Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની ૧૦૯ કિ.મી. લંબાઇના રસ્તાની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા મે-૨૦૨૫ સુધીમાં...

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની ૧૦૯ કિ.મી. લંબાઇના રસ્તાની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા મે-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન: મંત્રીશ્રી વિશ્વકર્મા

15
0

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેના બાંધકામમાં આશરે ૩૫ લાખ ઘન મીટર રિસાઇકલ વેસ્ટનો અને ૧૭૩.૮૨ લાખ ઘન મીટર જેટલા ફ્લાયએશના જથ્થાનો ઉપયોગ કરાશે

ધોલેરા SIR સંપૂર્ણ રીતે કાર્યરત્ થતાં ૮ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે: રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

(જી.એન.એસ) તા. 17

અમદાવાદ,

વિધાનસભા ગૃહમાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેથી ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અંગેના પ્રશ્નનો મુખ્યમંત્રીશ્રી વતી પ્રત્યુત્તર આપતાં રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ગ્રીન ફિલ્ડ અલાયમેન્ટમાં રૂ. ૫૫૦.૪૯ કરોડના ખર્ચે ૯.૫૬ કી.મી. લંબાઇના લિંક રોડનું બાંધકામ હાથ ધરવામાં આવનાર છે.

ધોલેરા SIRની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે આશરે ૯૨૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરીકે એક ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી આકાર પામી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં ૧૫૩ ચોરસ કિલોમીટર વિસ્તારમાં કામગીરી હાથ ધરેલ છે.

મંત્રીશ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે ધોલેરા SIR ખાતે રિન્યૂ દ્વારા સોલાર સેલ તેમજ સોલાર મોડ્યૂલના ઉત્પાદનની ફેસિલિટી કાર્યરત્ છે તેમજ ટાટા પાવર દ્વારા ૩૦૦ મેગા વોટનો સોલાર પ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.

આ જ પ્રકારે, પોલિકેબ દ્વારા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઉત્પાદન યુનિટના નિર્માણની તથા ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રા.લિ. દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી નિર્માણની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. સમગ્ર ધોલેરા SIR દ્વારા ભવિષ્યમાં ૮ લાખ જેટલી રોજગારીનું સર્જન થવાની શક્યતા છે તેમ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

શ્રી વિશ્વકર્માએ કહ્યું કે ધોલેરા SIR માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ધોલેરા મેટ્રો રેલ ટ્રાન્સપોર્ટ તથા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અન્વયે ભીમનાથથી ધોલેરા SIR સુધી ફ્રેઇટ રેલનું બાધકામ કરવાનું આયોજન છે. જેમાં ૧૦૯ કિ.મી. લંબાઇના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેની કામગીરી મે-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ એક્સપ્રેસ-વેની વિશેષતા વિશે માહિતી આપતાં મંત્રીશ્રીએ કહ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેના એમ્બેન્કમેન્ટના બાંધકામમાં આશરે ૩૫ લાખ ઘન મીટર રિસાઇકલ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેમાં અમદાવાદના લગભગ ૮૦ એકર જમીનમાં વિસ્તૃત વેસ્ટ પૈકી ૨૯ એકર જમીન વેસ્ટમુક્ત થશે. તદુપરાંત, અલગ-અલગ થર્મલ પાવર સ્ટેશનમાંથી અંદાજિત ૧૭૩.૮૨ લાખ ઘન મીટર ફ્લાયએશનો જથ્થો પણ એક્સપ્રેસ-વેના બાંધકામમાં વપરાશમાં લેવામાં આવશે.

એક્સપ્રેસ-વેની બંને બાજુ ગ્રીન બેલ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ માટે કુલ આશરે ૯૭.૧૯ હેક્ટર વિસ્તારમાં ૯૭,૧૯૫ જેટલાં વૃક્ષોની વાવણી પણ કરવામાં આવશે. વધુમાં, આ વિસ્તારના વન્યજીવનની અવરજવરને ધ્યાને રાખીને ૪.૫૦ મીટર x ૭ મીટર સાઇઝના વાઇલ્ડ લાઇફ ક્રોસિંગની જોગવાઇ પણ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તદુપરાંત, એક્સપ્રેસ-વે દૈનિક બંને બાજુ આશરે ૨૫૦૦૦ વાહનોની અવર જવરની ક્ષમતાને ધ્યાને લઇ ડીઝાઇન કરવામાં આવેલ છે. જેના પર મહત્તમ સ્પીડ લિમિટ ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની રહેશે તેમ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સદર એક્સપ્રેસ-વેને ચાર-લેનમાંથી બાર-લેન સુધી પહોળો કરી શકાય, તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. જ્યારે સ્થાનિક કનેક્ટીવીટીમાં વધારો કરવા માટે આ એક્સપ્રેસવે પર ચાર રસ્તાઓ માટે અડાલજ જેવા ક્લોવરલીફનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field