(જી.એન.એસ) તા. 17
અમદાવાદ,
અમદાવાદ શહેરમાં આવેલ ગોમતીપુર વિસ્તારના અતિ પ્રાચીન જૈન દેરાસરની મૂર્તિ મુદ્દે વિવાદે હવે જોર પકડયું છે. આ પ્રાચીન જૈન દેરાસરમાંથી રાતોરાત ટ્રસ્ટીઓ દ્વારા પ્રાચીન મૂર્તિઓને હટાવી લઈને શીલજ લઈ જવામાં આવતા જૈન સમાજમાં રોષ સાથે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેમાં મૂર્તિઓને પરત લાવવાની માંગણી કરવામાં આવી છે. શીલજમાં બિલ્ડરની સ્કીમનો વિકાસ થાય તે માટે ત્યાં મૂર્તિ લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.
બીજીતરફ રવિવારે રાત્રિના સમયે પણ જૈના સમાજના લોકો શીલજ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. જો કે, પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત શાહે પણ આ મુદ્દે કહ્યું હતું કે આ મૂર્તિઓ પૌરાણિક હોવાથી તેને હટાવવી જોઈએ નહીં. જ્યારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં સમગ્ર લઘુમતી સમાજનાં ઘરોની વચ્ચે આવેલા એકમાત્ર ગોમતીપુર – રાજપુર જૈન દેરાસરમાં તપાસ કરી ત્યારે ભગવાન મહાવીર સ્વામી, ચિંતામણી પાર્શ્વનાથજી સહિતના ભગવાનની મૂર્તિઓ લઈ જવામાં આવી છે. માત્ર એક જ મૂર્તિ હાલ બચેલી છે.
જો કે કોઈ અનઇચ્છનીય બનાવ ના બને તે માટે, જૈન દેરાસરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં રાઉન્ડ ક્લોક ચાર જેટલા પોલીસ કર્મચારીઓ મૂકવામાં આવેલા છે. દેરાસરની આસપાસ આખો વિસ્તારમાં લઘુમતી સમાજ રહે છે. લઘુમતી સમાજ પણ આ જૈન દેરાસરમાંથી મૂર્તિઓ લઈ જવાને લઈને જૈન સમાજના લોકોની સાથે આવ્યા હતા.જૈન દેરાસરમાંથી મૂર્તિ હટાવી લેવાના વિવાદને લઈને 16 ફેબ્રુઆરીના રોજ રવિવારે મોડી રાત્રે જૈન સમાજના ભાઈઓ બહેનો અને જૈનમુનિ શીલજ ખાતે પહોંચી ગયા હતા.
જે જગ્યા પર મૂર્તિ લઈ જવામાં આવી હતી તેવા શીલજ બિલ્ડરની સાઈટ નજીક રોડ ઉપર જૈન સમાજના લોકો ભેગા થઈ જતા અહીં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જોકે બાદમાં સમગ્ર મામલો પોલીસે થાળે પાડ્યો હતો. અમદાવાદ જિલ્લા પોલીસવડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે જૈન સમાજના લોકો શીલજ ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા પરંતુ ત્યારબાદ તેઓને સમજાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી પણ આપવામાં આવી છે.
આ મામલે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહનું કહેવું છે કે, ગોમતીપુર- રાજપુર જૈન દેરાસરની પ્રાચીન મૂર્તિઓ બિલ્ડર દ્વારા શીલજ ખાતે લઈ જવામાં આવી હોવાની વાત જાણવા મળી છે. જે જૈન દેરાસર 200થી 300 વર્ષો જૂનું હોઇ તેને તીર્થ કહેવામાં આવે છે અને ત્યાંથી મૂર્તિઓ હટાવવી જોઈએ નહીં. ટ્રસ્ટીઓ દ્વારા આ મૂર્તિઓ હટાવીને લઈ જવામાં આવી છે ત્યારે મારી પણ લાગણી છે કે, આવી મૂર્તિ ત્યાંથી હટાવી જોઈએ નહીં. મારી પાસે આ બાબતે ટ્રસ્ટીઓ કે અન્ય કોઈની રજૂઆત મળી નથી પરંતુ આ મૂર્તિઓ હટાવવામાં આવી છે ત્યારે વર્ષો જૂનું તીર્થ કહેવાતું હોય તેની મૂર્તિઓ હટાવી જોઈએ નહીં એવી મારી પણ લાગણી છે.
વર્ષો જૂના જૈન દેરાસરમાંથી આ મૂર્તિ હટાવી લેવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જૈનમુનિએ પણ કહ્યું હતું કે, ખોટી રીતે આ મૂર્તિ લાવવામાં આવી છે. જૈન દેરાસરમાંથી પ્રાચીન મૂર્તિ હટાવવામાં આવતા લડતને લઈને લોકો ભેગા થયા હતા. બિલ્ડર દ્વારા મૂર્તિ લઈ જવામાં આવી છે જેના પગલે થયેલા વિરોધથી જૈન સમાજ પણ ખૂબ આક્રોશમાં છે.મળતી માહિતી મુજબ શહેરના ગોમતીપુર વિસ્તારમાં વર્ષો જૂનું જૈન દેરાસર આવેલું છે આ જૈન દેરાસરમાંથી ટ્રસ્ટીઓએ વર્ષો જૂની પ્રાચીન મૂર્તિને ખંડિત કરી અને ત્યાંથી હટાવી શીલજ વિસ્તારમાં બિલ્ડરના બિલ્ડિંગમાં લઈ જવામાં આવી હતી.
જેને લઇને જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ગોમતીપુર ખાતે દેરાસર ખાતે પહોંચ્યા હતા. જૈન સમાજના લોકોના આક્ષેપ છે કે, દેરાસરમાંથી મૂર્તિ હટાવી શકાય નહીં છતાં પણ રાતોરાત મૂર્તિને કટરથી કાપી અને લઈ જવામાં આવી છે. મંદિરમાંથી કુલ સાતેક જેટલી મૂર્તિ લઈ જવામાં આવેલી છે.કેતનભાઈ શાહે જૈન સમાજ વતી કહ્યું હતું કે 600 વર્ષ જૂનું જૈન દેરાસર આવેલું છે. ટ્રસ્ટીઓ બધા બિલ્ડર છે.
ટ્રસ્ટી દ્વારા શીલજ ખાતે નવી બિલ્ડિંગ બની રહી છે ત્યાં રાતોરાત સિંહાસન પર રહેલા ભગવાનની મૂર્તિઓને કટરથી કાપીને લઈ જવામાં આવી હતી. શીલજ ખાતે જે સ્કીમ બની રહી છે તેને ડેવલપ કરવા માટે થઈને ત્યાં આ મૂર્તિઓ લઈ જવામાં આવી છે. ભગવાન તે જ સ્થાને પરત આવવા જોઈએ તેવી અમારી માંગ છે. ભગવાનને ખૂબ જ ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવ્યા છે જો તમારે ભગવાનને લઈ જવા હોય તો તેમની રજા લેવી જોઈએ અને સમાજના તમામ લોકોને સાથે રાખીને મૂર્તિ લઈ જવી જોઈએ.
વધુમાં તેઓએ કહ્યું હતું કે પ્રતિષ્ઠા થયેલા ભગવાનને ક્યારેય કોઈ સાદી જગ્યાએ ન રખાય તેમને જિનાલયમાં જ રાખવા જોઈએ પરંતુ તેઓને ત્યાં મકાનમાં લઈ જવામાં આવ્યા છે. ધર્મના તમામ લોકોની એક જ માંગ છે કે ભગવાનને ફરીથી તેમના સ્થાન ઉપર મૂકવામાં આવે. જૈન સમાજમાં ખૂબ જ આક્રોશ ફેલાયેલો છે. સમાજના એક એક લોકોની આસ્થા એક જ છે કે ભગવાનની ફરીથી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.