(જી.એન.એસ) તા.૨
અમદાવાદ,
અમદાવાદ એરપોર્ટથી ધોરડો માટે નવી વોલ્વો બસ સેવા દૈનિક ધોરણે થશે સંચાલિત કચ્છ જિલ્લામાં ધોરડોમાં આયોજિત થતા રણોત્સવની મુલાકાત લેનારા મુસાફરોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બને, તે માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી, એટલે કે તા. 30-11-2024થી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ સવારે ૬ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ઉપડશે જે વાયા કૃષ્ણનગર, ગીતામંદિર, નહેરૂનગર, સામખિયાળી, ભુજ રૂટ પર પસાર થઈને સાંજે ૪:૩૦ વાગ્યે ધોરડો પહોચશે. અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવાનું ભાડું ₹1,093+ GST છે. અમદાવાદ એરપોર્ટ પરત આવવા માટે રણોત્સવ, ધોરડોથી આ બસ બપોરે 12.00 કલાકે ઉપડશે જેનું ભાડું પણ ₹1,093+ GST છે. આ બસ સેવા દૈનિક ધોરણે સંચાલિત કરવામાં આવશે. આ બસ સેવાનો લાભ લેવા માટે નિગમની વેબસાઇટ www.gsrtc.in પર ઓનલાઇન રિઝર્વેશન પણ થઇ શકશે.વધુમાં, ગુજરાતના પ્રવાસન વિભાગ અને GSRTC દ્વારા એક નવી પહેલ તરીકે, કચ્છના સ્થાનિક પ્રવાસન સ્થળોને એક્સપ્લોર કરવા માટે ધોરડો, રણોત્સવ ખાતે ‘ટુરિસ્ટ સર્કીટ બસ’ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવશે. આ બસ સેવા થકી રણોત્સવ આવતા પ્રવાસીઓ, કચ્છના સુંદર અને આકર્ષક પ્રવાસન સ્થળો, જેવાં કે, માંડવીના પ્રવાસન સ્થળો, માતાનો મઢ, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા, નારાયણ સરોવર વગેરેની મુલાકાત લઇ શકશે. આ 2×2 સીટર વોલ્વો બસ સેવાના 4 રૂટ છે, જેમાં 1) ધોરડો – માતાનો મઢ – ધોરડો, 2) ધોરડો – માંડવી – ધોરડો, 3) ધોરડો – ધોળાવીરા – ધોરડો અને 4) ધોરડો – માતાનો મઢ – નારાયણ સરોવર – ધોરડો,નો સમાવેશ થાય છે. રૂટ 1 અને 2 માટેનું ભાડું પ્રતિ વ્યક્તિ ₹700+ GST તેમજ રૂટ અને 4 માટેનું ભાડું પ્રતિ વ્યક્તિ ₹800+GST છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન ૩ મહિના માટે સફેદ રણ ખાતે આયોજિત થતો રણોત્સવ આજે દેશ-વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લાખો પ્રવાસીઓ સફેદ રણના સૌંદર્યને માણવા અને કચ્છી સંસ્કૃતિનો લ્હાવો લેવા માટે રણોત્સવ આવે છે. ત્યારે, પ્રવાસન વિભાગ અને GSRTC દ્વારા શરૂ કરવામાં આવેલી આ બસ સેવાઓ પ્રવાસીઓને વધુ સરળ પરિવહન સુવિધા પૂરી પાડશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.