ઘટનાને પાંચ દિવસ થવા છતાં પોલીસે એફઆઈઆર નહિ નોંધી હોવાનો આક્ષેપ
(જી.એન.એસ), તા.૧૧
અમદાવાદ,
સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 30 વર્ષીય દલિત યુવતીને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડી છે. ઘટનાને પાંચ દિવસ થવા છતાં પોલીસે એફઆઈઆર નોંધી નથી. પીડિતાના પરિવારે આ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે સાબરમતી પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એચ. એન. પટેલે દાવો કર્યો છે કે, પોલીસ પર કોઈ જ પ્રકારનું દબાણ નથી. અત્યાર સુધીની તપાસમાં જમીનના દબાણનો મામલો સામે આવી રહ્યો છે. સાબરમતી પોલીસ સ્ટેશન નજીકની પંચશીલ હોસ્પિટલમાં યુવતી 6 ફેબ્રુઆરીથી દાખલ છે. પંચશીલ હોસ્પિટલના ડૉક્ટર કૌશિક શાહે કહ્યું કે, પીડિતાને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લવાઈ હતી. તેને એક દિવસ આઈસીયુમાં સારવાર આપવી પડી હતી. ત્યાર બાદ છેલ્લા ચાર દિવસથી તેને જનરલ વોર્ડમાં રાખવામાં આવી છે. યુવતીને શરીરના ભાગે બેઠો માર વાગેલો છે. તેને કોઈ બ્લીડિંગ થયું નથી, પણ લાતો અને મુક્કા વડે માર માર્યો હોવાનો પ્રાથમિક દૃષ્ટિએ ખ્યાલ આવે છે. યુવતીને શનિવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવા ડૉક્ટરે જણાવ્યું છે. યુવતી સાથે વાત કરતા તેણે કહ્યું કે, તે સફાઈકામ કરે છે. અચેર ગામ સ્મશાન નજીક તેને બીજી તારીખે સફાઈ કામ કરવાની નોકરી મળી હતી. આ દરમિયાન ત્યાંના સ્થાનિક રહીશ પ્રહલાદ ઠાકોર પહેલા દિવસથી હેરાન કરતો હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. છઠ્ઠી તારીખે યુવતી અચેર સ્મશાનના રસ્તે પાનના ગલ્લા પાસે નાસ્તો લઈને ઊભી હતી ત્યારે તેને પાછળથી માથામાં માર મારી ધક્કો મરાયો હતો તેમ જ કમર, માથા, છાતી અને ગુપ્તાંગના ભાગે લાતો મારી ઈજા પહોંચાડાઈ હતી.
108 એમ્બુલન્સમાં તેને બેભાન પરિસ્થિતિમાં પંચશીલ હોસ્પિટલ ખસેડાઈ હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, પ્રહલાદ ઠોકાર અને તેનાં પત્નીએ તેના પર હુમલો કર્યો હતો.યુવતીના સગાભાઈ રાજેશ મકવાણા મહેસાણા રહે છે. તેમણે કહ્યું કે, પોલીસ સ્ટેશન જઈએ છીએ, ત્યાં બે-ત્રણ કલાક બેસાડી રાખવામાં આવે છે. કોઈ જવાબ આપી રહ્યું નથી. આ કારણે એડવોકેટની મદદ લઈ ત્રણ-ચાર જગ્યાએ અરજી આપી છે. અમારી જાણકારી મુજબ પોલીસે હજુ કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી છે, પણ કોઈ પરિણામ મળ્યું નથી. આ કેસમાં પોલીસની કામગીરી શંકા ઉપજાવનારી છે. અચેર સ્મશાન નજીક કેટલાક જમીન માફિયા અને રાજકારણીઓ જમીનો પર ગેરકાયદે કબજો કરવા કુખ્યાત છે. દલિત યુવતી પરના હુમલામાં વિસ્તારના કેટલાક માથાભારે ઠાકોર સમાજનાં લોકોનાં નામો બહાર આવી શકે છે. આ માથાભારે તત્ત્વો રાજકારણ સાથે સંકળાયેલા છે. આરોપીઓને બચાવવા ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓએ એડીચોટીનું જોર લગાડ્યું છે. જમીન માફિયાઓએ ગેરકાયદે નિર્માણ કરેલું છે. ગેરકાયદે સાઇટ્સ પર મ્યુનિ. એ લાઈટ, ગટર અને પાણીનાં કનેક્શન પણ આપી દીધાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.