આણંદ સરકીટ હાઉસ ખાતે સાંસદ મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી હતી. સાંસદ મિતેષભાઇ પટેલે સરકારના તમામ યોજનાકીય લાભો જરૂરિયાતમંદોને સમયસર મળે તેમજ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નિર્ધારીત લક્ષ્યાંકો સમય મર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થવાની સાથે કોઇપણ સાચો લાભાર્થી સરકારની વિવિધ યોજનાકીય લાભોથી વંચિત રહેવા ન પામે અને આવા યોજનાકીય લાભો મેળવવામાં સાચા લાભાર્થીઓને કોઇ તકલીફ ન પડે તે જોવાનો પણ સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. સાંસદ મિતેષભાઇ પટેલે કેન્દ્ર અને રાજય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડી જે કોઇ કામો બાકી રહ્યા હોય તેવા કામો ઝડપથી ચાલુ થાય અને ચાલુ કામો ઝડપથી પૂરા થાય તે જોવા સુચવ્યું હતું.
આ ઉપરાંત સાંસદે આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામેલ ગામોમાં તમામ પ્રકારના લાભો પહોંચતા થાય તે જોવા સંબંધિત અધિકારીઓને જણાવ્યુ હતું. આ બેઠકમાં સાંસદ મિતેષભાઇ પટેલે કેન્દ્ર -રાજય સરકાર પુરસ્કૃત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલી એવી વિવિધ 42 પ્રકારની યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનેરગા, મિશન મંગલમ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્યા યોજના, પ્રધાનમંત્રી કૃષિ યોજના, નેશનલ હેલ્થી મિશન,બેટી બચાવો – બેટી પઢાઓ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજનાઓની ડીસેમ્બર-2022 સુધીની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જિલ્લામાં કરવામાં આવેલ કામગીરી પ્રતિ સંતોષ વ્યકત કરી ટેન્ડરીંગની પ્રક્રિયા પણ સમયસર પૂરી થાય તે જોવા પર ભાર મૂકયો હતો.
આ ઉપરાંત સાંસદે આણંદ જિલ્લાના વિકાસને વેગવંતો બનાવવા માટે જિલ્લામાં હાથ ધરવામાં આવી રહેલ અને હાથ ધરવામાં આવનાર કામો સહિત આગામી સમયમાં જિલ્લામાં હાથ ધરવા પાત્ર કામો જેવાં કે,માર્ગોના,પાણી-પુરવઠાના,શાળાના ઓરડાઓના, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા વિગેરે જેવી વિવિધ બાબતોને આવરી લઇને વિગતવાર ચર્ચા કરી હતી. કેન્દ્ર-રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો નાગરિકોને મળી રહે તે માટે પદાધિકારીઓને પણ યોજનાકીય જાણકારી મેળવી નાગરિકો સુધી પહોંચાડવાનું સૂચન કરી લાભાર્થીઓને જયારે સરકાર મદદ પૂરી પાડી રહી છે ત્યારે જરૂરિયાતમંદ વ્યકિતને તેનો લાભ મળે તે યોજનાકીય લાભો અંત્યોદય સુધી પહોંચતા થાય તે જોવા ઉપર ભાર મૂકયો હતો.
મહત્વનું છે કે આ બેઠક દરમ્યાન સાંસદે ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલ રચનાત્મક સૂચનો પ્રતિ અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરી રચનાત્મક સૂચનોનું અમલીકરણ થાય તે જોવા સુચવ્યું હતું.બેઠક દરમિયાન બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક રમણભાઇ સોલંકી, ધારાસભ્યો સર્વ યોગેશભાઇ પટેલ, ચિરાગભાઇ પટેલ અને કમલેશભાઇ પટેલ દ્વારા પણ આણંદ જિલ્લાના વિકાસ માટે રચનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં કલેકટર ડી.એસ.ગઢવીએ રચનાત્મક સૂચનો કરી સાંસદ અને ધારાસભ્યો દ્વારા સુચવવામાં આવેલ સૂચનોને ધ્યાપને લઇ સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે જોવા જણાવ્યું હતું.
બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી.દેસાઇએ સૌને આવકારી વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી.આ બેઠકમાં જિલ્લામ પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સહિત તમામ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.