપણ વસ્તુની ખરીદી કિંમતમાં લાભ મેળવી શકે છે. આ તમામ મશીનો ગત વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે પાંચમી જૂને કાર્યરત કરવામાં આવ્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે છેલ્લા બે માસમાં આ પ્રકારની 9500 જેટલી બોટલોનું ક્રશિંગ કરાયું છે.

પ્લાસ્ટિક મુક્ત ભારત માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ સામે સરકારના પ્રયાસો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2019માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી દેશવાસીને સંબોધન કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત 2021માં ભારત સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવા અંગે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમોમાં સુધારા કર્યા છે. આ સુધારા અંતર્ગત પ્લાસ્ટિક કેરી બેગની જાડાઈ 2021થી 50 માઈક્રોનથી વધારીને 75 માઈક્રોન અને 31મી ડિસેમ્બર, 2022થી 120 માઈક્રોન કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાયદા સાથે સંપર્ક- સંઘર્ષમાં આવતા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ :- સામાજિક ન્યાય-અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા
Next articleસલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’ પાસેથી દરેકને ઘણી અપેક્ષાઓ