લોકશાહીનો સૌથી મોટો તહેવાર ઊજવવા માટે મતદારોને વતન/ઘર વાપસી માટે આમંત્રણ પાઠવવાનું આયોજન
*જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે વિવિધ આયોજનો
(જી.એન.એસ),તા.૦૮
અમદાવાદ,
આગામી તારીખ ૭મી મેના રોજ રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે મતદાન યોજનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો તેના મતાધિકારનો ઉપયોગ કરી મહત્તમ પ્રમાણમાં મતદાન કરે તે ઉદ્દેશથી SVEEP (Systematic Voters Education and Electoral participation program) કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આવો જ એક કાર્યક્રમ છે શિક્ષક બનશે મતદાનનો મશાલચી. શિક્ષક સમાજમાં આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. આથી શિક્ષક પોતે જે વાત મૂકે તે વાત સામાન્ય રીતે સમાજ ગ્રાહ્ય રાખતો હોય છે. તેથી શિક્ષક પોતે આ પ્રતિષ્ઠા અને આગવા સ્થાનનો ઉપયોગ મતદાન જાગૃતિના હેતુસર કરે તો મતદાન વધારી શકાય.
આ બાબત ધ્યાને લઇને અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓના શિક્ષકો આગામી તારીખ ૧૦ એપ્રિલથી ૨૦ એપ્રિલ દરમિયાન પોતે જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારની આસપાસની સોસાયટી/ મહોલ્લા,દૂધમંડળી,સહકારી મંડળી વગેરે સ્થળોએ લોકો સાથે એક બેઠક કરીને લોકોને મતદાન માટે પ્રેરિત કરે અને પોતાના વિસ્તારમાં મહત્તમ મતદાન થાય તે સુનિશ્ચિત કરે તેવું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, આગામી તારીખ ૧૦ એપ્રિલથી ૨૦ એપ્રિલ દરમિયાન અમદાવાદ ગ્રામ્યમાં શાળા વિસ્તારના બી.એલ.ઓ.નો સમ્પર્ક કરીને મતદાર યાદી પૈકી જે મતદાતાઓ હાલમાં વતનના સ્થળે રહેતા નથી તેમની યાદી બનાવીને તેવા મતદારોને મતદાન કરવા નિયત નમૂનાનો પત્ર પાઠવવામાં આવશે. આ પત્ર ટપાલ મોબાઇલ કે ઈમેલના માધ્યમથી સ્થળાંતરિત મતદારો સુધી પહોંચાડવામાં આવશે અને તેના માધ્યમથી લોકશાહીનો સૌથી મોટો તહેવાર ઊજવવા માટે મતદારોને વતન/ઘર વાપસી માટે આમંત્રણ પાઠવવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.