(જી.એન.એસ) તા.૨
આણંદ,
આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે ગુજરાત વિધાનસભાના ૨૦૨૪-૨૫ના બજેટ સત્રમાં જાહેરાત કરવામાં આવી હતી. ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કર્યા બાદ વારંવાર મનપાના અમલીકરણ અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં નવા વર્ષની શરૂઆતમાં જ આણંદવાસીઓને ભેંટ મળી હતી અને નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા ગમે તે સમયે ગેઝેટ બહાર પાડશે. આણંદ મનપાનો વિસ્તાર ૮૫ સ્ક્વેર કિલોમીટર નક્કી કરાયો છે. મહાનગરપાલિકા બનાવવા માટે ૩ લાખથી વધુની વસ્તી જરૂરી હોય છે. તેવામાં આણંદ પાલિકા વિસ્તાર સાથે વિદ્યાનગર અને કરમસદનો મનપામાં સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવતા સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલના વતન કરમસદ અને શિક્ષણ નગરી વિદ્યાનગરની આગવી ઓળખ જળવાઈ રહે તે હેતુથી મનપામાં સમાવેશ ન કરવાની માંગ સાથે અગાઉ સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. તેમજ નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં વિદ્યાનગર અને કરમસદ પાલિકાનું નવું સીમાંકન જાહેર કરાયું હતું. પરિણામે બંનેનો મનપામાં સમાવેશ નહીં થાય તેવી શક્યતાઓ પ્રબળ બની હતી. વિદ્યાનગર અને કરમસદના સમાવેશ અંગેના અસમંજસનો અંત આવ્યો હતો અને બંનેની આણંદ મનપામાં સમાવેશની મંજૂરી આપવામાં આવી છે. તે સાથે જ મોગરી, જીટોડિયા, લાંભવેલ અને ગામડીનો પણ મનપામાં સમાવેશ કરાશે. મહાનગરપાલિકાનો વહીવટ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ થાય છે. આણંદ મનપાના અમલીકરણની જાહેરાત થતાં જ આણંદ શહેર અને સમાવિષ્ટ ગામડામાંથી નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો આપમેળે સભ્યપદેથી રદ થઈ જશે. મનપામાં પ્રમુખના બદલે મેયરની ચૂંટણી થશે, જ્યારે ચીફ ઓફિસરના બદલે કમિશનરની નિમણૂંક કરવામાં આવશે. નગરપાલિકાનું માળખું રદ થયા બાદ નવેસરથી વોર્ડની રચના કર્યા પછી મનપાની નવી ચૂંટણીઓ યોજવામાં આવશે. સરકાર દ્વારા આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે આણંદના જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાની નિમણૂંક કરી છે. કમિશનરના તાબા હેઠળ ટેકનિકલ મહેકમ હોય છે. જેથી ગટર, પાણી, રસ્તાની સુવિધા સમયસર અને આયોજનબદ્ધ રીતે ઉપ્લબ્ધ કરાવવા સાથે વહીવટમાં સુસંગતતા આવશે. તેની સાથે જ શહેરીજનો સહિત મનપામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં કરવેરાનુંભારણ વધશે. આણંદ મનપામાં ૨૦ ટકાથી વધુ કરવેરો વધશે તેમ જાણવા મળ્યું છે. આણંદ મનપાના અમલીકરણની જાહેરાત થતાં જ પાલિકા કચેરીમાં દોડધામ મચી હતી. નગરપાલિકાની વિવિધ કમિટિ, પાલિકા પ્રમુખની ઓફિસ બહાર લગાવેલા નામ અને હોદ્દાના બોર્ડ તેમજ આણંદ નગરપાલિકાનું મુખ્ય બોર્ડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ચેમ્બરો પણ ખાલી કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગુરૂવારે ચીફ ઓફિસરની બદલી કરાશે. તેમજ પાલિકાની ભાજપની ચૂંટાયેલી બોડી નિયમો મુજબ સુપરસીડ જાહેર કરવામાં આવશે. આણંદ નગરપાલિકામાં ભાજપનું શાસન હતું. મનપાની જાહેરાત થતાં જ પાલિકાનું માળખું વિખેરાયું છે. ત્યારે મનપાની ચૂંટણીમાં પણ ભાજપનું શાસન આવે તેને ધ્યાને લઈ પાર્ટી દ્વારા ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આણંદ મનપામાં સમાવેશ કરાયેલા વિદ્યાનગર, કરમસદ, લાંભવેલ, જીટોડીયા, મોગરી અને ગામડીમાં મોટાભાગે ભાજપનું વર્ચસ્વ છે. આ ગામોનું અંતર આણંદથી થોડું દૂર છે. જ્યારે આણંદથી માત્ર દોઢ કિલોમીટરનું અંતર ધરાવતા અને વધુ વસ્તી ધરાવતા હાડગુડ ગામમાં કોંગ્રેસનું વર્ચસ્વ હોવાથી તેનો આણંદ મનપામાં સમાવેશ ન કરાયો હોવાના આક્ષેપ લાગ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.