(જી.એન.એસ),તા.30
તિરુવનંતપુરમ
મલયાલમ ફિલ્મ અને ટીવી એક્ટર દિલીપ શંકર આજે સવારે એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ તિરુવનંતપુરમમાં વનરોઝ જંકશન પાસેની એક હોટલમાં રોકાયા હતા. તેમના નિધનથી મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેમના નિધનથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેમના મિત્રો અને ચાહકો આઘાતમાં છે. રિપોર્ટ અનુસાર, હોટલના એક સ્ટાફે તેમને હોટલના રૂમમાં મૃત જોયા અને તરત જ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે. ઘણા અહેવાલો કહે છે કે દિલીપ ચાર દિવસ પહેલા ‘પંચાગ્નિ’ નામના ટીવી શોના શૂટિંગ માટે તિરુવનંતપુરમની એક હોટલમાં રોકાયા હતા. દિલીપ શંકર એર્નાકુલમમાં રહે છે. હોટલના સ્ટાફે જણાવ્યું કે તે બે દિવસથી તેના રૂમમાંથી બહાર નિકળ્યા નથી. રવિવારે સવારે રૂમમાંથી આવતી દુર્ગંધને કારણે હોટલના સ્ટાફે રૂમમાં પ્રવેશ કર્યો અને તેમને મૃત હાલતમાં જોયા. તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તિરુવનંતપુરમ એસીપીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ફોરેન્સિક ટીમે રૂમની તપાસ કરી છે અને પોસ્ટમોર્ટમ પછી વધુ માહિતી આપવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, શોમાં દિલીપ સાથે કામ કરી રહેલા દિગ્દર્શકે કહ્યું કે શૂટિંગમાં બે દિવસનો બ્રેક હતો અને આ દરમિયાન દિલીપે તેના કે તેના કોઈ પણ કો-એક્ટરના કોલનો જવાબ આપ્યો ન હતો. દિગ્દર્શકે તેમને એમ પણ કહ્યું કે દિલીપ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડિત છે. દિલીપ શંકરના મૃત્યુની માહિતી મળતાની સાથે જ અભિનેત્રી સીમા જી નાયરે ફેસબુક પર મલયાલમ ભાષામાં એક ભાવનાત્મક પોસ્ટ લખી, જેનો અનુવાદ છે, “તમે મને પાંચ દિવસ પહેલા ફોન કર્યો હતો અને હું વાત કરી શકી નહોતી કારણ કે તે દિવસે મને માથામાં દુખાવો હતો. હવે મને આ સમાચારની ખબર ત્યારે પડી જ્યારે એક પત્રકારે મને ફોન કર્યો. દિલીપ તમને શું થયું… આવું કેમ થયું, ભગવાન, મને શું લખવું એ પણ સમજાતું નથી… તમને મારી શ્રદ્ધાંજલિ.” દિલીપ મલયાલમ ફિલ્મ અને ટીવી જગતનો જાણીતો ચહેરો હતા. તેમણે ‘અમ્મારિયાથે’, ‘સુંદરી’ અને ‘પંચાગ્નિ’ જેવા હિટ ટીવી શોથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેમણે 2011માં ‘ચપ્પા કુરીશ’ અને 2013માં ‘નોર્થ 24’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.