(જી.એન.એસ) તા.૪
અમદાવાદ,
લક્ષિત પટેલે વિસ્કોન્સિનની ડોજ કાઉન્ટીમાં રહેતા એક વૃદ્ધ પાસેથી 81 હજાર ડોલર ઠગવાનો પ્રયાસ કર્યો હતો અમેરિકામાં 18 વર્ષીય ગુજરાતી યુવકે પોતાની ફેડરલ ચ્રેડ કમિશનના એજન્ટ તરીકેની ઓળખ આપીને એક વૃધ્ધ સાથે ઠગાઈ કરી હતી. આ કેસમાં અમેરિકાની કોર્ટે એક ગુજરાતી યુવકને જેલની સજા સંભળાવી છે. લક્ષિત દેવેન્દ્ર પટેલ નામના આ 18 વર્ષના લબરમુછિયાને સપ્ટેમ્બર 2024માં ગુનો કરતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો અને ત્યારે તેના પર કોર્ટે પાંચ લાખ ડોલરનો બોન્ડ મૂક્યો હતો. લક્ષિત પટેલે વિસ્કોન્સિનની ડોજ કાઉન્ટીમાં રહેતા એક વૃદ્ધ પાસેથી 81 હજાર ડોલર ઠગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રહેલાથી જ એલર્ટ થઈ ગયેલા વિક્ટિમે આ અંગે પોલીસને જાણ કરી દેતા લક્ષિત તેમના ઘરે પૈસા લેવા પહોંચ્યો તે વખતે જ તેની ધરપકડ કરીને જેલભેગો કરી દેવામાં આવ્યો હતો. આરોપીએ પહેલો કોલ કર્યો ત્યારબાદ પોલીસે જ વિક્ટિમ બનીને તેની સાથે વાત કરી હતી અને તેને પકડી લેવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ કેસમાં વિક્ટિમને તેમના સોશિયલ સિક્યોરિટી નંબરની ચોરી થઈ હોવાનું કહીને તેમને બેંક અકાઉન્ટમાં રહેલી તમામ રકમ વિડ્રો કરી લેવા માટે જણાવાયું હતું.વિક્ટિમને કોલરે આ તમામ રકમ તેમના ઘરે આવનારા ફેડરલ ટ્રેડ કમિશનના એજન્ટને આપી દેવાની વાત કરતા કહ્યું હતું કે તેમના 81 હજાર સરકારની કસ્ટડીમાં રહેશે અને થોડા સમયમાં તેમને પરત કરી દેવાશે. ત્યારબાદ સ્કેમર્સે શિકાગોથી લક્ષિત પટેલને આ પૈસા કલેક્ટ કરવા માટે મોકલ્યો હતો પરંતુ વિક્ટિમના ઘર પાસે પહોંચી પૈસા લેતા જ તેને અરેસ્ટ કરી લેવાયો હતો. તેના પર તે વખતે મની લોન્ડરિંગ તેમજ ખોટી ઓળખ આપી ચોરીનું કાવતરૂં રચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.લક્ષિત પટેલને તાજેતરમાં જ અમેરિકાની કોર્ટે મની લોન્ડરિંગનું કાવતરૂં રચવાના આરોપમાં નવ મહિનાની જેલની સજા ફટકારી હતી, આમ તો તેના પર ચોરીનું કાવતરૂં રચવાનો પણ આરોપ હતો પરંતુ કદાચ લક્ષિતે પોતાનો ગુનો કબૂલી લેતા તેના પર લાગેલા બે ચાર્જમાંથી એક ચાર્જ પડતો મૂકાયો હતો. લક્ષિત પટેલના ઈમિગ્રેશન સ્ટેટસની વિગતો જાહેર નથી કરાઈ, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તે ઈન્ડિયન હોવાનો ઉલ્લેખ કરાયો છે, મતલબ કે તે હાલ અમેરિકામાં ટેમ્પરરી સ્ટેટસ પર રહેતો હોય તેવી પણ શક્યતા છે અને જો આમ હશે તો જેલની સજા પૂરી થતાં જ કે પછી તે પહેલા જ લક્ષિતને ઈન્ડિયા ડિપોર્ટ કરી દેવાશે તેવી પૂરી શક્યતા છે. અમેરિકામાં આજકાલ આમેય ક્રિમિનલ્સને સૌ પહેલા ડિપોર્ટ કરી દેવાની જોરશોરથી વાતો ચાલી રહી છે ત્યારે લક્ષિતની જેમ જ આ પ્રકારના કાંડમાં જેલમાં બંધ કે પછી સજા કાપી રહેલા લોકોને ડોનાલ્ડ ટ્રમ્પ 2025માં જ ઘરભેગા કરી શકે છે. લક્ષિત જે કાંડમાં સામેલ હતો તેનું સંચાલન ઈન્ડિયાથી થાય છે, પરંતુ વિક્ટિમ પાસેથી પૈસા કલેક્ટ કરવાનું કામ અમેરિકામાં રહેતા ઈન્ડિયન્સ પાસે કરાવાતું હોય છે અને હવે તો સ્ટૂડન્ટ્સથી લઈને ઈલીગલી રહેતા હોય તેવા લોકો પણ ડોલર કમાવવા માટે આ કાંડમાં સામેલ થઈ રહ્યા છે. જોકે, જ્યારે કાંડનો ભાંડો ફુટે ત્યારે આવા લોકોને જ જેલની હવા ખાવી પડતી હોય છે, જ્યારે ઈન્ડિયામાં બેઠા–બેઠા આખાય સ્કેમને અંજામ આપનારા લોકોનો વાળ પણ વાંકો નથી થતો. આ ફ્રોડનો ભાગ બનનારા ઘણા ગુજરાતીઓ હાલ અમેરિકાની જેલમાં છે, જેમાંના અમુક લોકો પર તો એકથી વધુ કેસ થયા હોવાથી તેમને ઘણા મહિના જેલમાં કાઢ્યા બાદ પણ જામીન નથી મળ્યા. 2023માં ઈલીગલી યુએસ ગયેલા મહેસાણાના એક યુવકે પણ નોકરી–ધંધાના ઠેકાણા ના પડતાં ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવીને આ કામ શરૂ કર્યું હતું, પરંતુ આજે તે જેલમાં છે અને ઈન્ડિયામાં રહેતી તેની ફેમિલી એક–એક પૈસા માટે વલખા મારી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.