ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને આવશ્યક સેવાકર્મીઓના પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધાના સુચારું આયોજન અંગે બેઠક યોજાઇ
(જી.એન.એસ),તા.૨૨
ગાંધીનગર,
ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાનના દિવસે આવશ્યક સત્તાવાર ફરજોને કારણે મતદાન કરી શકે તેમ ન હોય તેવા મતદારો (Absentee Voters on Essential Service(AVES) માટે પોસ્ટલ બેલેટથી આગોતરું મતદાન કરવા માટેની સુવિધા આપવામાં આવી છે. આ સુવિધાને વધુ સુર્દઢ અને ચોક્કસ બનાવવાના ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને આવી આવશ્યક સેવા સાથે સંકળાયેલા સેવાકર્મીઓના નોડલ ઓફિસર્સ એવા જિલ્લાના અધિકારીઓની ખાસ બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ જણાવ્યું હતું કે, Each Vote Counts. લોકશાહીમાં દરેક મત મહત્વનો છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને સર્વસમાવેશી બનાવવાના ભાગરૂપે સમાજના તમામ વર્ગો સુગમપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા વીજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલવે, દૂરદર્શન, ઑલ ઈન્ડિયા રેડિયો, ગુજરાતના આરોગ્ય વિભાગ, ઉડ્ડયન, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણીના દિવસે કવરેજ માટે સતત સેવારત એવા ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સની સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉમેર્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી આવશ્યક સેવાઓની શ્રેણીમાં આવતા કર્મચારીઓ કે જેઓ મતદાર યાદીમાં નોંધાયેલા છે અને જેમને મતદાનના દિવસે તેમની આવી આવશ્યક સત્તાવાર ફરજોને કારણે ફરજ પર હોવાનું પ્રમાણિત કરવામાં આવશે અને મતદાનના દિવસે તેઓ મતદાન માટે મતદાન મથકમાં હાજર રહી શકશે નહીં ફકત તેવા જ મતદારો આવશ્યક સેવા શ્રેણીમાં ગેરહાજર મતદારો તરીકે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે પાત્ર બનશે.
આ અંગે પોસ્ટલ બેલેટના નોડલ અધિકારી શ્રી એન.ડી. પરમારે જણાવ્યું હતું કે, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા ઈચ્છતા ગેરહાજર મતદારે તમામ જરૂરી વિગતો આપીને ફોર્મ-12Dમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે. તેમની અરજી સંબંધિત સંસ્થા દ્વારા નિયુક્ત નોડલ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલી હોવી જરૂરી છે. પોસ્ટલ બેલેટની સુવિધા માંગતી આવી અરજી સંબંધિત ચૂંટણીની જાહેરાતની તારીખથી ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી પાંચ દિવસમાં ચૂંટણી અધિકારી સુધી પહોંચાડવી જોઈશે.
ચૂંટણી અધિકારી આવા મતદારોને પોસ્ટલ બેલેટ પેપર આપવા અને મતદાન કરવા માટે પોસ્ટલ વોટિંગ સેન્ટર (PVC) તરીકે યોગ્ય સ્થળ નકકી કરશે. આવશ્યક સેવાઓની કક્ષા માટે અરજી કરનાર લાયક તમામ વ્યક્તિઓને પોસ્ટલ વોટિંગ સેન્ટર (PVC)નું સંપૂર્ણ સરનામું, મતદાનની આગોતરી તારીખો અને સમયની જાણ કરવામાં આવશે. જ્યાં ફોર્મ-12D માં મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો મોબાઇલ નંબર ઉપર અને અન્ય કિસ્સામાં પોસ્ટ અને/અથવા BLO દ્વારા આ અંગેની જાણ કરવામાં આવશે.
આવા મતદારોને નિર્ધારિત કરેલા ત્રણ દિવસ પૈકી કોઈપણ દિવસે નિર્ધારિત કલાકો દરમિયાન મત આપવા આવી શકશે. તેઓએ તેમની સાથે પોતાનું ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની મંજૂરી આપવામાં આવી છે, તેઓ નિર્ધારિત કરેલા પોસ્ટલ વોટિંગ સેન્ટર (PVC) પર જ મતદાન કરી શકશે, અન્ય કોઈ રીતે મતદાન કરી શકશે નહીં.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.