(જી. એન. એસ) તા. 7
આણંદ
સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યમંત્ર સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
આણંદમાં રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ અને રૂ. ૧૫ કરોડના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલ બનશે
મુખ્યમંત્રીશ્રી એ કહ્યું હતું કે,
• શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિ દ્વારા વિકાસનો મજબૂત પાયો નાખી ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે
• ગુજરાતમાં માર્ગો, આરોગ્ય, શિક્ષણ, વીજળી, ઉદ્યોગ સહિતના ક્ષેત્રો વિકાસની નવી ઉંચાઇ આંબી રહ્યા છે
• વાયબ્રન્ટ ગુજરાતના કારણે વિદેશી રોકાણકારો માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બન્યું છે
• આયુષ્માન ભારત કાર્ડની મર્યાદા રૂ. ૧૦ લાખ કરી રાજ્ય સરકારે લોકોની આરોગ્યલક્ષી ચિંતા હળવી કરી છે
• વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદી સરકારની ગેરેન્ટી લઇને નીકળી છે
આણંદને રૂ. ૨૭૦ કરોડના ૨૨ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યમંત્ર સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. પ્રજાસેવા માટે સુશાસન જરૂર છે અને ગુજરાતમાં સુશાસનનો માર્ગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રશસ્ત કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યું કે, જનસેવા માટે સુશાસન કેવી રીતે સ્થાપી શકાય એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશદુનિયાને બતાવ્યું છે. ગુજરાતમાં એક સમય એવો હતો કે લોકો વિકાસ કામો માટે રૂ. ૫ કે રૂ. ૧૫ લાખ કામોથી જ સંતોષ માનતા હતા. આજે રૂ. એક કરોડની માતબર રકમનું કામ પણ નાનું લાગવા માંડ્યું છે. આ ગુજરાતના વિકાસની પરિસીમા અને લોકોની વિકાસ માટેની અપેક્ષા દર્શાવે છે. જે પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.
મુખ્યમંત્રીશ્રીએ આણંદના નાગરિકોની સર્વાંગીણ સુખાકારીના રૂ. ૨૭૦ કરોડના ૨૨ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કામોથી આણંદ જિલ્લાના વિકાસને નવી ઉંચાઇ મળવાની છે.
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિ દ્વારા વિકાસનો મજબૂત પાયો નાખી ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે, એમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં આજે તમામ ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં માર્ગો, આરોગ્ય, શિક્ષણ, વીજળી, ઉદ્યોગ સહિતના ક્ષેત્રો વિકાસની નવી ઉંચાઇ આંબી રહ્યા છે.
તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતમાં ગ્રામ્યસ્તર સુધી આરોગ્યની સુદ્રઢ સેવા પહોંચાડી છે. ગામડાઓમાં પણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ બનવાથી ગામડાના નાગરિકોને ઉત્તમ તબીબી સેવાનો લાભ મળતો થયો છે. આટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ પણ ડાયાલિસીસ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. તબીબી શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. પહેલા રાજ્યમાં મેડિકલની માત્ર ૧૩૭૫ બેઠકો હતી, તેની સામે આજે ગુજરાતમાં સાત હજાર કરતા પણ વધુ બેઠકો છે. જેનાથી ગુજરાતના નાગરિકોની આરોગ્યલક્ષી સેવા માટે તબીબો વધુ મળશે. આયુષ્માન ભારત કાર્ડની મર્યાદા રૂ. ૧૦ લાખ કરી રાજ્ય સરકારે લોકોની આરોગ્યલક્ષી ચિંતા હળવી કરી છે.
ચૂંટણી આવે એટલે રોજગારીનો મુદ્દો ઉઠે છે, એવો કટાક્ષ કરતા મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ભારતમાં ગુજરાત રોજગારી આપવામાં અવલ્લ છે, તેની ભૂમિકા આપી હતી અને કહ્યું કે, રોજગારીના સર્જન માટે વડાપ્રધાનશ્રી દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ૨૦૦૩માં શરૂ કરવામાં આવ્યું હતું અને તેના પરિણામે ઉદ્યોગો સ્થપાતા રાજ્યમાં રોજગારીની તકો વધી છે.
ઉક્ત બાબતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એમ પણ જણાવ્યું કે, સમગ્ર દેશમાં ધંધા-રોજગાર માટે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે વિદેશી રોકાણકારો માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બન્યું છે. તાજેતરમાં જાપાન અને સિંગાપોરના પ્રવાસ દરમિયાન ઉદ્યોગકારોને મળ્યો ત્યારે તેમણે નરેન્દ્રભાઇમાં વિશ્વાસ પ્રદર્શિત કરી ગુજરાતમાં રોકાણ કરવા માટે આતૂરતા દર્શાવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જનજનને જોડીને સરકારની જનકલ્યાણની યોજનાઓનો લાભ તમામ નાગરિકોને અપાવવા મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.
તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, સંકલ્પ યાત્રા નરેન્દ્રભાઇ મોદીની ગેરેન્ટી લઇ નીકળી છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિની મોદી સરકારની ગેરેન્ટી, ભૂખ્યાને ભોજનની ગેરેન્ટી, છે, મહિલાઓને ધૂમાડાથી મુક્ત રસોડું આપવાની ગેરેન્ટી છે, ગરીબોને પાકું મકાન આપવાની ગેરેન્ટી છે. ઘરઘર નળથી પીવાનું પાણી આપવાની ગેરેન્ટી છે. ખેડૂતોને વાર્ષિક રૂ. ૬ હજાર સન્માન નિધિ આપવાની ગેરેન્ટી છે. ગરીબોને મુખ્ય પ્રવાહમાં લાવવાનું આ અભિયાન છે.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે અગત્યની ઘોષણા કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં આણંદમાં અંદાજિત રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ અને અંદાજિત રૂપિયા ૧૫ કરોડના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ થનાર છે. જેનું ખાતમુહૂર્ત આગામી બે માસમાં થઇ જશે.
શ્રી પટેલે આજે સમગ્ર વિશ્વ ભારતને સન્માનભેર જોવે છે અને ભારતના નેતૃત્વ સમક્ષ મિટ માંડીને બેઠું છે ત્યારે ખરેખર તેનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે. વધુમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા અને સંકલ્પબદ્ધતાને પરિણામે આજે ગુજરાત સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત રાજ્ય તરીકે સમગ્ર દેશમાં આદર્શ બન્યું છે, તેમ જણાવ્યું હતું.
સ્વતંત્રતા બાદ બે ગુજરાતી એટલે કે પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ દેશને સુદ્રઢ નેતૃત્વ પ્રદાન કરીને દેશના વિકાસનો જે પાયો નાખ્યો હતો તેને આજે ફરીથી બે ગુજરાતી એટલે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા અનેકગણો આગળ વધારવામાં આવી રહ્યો છે.
પ્રારંભે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં આણંદ જિલ્લાને રૂપિયા ૨૭૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ આણંદ જિલ્લાના નાગરિકો વતી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમ પુર્વે મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા હતા. જ્યાં ભગવતચરણ સ્વામીએ તેમનું અભિવાદન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ તથા શ્રી ગોવિંદભાઈ પરમાર, આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર, પદાધિકારીઓ, અધિકારીઓ, તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.