ઈન્ડોનેશિયામાં રામાયણ અને મહાભારતના પ્રભાવમાં ભાઈચારો, સ્નેહ, એકતા અને શાંતિ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી
ઈન્ડોનેશિયાના ભારત ખાતેના મહાવાણિજ્ય દ્દૂત-કોન્સ્યુલ જનરલ શ્રી આગુસ પી. સાપ્તોનો રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. ગુજરાત અને ભારત સાથેના ઈન્ડોનેશિયાના સંબંધો વધુ પ્રગાઢ બનાવવામાં સાપ્તોનોના પ્રયાસોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બિરદાવ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંસ્કૃતિમાં ઘણી સામ્યતા છે. ઇન્ડોનેશિયામાં રામાયણ અને મહાભારતનો પ્રભાવ વિશેષ છે અને એટલે જ ત્યાં ભાઈચારો, સ્નેહ, એકતા અને શાંતિ છે. તેમણે એમ પણ કહ્યું કે, ઈન્ડોનેશિયાના બે વિદ્યાર્થીઓ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પર પી.એચ.ડી. કરી રહ્યા છે, એ આનંદ અને પ્રસન્નતાનો વિષય છે. આવનારા સમયમાં પણ ગુજરાત અને ભારત સાથેના ઈન્ડોનેશિયાના સંબંધો નવી ઊંચાઈઓ હાંસલ કરે એવી શુભેચ્છાઓ તેમણે વ્યક્ત કરી હતી.
ઈન્ડોનેશિયાના કોન્સ્યુલ જનરલ આગુસ પી. સાપ્તોનોએ કહ્યું હતું કે, તેમના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારત-ઇન્ડોનેશિયા વચ્ચેનો આર્થિક કારોબાર 19 બિલિયન ડોલરથી વધીને 28 બિલિયન ડોલર થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહકાર અને પ્રોત્સાહનથી આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચે 50 બિલિયન ડોલરના આર્થિક કારોબારનો લક્ષ્યાંક છે. ગુજરાત પાસેથી ટેક્ષટાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, મગફળી અને મીઠાના ક્ષેત્રોમાં ઇન્ડોનેશિયા આયાત કરે છે. આ સંદર્ભે ગુજરાતની કંપનીઓ અને કલ્ચર સાથે ઘનિષ્ઠ જોડાણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઇન્ડોનેશિયાની ચલણી નોટ પર પણ ભગવાન ગણેશજી અંકિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત G20 નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે તેને ઇન્ડોનેશિયાનું સમર્થન છે. ભારતના અધ્યક્ષપદમાં G20 સફળતાના નવા શિખરો સર કરશે એમ તેમણે કહ્યું હતું. આગુસ પી. સાપ્તોનો એ રાજ્યપાલશ્રીને ઇન્ડોનેશિયન આર્ટમાં મહાભારતના નકુલ અને સહદેવની પ્રતિકૃતિ અર્પણ કરી હતી. રાજ્યપાલશ્રીએ વડનગરના કીર્તિ તોરણની પ્રતિકૃતિથી તેમનું અભિવાદન કર્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.