(જી.એન.એસ) તા.૪
અમરેલી,
શુક્રવારે પાટીદાર દીકરીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અમરેલીના ચર્ચાસ્પદ લેટરકાંડ મામલામાં કોર્ટે પાયલ ગોટીના જામીન મંજૂર કર્યા હતા. જેને પગલે કોર્ટ સંકુલમાં પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ છવાયો હતો. અમરેલીના આ બહુચર્ચિત લેટરકાંડમાં પાયલ ગોટીની પોલીસે ધરપકડ કરી હતી. અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપીસ્ટનું કામ કરતી પાટીદારની દીકરીનું સરઘસ કાઢ્યું હતું. જે મુદ્દે ભારે વિરોધ થયો હતો, ત્યારે આજે શુક્રવારે પાટીદાર દીકરીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા છે. કોર્ટનો ચુકાદો આવતા જ કોર્ટ પરિસરમાં ઉપસ્થિત પાટિદાર સહિતના સમાજના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. સેશન્સ કોર્ટે પંદર હજારના બોન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપવામાં આવ્યા છે. જો યોગ્ય સમયે તમામ કાર્યવાહી થઈ જશે તો આજે જ પાયલ ગોટી જેલમાંથી મુક્ત થઈ જશે. આવતી કાલે શનિવારે આરોપ મુક્ત કરવાની અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.યુવતીના વકીલ સંદીપ પંડ્યાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, ‘રાત્રે 12 વાગ્યે એક સ્ત્રીને ઘરમાંથી દબોચી લેવામાં આવે છે, આ કયા પ્રકારનું પોલીસ તંત્ર છે? પોલીસ તંત્રએ રાજકીય દબાણમાં કામ કરી માર માર્યો તેમજ કોર્ટમાં રિમાન્ડ માંગ્યા હતા, બાદમાં ગત રોજ 169 નો રિપોર્ટ ફાઇલ કરીને એવું કહેવામાં આવે છે કે, આ બેન વિરુધ ગુનો નથી બનતો. યુવતીની ઉંમર 25 વર્ષની છે, ત્યારે લગ્ન જીવન શરૂ થતા પહેલાં જે તેની આબરૂ નિલામ કરવામાં આવી છે તેની ખોટ કોણ પૂરશે?’ અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ વાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મુકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.