અમદાવાદમાં વ્યાજખોરો બેફામ બની રહ્યાં છે. સુરતમાં પોલીસે વ્યાજખોરો સામે તવાઈ બોલાવીને 11 લોકોની ધરપકડ કરી હતી. પરંતુ અમદાવાદમાં બેફામ બનેલા વ્યાજખોરો હવે કોઈના કાબુમાં રહ્યાં નથી. તેઓ 20 ટકાથી પણ વધુ વ્યાજ વસૂલીને બેફામ ધંધો કરી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં એક યુવકે તેના મિત્ર પાસેથી ચાર લાખ રૂપિયા 20 ટકાના વ્યાજે લીધા હતાં. યુવકે છેલ્લા બે મહિનાથી 20 ટકા વ્યાજ નહીં આપ્યું હોવાથી ઉશ્કેરાયેલા વ્યાજખોરે પાઈપથી યુવકનું માથું ફોડી નાંખ્યું હતું. જેથી આ યુવકને ગંભીર ઈજા થતાં જ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસેન આ ઘટનાની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ગોતામાં રહેતા ધવલ પટેલ YOUTUBE પર પહલ નામની ચેનલ પર ગીતો પ્રોડ્યુસ કરીને ગુજરાન ચલાવે છે. તેણે તેના મિત્ર તેજસ પટેલ પાસેથી ચાર લાખ રૂપિયા વીસ ટકાના વ્યાજે લીધા હતાં. તેણે મુડીના પૈસા જ્યાં સુધી ના ચૂકવે ત્યાં સુધી 20 ટકા એટલે કે 80 હજાર રૂપિયા વ્યાજ આપવાનું નક્કી કર્યું હતું. તેણે શરૂઆતના બે મહિના સુધી વ્યાજ આપ્યું હતું પરંતુ પછીના બે મહિના તે વ્યાજ આપી શક્યો નહોતો. જેથી તેજસ પટેલે ધવલને વોટ્સએપ કોલ કર્યો હતો અને એક દિવસના 20 હજાર પેનલ્ટી લેખે 14 લાખ રૂપિયા આપવાનો હિસાબ કર્યો હતો.
તેણે હિસાબ સમજાવવા માટે એક કેફે પર મળવા બોલાવ્યો હતો. તેજસ પટેલને મળવા ધવલ તેના બે મિત્રો સાથે કેફે પર ગયો હતો. ત્યાં તેજસ પટેલે ધવલને કહ્યું હતું કે, તું મને મારા 6 લાખ હાલ આપી દે તો હું તારા 14 લાખ માફ કરી દઈશ. ત્યારે ધવલે કહ્યું હતું કે, મારી પાસે હાલ આટલા બધા પૈસા ના હોય હું તમને બે મહિનાના વ્યાજના 1.60 લાખ બે દિવસમાં આપી દઈશ. ત્યારે તેજસ પટેલ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.
તેણે ગંદી ગાળો બોલીને મારામારી કરી હતી. તેણે બાજુમાં પડેલી લોખંડની પાઈપ માથામાં મારી હતી. ત્યારે બાજુમાં ઉભેલા લોકોએ વચ્ચે પડીને તેને છોડાવ્યો હતો. ધવલને તેના મિત્રો હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતાં અને માથામાં સાત ટાંકા આવ્યા હતાં. ધવલ પટેલે તેજસ પટેલ સામે સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.