Home દુનિયા - WORLD અબજો ડોલરનું દાન કરનાર વોરેન બફેટ પોતાનો 93મો જન્મદિવસ ઉજવી રહ્યા છે

અબજો ડોલરનું દાન કરનાર વોરેન બફેટ પોતાનો 93મો જન્મદિવસ ઉજવી રહ્યા છે

36
0

100 અબજથી વધુની સંપત્તિ સાથે દુનિયાના સાતમા સૌથી ધનિક વ્યક્તિ વોરન બફેટ આજે પોતાનો 93મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ધનકુબેરની શ્રેણીમાં આવતા બફેટ આજે પણ એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવે છે. ખાવાની બાબતમાં તેમને બાળક બનવામાં પણ ખચકાટ નથી થતો. વ્યક્તિ જ્યારે ધનિક બને ત્યારે તેની રહેણીકરણી અને વ્યવહારમાં પરિવર્તન આવે છે.

અબજોપતિ બને ત્યારે તેના પગ જમીન પર ભાગ્યે જ ટકે છે. પણ દુનિયાના ટોચના ધનિકોમાંથી એક એવા વોરન બફેટ માટે આ ઉક્તિ સાચી નથી ઠરતી. વોરેન બફેટ અબજોપતિ હોવા છતા કોમનમેન છે. દિવસની કમાણી કરોડો ડોલરમાં હોવા છતા તે પોતાના માટે એક-એક ડોલરના ખર્ચનો હિસાબ રાખે છે. પોતાના માટે જ્યાં એક ડોલર બચતો હોય ત્યાં બચાવી લે છે, પણ અબજો રૂપિયાનું દાન કરવામાં પાછા નથી પડતા. અખૂટ સંપત્તિ વચ્ચે પણ વોરેન બફેટ જળકમળવત્ રહી શકે છે.

ઈનવેસ્ટમેન્ટ ફર્મ બર્કશાયર હેથવેના ચેરમેન બફેટના જીવનમાં શેરમાર્કેટ એટલી હદે વણાયેલું છે કે તેઓ સવારનો નાસ્તો માર્કેટની દિશા પ્રમાણે કરે છે. અહીં એ પણ જાણી લેવું જોઈએ કે વોરેન બફેટનો નાસ્તો સામાન્ય નાગરિક જેવો જ હોય છે, નહીં કે અબજોપતિઓ જેવો મોંઘોદાટ અને વૈવિધ્યસભર. વાત હાસ્યાસ્પદ લાગશે પણ હકીકત એ છે કે વોરેન બફેટ નાસ્તામાં પણ પૈસા બચાવે છે. તેઓ ઓફિસ જતાં રસ્તામાં પહેલા મેક ડોનલ્ડસની સેન્ડવિચ ખાય છે. જો બજાર સારૂં હોય તો તે દિવસે તેઓ ચાર ડોલરની સેન્ડવિચ ખરીદીને પોતાને રાજા સમજે છે.

બજાર જો ઘટાડા તરફી હોય તો ત્રણ ડોલરની અને જો બજારે ધબળકો વાળ્યો હોય તો અઢી ડોલરની પેટીસ ખાઈને બફેટ પોતાની ‘ગરીબી’નો પરચો આપે છે. વોરેન બફેટ નાસ્તા કે ભોજનમાં કેલરીની ચિંતા ક્યારેય નથી કરતા. હેમ્બર્ગર, કોક અને આઈસ ક્રીમના શોખીન વોરેન બફેટ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ 6 વર્ષના બાળકની જેમ ખાય છે. આ માટે તેમણે કારણ આપ્યું હતું કે સૌથી ઓછો મૃત્યુદર 6 વર્ષના બાળકોમાં હોય છે, એટલે તેમની ખાવાની આદત બાળકો જેવી છે. સામાન્ય રીતે ફોન અને કોમ્પ્યુટરથી દૂર રહેતા વોરેન બફેટ દિવસનો 80 ટકા સમય વાંચન પાછળ આપે છે.

દરરોજ પુસ્તકના 500 પાના વાંચવાનો આગ્રહ રાખતા બફેટ માને છે કે જ્ઞાનનો સંચય કરવામાં અને તેના ઉપયોગમાં વાંચન ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે 2020 સુધી, જ્યારે સ્માર્ટફોન સામાન્ય વ્યક્તિના હાથમાં પણ આવી ચૂક્યો હતો, ત્યાં સુધી વોરેન બફેટ નોકિયાનો 20 વર્ષ જૂનો ફ્લિપ ફોન વાપરતા હતા. 2020થી તેમના હાથમાં એપલનો આઈફોન આવ્યો, અને આ આઈફોન તેમણે ખરીદ્યો નહતો, પણ એપલના સીઈઓ ટીમ કૂકે તેમને ભેટ આપ્યો હતો. કેમ કે વોરેન બફેટ પાસે એપલના 5 ટકાથી વધુ શેર છે.

આઈફોનનો ઉપયોગ પણ તેઓ ફક્ત કોલિંગ માટે કરે છે. વોરેન બફેટ બહુ બધા શેરમાં રોકાણ કરવામાં નથી માનતા. તેઓ કંપનીના ફન્ડામેન્ટલ જોઈને અમુક શેર પસંદ કરે છે અને તેમાં મોટા પાયા પર લાંબા ગાળાનું રોકાણ કરે છે. રોકાણ માટેની તેમની મૂળ વ્યુહરચના એવી રહી કે એવી કંપનીઓમાં રોકાણ કરો કે જેની પ્રોડક્ટ કે સેવા વિના લોકોને ચાલે એમ ન હોય. રોકાણને તેઓ લગ્ન સાથે પણ સરખાવે છે. કેમ કે આપણે લગ્ન પૂરતી વિચારણા વિના નથી કરતા.

બફેટ થોડા સમય પહેલા સુધી ટેક્નોલોજી કંપનીઓના શેરથી દૂર રહેતા હતા. આ માટે તેમનું માનવું હતું કે જે કંપનીઓની વૃદ્ધિના ભાવિનો અંદાજ માંડી ન શકાય, તેમાં રોકાણ કરવાથી દૂર રહો. અંગત જીવનમાં પણ બફેટ ટેક્નોલોજીનો લઘુત્તમ ઉપયોગ કરે છે. તેમની ઓફિસમાં તેમના ડેસ્ક પર આજે પણ લેપટોપ કે પીસી જોવા નહીં મળે.

તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના ટોચના રોકાણકાર વોરેન બફેટ અત્યાર સુધી માત્ર એક ઈમેલ પોતાની જાતે સેન્ડ કર્યો છે. ટ્વિટર પર તેમના 17 લાખ ફોલોઅર્સ છે, પણ તે કોઈને ફોલો નથી કરતા.તેમના એકાઉન્ટ પરથી માત્ર 7 ટ્વિટ થયેલા છે. એ પણ તેમણે પોતે નથી કર્યા…15 વર્ષમાં 35 અબજ ડોલરનું દાન કરનાર વોરેન બફેટ એ લોકો માટે આદર્શ છે, જેઓ આવકથી વધુ ખર્ચ કરે છે અને પછી તેની કિંમત પણ ચૂકવે છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિક્શનલ રાઈટિંગ શીખવા ટ્વિન્કલ ખન્ના પહોંચી ઈંગ્લેન્ડ
Next articleપાકિસ્તાન સરકાર ભારતમાંથી શાક અને અન્ય ખાદ્ય પદાર્થ આયાત કરવાનો કરી રહી છે વિચાર