(જી.એન.એસ) તા. 6
અમદાવાદ/સુરત/જામનગર,
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આજે બુધવારે સમગ્ર રાજ્યમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકાઓ મેઘો કહેર બનીને ત્રાટક્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ખાબક્યો છે. ખેરગામ તાલુકામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો ધરમપુર અને વલસાડ તાલુકામાં 7-7 ઈંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, નવસારીની અંબિકા નદીમાં વરસાદના પાણીથી ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે.
7 ઓગસ્ટના બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ભરૂચ, સુરત, ડાંગ અને તાપી સહિતના જિલ્લાઓમાં મેઘરાજા ધમરોળે તેવી શક્યતા છે.
8 ઓગસ્ટના ગુરુવારના દિવસે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા,આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદની માહોલ જામ્યો છે. વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ બંને જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા છે. ભારે વરસાદના પગલે રાજ્યના અનેક રસ્તાઓ બંધ કરાયા છે. 6 સ્ટેટ હાઇવે અને પંચાયત હસ્તકના 318 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યના 9 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં આવેલા 98 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાંઆવ્યા છે. જ્યારે નવસારી જિલ્લામાં 101 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.