Home ગુજરાત આવી દેશવિરોધી માનસિક્તા….? માહિતી ખાતાએ દેશના 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસનો એકડો જ...

આવી દેશવિરોધી માનસિક્તા….? માહિતી ખાતાએ દેશના 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસનો એકડો જ કાઢી નાંખ્યો…!

503
0

– સરકારી ડાયરીમાં રજાઓની યાદીમાં 26 જાન્યુઆરીની રજાનો કોઇ ઉલ્લેખ જ નહીં….!
– રાષ્ટ્રવાદી ભાજપ સરકારના સરકારી ખાતાના દસ્તાવેજમાં પ્રજાસત્તાક દિનનું નામ જ નહીં..?
– માહિતી ખાતા કોઇ ફળદ્રુપ ભેજાએ રૂપાણી સરકારનું પાણી માપી લીધુ કે શું…?
– રાષ્ટ્રીય તહેવાર રવિવારે આવતો હોય તો પણ રજાની યાદીમાં તેનો ઉલ્લેખ અનિવાર્ય છતાં યાદીમાં નામ જ નથી..!
– આ ભાજપ સરકારનું અપમાન છે કે 26મીથી અમલમાં આવેલા બંધારણના ઘડવૈયાનું ઘોર અપમાન છે…?
(જી.એન.એસ,પ્રવિણ ઘમંડે),તા.૨૫
26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે ગુજરાતમાં સતત 13 વર્ષ શાસન કર્યું એ ગુજરાતના અફલાતૂન માહિતી ખાતાએ 26 જાન્યુઆરી ગણતંત્ર દિનનો એકડો જ કાઢી નાંખ્યો હોય માહિતી ખાતા દ્વારા પ્રકાશિત- 2020 વર્ષની ડાયરીમાં રજાઓની યાદીમાં 26 જાન્યુઆરીની રજાનો તો ઠીક પણ 26 જાન્યુઆરીનો જ કોઇ ઉલ્લેખ નથી….! ડાયરીમાં જાહેર રજાઓ-2020ની યાદીમાં મકરસંક્રાંતિની 14 જાન્યુઆરીની જાહેર સરકારી રજા બાદ સીધી મહાશિવરાત્રિની 21 ફેબ્રુઆરીની રજાનો ઉલ્લેખ છે. પણ 14મીની ઉતરાયણની રજા બાદ 26 જાન્યુઆરીનું નામ સુધ્ધા નથી…! જો કે આ અંગે ખાતા દ્વારા એવો બચાવ થઇ શકે કે 26મીએ રવિવાર હોવાથી અને રવિવાર જાહેર રજા હોવાથી ઉલ્લેખ કરાયો નથી. પરંતુ ભલે રવિવાર આવતો હોય તો પણ સરકારી જાહેર રજાની યાદીમાં ભારતના પ્રજાસત્તાક દિનનો ઉલ્લેખ જ નહીં તેને એક ગંભીર ભૂલ અને મોટા છબરડા સમાન માનવામાં આવી રહ્યું છે. આવી ભૂલ કોણે કરી તેની તપાસ થશે કે કેમ…? કે પછી કોઇ નીચલા કર્મચારીને બલિનો બકરો બનાવી દેવામાં આવશે…?
સૂત્રોએ માહિતા ખાતાની આ ગંભીર બેદરકારી અંગે જમાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા માહિતી ખાતાને કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. વિવિધ પ્રકાશનો પૈકી તેમાંથી દર વર્ષે એક જ પ્રકારની એક જ સાઇઝની ડાયરી અને કેલેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવે છે. વર્ષ 2020ની બહાર પાડેલી ડાયરીમાં સરકારી રજાઓની યાદીમાં ફરજિયાત અને મરજિયાત એમ બે યાદીઓ આપવામાં આવી છે. જેમાં બન્ને યાદીમાં 26 જાન્યુઆરી ગણતંત્ર દિન કે પ્રજાસત્તાક દિવસનો કોઇ ઉલ્લેખસુધ્ધા નથી. આમ કેમ…?
આ અંગે એવી ચર્ચા છે કે આ વખતે 26મીની રજા રવિવારે આવી છે તેથી યાદીમાં તેનો સમાવેશ કરાયો નથી. સૂત્રોએ માહિતી ખાતાના આ બચાવને વખોડીને કહ્યું કે કોઇ વાર-તહેવારની રજા રવિવારે જાહેર રજાના દિવસે આવતી હોય તો પણ તેમ છતાં રજાની યાદીમાં તેનો ઉલ્લેખ તો કરાતો આવ્યો છે. જેથી ડાયરી જોનારને એ પણ ખબર પડે કે 26મી રજા રવિવારે છે. પરંતુ 2020-ડાયરીમાં 14મીની મકરસંક્રાંતિની રજા બાદ 26 જાન્યુઆરીની રજાનો કોઇ સમાવેશ જ કરાયો નથી. સમાવેશ કેમ ના કરાયો અથવા તો 26મી જાન્યુ.નો દિવસ પાકિસ્તાનનો છે એમ માનીને માહિતી ખાતાના ક્યા ફળદ્રુપ ભેજાએ જાહેર રજાઓની યાદીમાંથી 26 જાન્યુ. પ્રજાસત્તાક દિનની બાદબાકી કરી નાંખી…? તે હવે ભાજપના આગેવાનોએ શોધી કાઢવુ જોઇએ.
સામાન્ય શિરસ્તો એવો હોય છે કે જાહેર રજાઓ રવિવારે આવતી હોય તો પણ યાદીમાં તેનો સમાવેશ અને ઉલ્લેખ અવશ્ય કરાતો હોય છે અને એ પરંપરાનો અમલ કરાતો આવ્યો છે. માહિતી ખાતાએ જે ગંભીર છબરડો કે લોચો માર્યો છે તે સંભવતઃ કદાજ પહેલીવાર બન્યુ હશે. માહિતી ખાતાના કોઇ વળી એવી જુની ડાયરી બતાવે કે જેમાં રવિવારે કોઇ રજા આવતી હશે તો તેનો પણ સમાવેશ કરાયો નથી એમ કહીને બચાવ કરે. પરંતુ સરકારના આ વિભાગને એટલી તો ખબર છે જ કે પ્રજાસત્તાક દિનનું શું મહત્વ છે…! આ વખતે 26મીની પરેડમાં ગુજરાતનો ટેબ્લો માહિતી ખાતા દ્વારા જ તૈયાર કરાયો હશે. પરંતુ જાહેર રજાની યાદીમાંથી પ્રજાસત્તાક દિનનો “પ્ર” પણ ન લખવો તે કોઇનું ઇરાદાપૂર્વકનું કામ હોય તો તે નિર્ણય લેનાર રાષ્ટ્રવાદી ભાજપનો વિરોધી હોઇ શકે.
ભારતના બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950ના રોજથી થયો હોવાથી અને તે દિવસથી આઝાદ ભારત પ્રજાસત્તાક બન્યું તેની યાદમાં, તેના માનમાં 26મીની ઉજવણી રંગચંગે દેશભરમાં થાય છે અને સરકારમાં જાહેર રજા હોય છે. પરંતુ ગુજરાતના માહિતી ખાતાએ બંધારણની વિરૂધ્ધમાં જઇને સરકારી દસ્તાવેજ સમાન સરકારી ડાયરીમાંથી જ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનનું નામ સામેલ નહીં કરીને કે જાણે- અજાણે સામેલ નહીં કરીને પોતાની ભાજપ વિરોધી અને બંધારણ વિરોધી માનસિક્તા પણ દર્શાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. માહિતી ખાતાંમાં આવા જે કોઇ ભાજપ વિરોધી કે જેમને પ્રજાસત્તાક દિવસ ગમતો ના હોય તેમને ભાજપ સરકારે દરવાજો બતાવી દેવો જોઇએ. કેમ કે આ અપકૃત્ય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબનું પણ ઘોર અપમાન સમાન છે. ભાજપ સરકારમાં સરકારની સત્તાવાર ડાયરીમાં ભારતના રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિનનો ઉમેરો જ ન કરે એ કેવું…? શું માહિતી ખાતાનો આ પહેલો છબરડો છે કે આવા છબરડાની હારમાળા શરૂ થવામાં છે…?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅધિકારીઓના નામે રૂપાણીની સામે ભાજપના ધારાસભ્યોનો ખુલ્લો બળવો…?
Next articleભરૂચના આંગણે આવતીકાલે રૂડો અવસરઃ 24 અગ્રણીઓનું “ભરૂચ રત્ન”થી સન્માન કરાશે