(જી.એન.એસ) તા.૨૯
અમરેલી,
અમરેલીમાં ગંભીર પ્રકારના ગુન્હાઓનો ગ્રાફ ઉચ્ચો જઈ રહ્યો છે. હત્યા, લૂંટ, દુષ્કર્મોના બનાવો દાડે દિવસે વધી રહ્યા છે. હવે વધુ એક હત્યાનો બનાવ જસવંતગઢ ગામે બહાર આવ્યો છે. જ્યાં અમરેલીના નાયબ મામલતદારના માતાને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ચાર ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ભયનો માહોલ ઉભો થયો છે. અમરેલીમાં લોકોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઇ રહ્યા છે. હવે અધિકારીઓના પરિવારના લોકો પણ સુરક્ષિત રહ્યા નથી. કારણ કે,અમરેલીના જશવંતગઢ ગામે નાયબ મામલતદાર રાજેશભાઈ તેરૈયાના ૬૪ વર્ષીય વૃદ્ધ માતા પ્રભાબેન તેરૈયાની તીક્ષ્ણ હથિયારના ગળાના ભાગે ચાર જેટલા ઘા મારી હત્યા નિપજાવી દેવામાં આવી છે. તેમના માતા પ્રભાબેન જશવંતગઢ ગામે લીમડા વાળી શેરીમાં આવેલ. રાજગોર ફળીયામાં પોતાના મકાને બપોરના ૧૨ વાગ્યાના અરસામાં એકલા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસી આવી હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવને લઈને પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને તાત્કાલિક ધોરણે ટીમો બનાવી હત્યારાને પકડી પાડવા માટે અમરેલી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ હત્યાને જોતા ગળાના ભાગના નિશાન પરથી કોઈ રીઢા ગુનેગારે કરી હોવાનું પ્રાથમિક રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે હત્યા અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ લૂંટ માટે આવેલા શખ્સનો પ્રતિકાર કરતા હત્યા કરી નાખવામાં આવ્યાનું તારણ નીકળ્યું છે. આ મહિલાના પતિ ભાનુભાઇ નિવૃત શિક્ષક છે અને તેમનો પુત્ર રાજુભાઈ તેરૈયા અમરેલી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. હત્યાના બનાવને લઈને સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રમાં પણ અરેરાટી વ્યાપી છે અને તાત્કાલિક ધોરણે હત્યારાને પકડી પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. છેલ્લા બે મહિનાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ખાંભાના ઈંગોરાળામાં લૂંટ વિથ મર્ડર,જાફરાબાદના મીઠાપુરમાં યુવતીએ મળવા બોલાવ્યા બાદ તેના ભાઈ દ્વારા હત્યા, રાજુલાની જૂની બાર પટોળીમાં પ્રેમ સંબંધમાં હત્યા, લાઠીના માલવિયા પીપરીયા ગામે માલધારી યુવકની હત્યા, બગસરાના શાપર જવાના માર્ગ પર છરી વડે યુવકની હત્યા, જાફરાબાદના વડલી ગામે બનેવીએ સાળાની હત્યા કરી અને જશવંતગઢમાં વૃદ્ધાની હત્યા આમ એક પછી એક હત્યાઓ થઇ રહી છે. પરંતુ પોલીસ દ્વારા કોઈ દાખલો બેસાડે તેવી કાર્યવાહી નહિં કરતા હવે પોલીસનો ખોફ ઓછો થઇ રહ્યો હોય તેવી સ્થિતિ અમરેલી જિલ્લામાં જોવા મળી રહી છે. જસવંતગઢ ગામે રહેતા નિવૃત્ત શિક્ષક ભાનુશંકરભાઇ તેરૈયા આજે સવારે વાડીએ ગયા બાદ બપોરે ૧૨.૩૦ વાગ્યાનાં અરસામાં પત્ની પ્રભાબેનને જમવા માટે ફોન આવ્યો અને તેઓ ૧૫ મિનિટમાં ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં કોઇ ઇસમ હત્યા કરીને નાસી ગયો હતો. બીજી તરફ ગ્રામજનોએ પણ તેમના ઘર પાસે એક હેલ્મેટ પહેરેલા શખ્સને જોયો હોવાનું જાણવા મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.