Home ગુજરાત ઉત્તર ગુજરાત આણંદના ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ કરતી ગુજરાત એટીએસ

આણંદના ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ કરતી ગુજરાત એટીએસ

2
0

(જી.એન.એસ) તા. 24

આણંદ,

આણંદના ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો છે. ATSએ ખંભાતના નેજામાં દવાની ફેકટરી પર બાતમીના આધારે દરોડા પાડ્યા છે. ફેકટરી માલિક સહિત 5 લોકોની ધરપકડ કરાઈ છે. ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું. ફેકટરીમાંથી ઘેનની ગોળી બનાવવાના રો મટીરીયલની આડમાં ડ્રગ્સ બનાવતું હતું.

ગુજરાત એટીએસના DYSP હર્ષ ઉપાધ્યાયને માહિતી મળી હતી કે આણંદ જિલ્લામાં ખંભાતના નેજા ગામમાં આવેલી એક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે નશીલી દવાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેના આધારે એટીએસ દ્વારા ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ફેક્ટરીમાં તપાસ કરતા મોટી માત્રામાં દવા બનાવવાનો પાવડર મળી આવ્યો હતો, જેથી એફ.એસ.એલની મદદથી પાવડરની ચકાસણી કરાતા અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટેનો પાવડર હોવાનું સામે આવ્યું હતું. ફેક્ટરીમાંથી એટીએસની ટીમને 107 કરોડની કિંમતનો 107 કિલો અલ્પ્રાઝોલમનો પાવડર મળી આવ્યો હતો. આ ઉપરાંત ફેક્ટરીમાંથી 2518 કિલો અન્ય કેમિકલ પણ મળી આવ્યું છે. મહત્વનું છે કે અલ્પ્રાઝોલમ પાઉડરના જથ્થામાંથી 0.25 મિલિગ્રામની 42.8 કરોડ જેટલી ટેબલેટ બનાવી શકાય છે.

એટીએસ દ્વારા ફેક્ટરીમાં કામ કરતા રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું છે કે અલ્પ્રાઝોલમ પાઉડર બનાવવા માટે મધ્યપ્રદેશના અજય જૈન નામના વ્યક્તિ તરફથી ઓર્ડર મળ્યો હતો, જેથી 16 જાન્યુઆરીથી ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમનો પાવડર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના અજય જૈન દ્વારા ઓર્ડર પેટે 30 લાખ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા અને શરૂઆતમાં અજય જૈન 10 કિલોનો જથ્થો મધ્યપ્રદેશ લઈ જવાનો હતો. જોકે એટીએસ દ્વારા રીસીવર અજય જૈનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. એટીએસની તપાસમાં સામે આવ્યું કે ફેક્ટરીમાંથી પકડાયેલો આરોપી રણજીત ડાભી સત્યમ ટ્રેડર્સના નામથી ટ્રેડિંગ કંપની ચલાવી રહ્યો છે. આરોપી રણજીત ડાભીના સંપર્કમાં મધ્યપ્રદેશનો અજય જૈન હતો. આ ઉપરાંત અન્ય આરોપી વિજય મકવાણા અને હેમંત પટેલ કેમિકલની ડિગ્રી ધરાવે છે. બંને આરોપીઓ અગાઉ કૃષાંક ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા અને તેની સાથે લાલજી મકવાણા અને જયદીપ મકવાણા પણ કામ કરતા હોવાથી તમામ આરોપીઓ એકબીજાના પરિચયમાં આવ્યા હતા.

આરોપીઓ ભેગા મળીને પહેલી વખત જ અલ્પ્રાઝોલમ પાઉડર બનાવી રહ્યા હતા, જોકે અગાઉ સેમ્પલ માટે ખૂબ નાની માત્રામાં પાવડર બનાવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ દ્વારા જોબ વર્ક માટે ફેક્ટરીને ભાડે રાખવામાં આવી હતી. મહત્વનું છે કે અલ્પ્રાઝોલમ નામની દવા ડોક્ટર દ્વારા લખાયેલા પ્રીસ્ક્રિપ્શનને આધારે મેડિકલ સ્ટોર મારફત મળતી હોય છે. અલ્પ્રાઝોલમનાં ઉત્પાદન માટે મંજૂરી મેળવવાની હોય છે, પરંતુ જો મંજૂરી વગર અલ્ફ્રાઝોલમ ટેબલેટનું ઉત્પાદન કરવામાં આવે તો તે ગેરકાયદેસર ગણાય છે અને તે નાર્કોટિક્સ એટલે કે ડ્રગ્સ ની વ્યાખ્યામાં આવતું હોય છે જેના આધારે એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પાવડરનો રીસીવર અજય જૈન અગાઉ ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ કેસમાં પકડાઈ ચૂક્યો છે. અજય જૈન એનસીબી અને સીબીએનના કેસમાં 16 વર્ષની જેલની સજા પણ ભોગવી ચુક્યો છે. મહત્વનું છે કે સમગ્ર મામલે હવે ગુજરાત એટીએસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રીસીવર અજય જૈન અલ્પ્રાઝોલમ પાવડરનો જથ્થો કોને આપવાનો હતો અથવા તો અલ્ફ્રાઝોલમ પાવડરમાંથી કઈ જગ્યા પર ટેબલેટ બનાવવાની હતી. પાવડરનો કે દવાનો જથ્થો ભારતમાં કે દેશ બહાર કઈ જગ્યા પર મોકલવાનો હતો, આ ઉપરાંત અજય જૈન કયા વ્યક્તિના સંપર્કમાં રહીને પાઉડર કે દવાનો જથ્થો મોકલવાનો હતો તે અંગે વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field