(જી.એન.એસ) તા. 25
વોશિંગ્ટન,
ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો અને ફેરફારો કરવામાં આવ્યા હતા હવે તેની આલોચના થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે, ટ્રમ્પની ટેરિફ નીતિને ન્યૂયોર્કની યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં પડકારી છે. 12 રાજ્યોએ કોર્ટને જણાવ્યું છે કે ટ્રમ્પની ટેરિફ નીતિ ગેરકાયદેસર છે અને તેના કારણે અમેરિકન અર્થતંત્રને મોટા પાયે નુકસાન થઇ રહ્યું છે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ટેરિફ નીતિને કોર્ટમાં પડકારનાર રાજ્યોમાં ઓરેગન, એરિઝોના, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલાવેયર, ઇલિનોઇસ, મેન, મિનેસોટા, નેવાદા, ન્યૂ મેક્સિકો, ન્યૂયોર્ક અને વર્મોન્ટ સામેલ છે.
આ બાબતે રાજ્યોએ કોર્ટને જણાવ્યું છે કેે રાષ્ટ્રીય વેપાર નીતિને ટ્રમ્પની મરજી પર છોડી દેવામાં આવી છે. રાજ્યોએ કોર્ટને વિનંતી કરી છે કે ટેરિફને ગેરકાયદે જાહેર કરવામાં આવે અને સરકારી એજન્સીઓ તથા તેના અધિકારીઓને આ નીતિને અમલમાં મૂકવાથી રોકવામાં આવે.
કોર્ટમાં આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી આર્થિક શક્તિ અધિનિયમ હેઠળ મનસ્વી રીતે ટેરિફ લગાવી શકવાના ટ્રમ્પના દાવાને પણ પડકારવામાં આવ્યો છે. જો કે રાજ્યોએ આ ટ્રમ્પના આ દાવાને અયોગ્ય ગણાવ્યો છે.
જો કે ન્યાય વિભાગે 12 રાજ્યોની આ અરજી અંગે તાત્કાલિક ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. એરિઝોનાના એટર્ની જનરલ ક્રિસ મેયસે એક નિવેદનમાં ટ્રમ્પની ટેરિફ યોજનાને પાગલપણુ ગણાવ્યું છે.
સાથેજ તેમણે જણાવ્યું છે કે આ નીતિ ગેરકાયદેસર અને આર્થિક રીતે નુકસાનકારક છે. રાજ્યોની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ટેરિફ લગાવવાનો અધિકાર ફક્ત સંસદ પાસે છે.